)
મહારાષ્ટ્રમાં હાલમાં જ સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ ગઈ જેમાં સત્તાધારી ગઠબંધન મહાયુતિએ વિરોધીઓના સૂપડાં સાફ કરી નાખ્યા. મહાયુતિમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે), એનસીપી (અજિત પવાર જૂથ) સહિતના પક્ષો સામેલ છે. આ ગઠબંધને 288 નગર પરિષદો અને નગર પંચાયતોમાંથી 207 જગ્યાઓ પર અધ્યક્ષ પદ જીત્યું અને પોતાનો દબદબો સાબિત કર્યો. જેની સરખામણીમાં વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડીને ફક્ત 44 સીટો પર જીત મળી શકી.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રવિવારે મોડી રાતે બહાર પાડવામાં આવેલા અંતિમ પરિણામો મુજબ ભાજપ 117 અધ્યક્ષ પદ જીતીને સૌથી મોટી પાર્ટી બનીને ઉભર્યો છે. ત્યારબાદ શિવસેના (શિંદે જૂથ)એ 53 અને એનસીપી (અજિત પવાર જૂથ)એ 37 અધ્યક્ષ પદ જીત્યા. એનસીપીએ કુલ 80 સીટો પર ચૂંટણી લડી હતી જેમાંથી 37 પર જીત મેળવી. પુણે જિલ્લામાં પણ મહાયુતિનું પ્રદર્શન જબરદસ્ત રહ્યું. અહીં એનસીપીએ 17માંથી 10 નગર પરિષદો અને નગર પંચાયતોમાં અધ્યક્ષ પદ પોતાના નામે કર્યું. બધુ મળીને શહેરી સ્થાનિક ચૂંટણીઓમાં મહાયુતિએ વિપક્ષને મોટો ફટકો આપ્યો છે.
વિરોધીઓને કેટલી સીટો મળી
વિપક્ષી દળોની વાત કરીએ તો કોંગ્રેસે 28 અધ્યક્ષ પદ જીત્યા. જ્યારે શરદ પવાર જૂથની એનસીપીને ફક્ત 7 અને ઉદ્ધવ જૂથની શિવસેનાને 9 સીટ મળી. આ ઉપરાંત રાજ્ય કે રાષ્ટ્રીય સ્તર પર માન્યતા ન મળેલી હોય તેવી પાર્ટીઓએ 4 સીટો જીતી જ્યારે બિન માન્યતા પ્રાપ્ત રજિસ્ટર્ડ પક્ષોના ખાતામાં 28 અધ્યક્ષ પદો ગયા. 5 અપક્ષના ફાળે ગયા.
પરિણામો આપે છે મોટો સંકેત
1. ઉદ્ધવ-પવાર માટે અશુભ સંકેત
ગત વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ વિપક્ષ માટે મહારાષ્ટ્રથી અશુભ સંકેત આવ્યો છે. સ્થાનિક ચૂંટણીઓના પરિણામો સ્પષ્ટ સૂચવે છે કે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો હજુ સુધી સંગઠનાત્મક રીતે ઉભરી શક્યા નથી. શિવસેના (UBT) અને NCP (SP) તો પોતાની સીટોની સંખ્યાને ડબલ ડિજિટ સુધી પણ પહોંચાડી શક્યા નથી. આ હાર બાદ ગ્રાઉન્ડ લેવલે કાર્યકરોમાં નિરાશા હશે અને તેમને જોડે રાખવા મુશ્કેલ થઈ શકે છે. ઉદ્ધવ અને શરદ પવાર બંને માટે ચિંતાની વાત છે. તેમની પાર્ટી તો તૂટી હતી પરંતુ હવે નવી પાર્ટીના અસ્તિત્વ માટે પણ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે.
2. ફડણવીસ કર્તાહર્તા
ભાજપ માટે આ જીત 15 જાન્યુઆરીએ થનારા મુંબઈ નગર નિગમ ચૂંટણી પહેલા મોટી ભેટ છે. દિલ્હીથી મુંબઈ સુધીના નેતાઓ ઉત્સાહિત છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં પાર્ટીનો જનાધાર વધ્યો છે. આ કારણે પાર્ટીના લોકો કેન્દ્રીય નેતૃત્વની સાથે સાથે દેવાભાઉને પણ ક્રેડિટ આપી રહ્યા છે. સ્થાનિક ચૂંટણીઓ પહેલા ગઠબંધનમાં એક અજીબ અસમંજસ જોવા મળી હતી. ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના વિધાયકોને તોડવાનો આરોપ લાગતો હતો હાલના મહિનાઓમાં ગઠબંધનમાં શિવસેના અને એનસીપીના મંત્રીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને અન્ય અનિયમિતતાઓના આરોપ લાગ્યા તો પણ રાજકીય પડકારો વધ્યા હતા. સીએમએ લોકલ ચૂંટણીઓ પહેલા સમગ્ર રાજ્યમાં 38 જેટલી રેલીઓ કરી હતી.
3 જીત બધા માટે સંદેશ
જીત બાદ સીએમએ કહ્યું કે નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણીમાં ભાજપને મળેલી જીત મહારાષ્ટ્રની જનતા દ્વારા માનનીય પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વ પર દર્શાવેલો વિશ્વાસ છે. ફડણવીસે કહ્યું કે ભાજપે એકવાર ફરીથી મહારાષ્ટ્રમાં પોતાને નંબર વન પાર્ટી સ્થાપિત કરી છે. જેને લઈને એક તસવીર ભાજપના નેતા ખુબ શેર કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપ ફરી એકવાર નંબર વન...ફડણવીસે કહ્યું કે નગર સેવકોની સીટો પર નજર ફેરવીે તો 2017માં ભાજપે 1602 સીટો જીતી હતી જે હવે વધીને 3325 (47.82 %) થઈ ગઈ છે. એટલે કે ભાજપે બમણા કરતા વધુ સીટો જીતી છે. અમે મહાયુતિ તરીકે 4331 સીટો (62.30 %) જીતી છે. કુલ 6952 સીટો છે.
4. બીએમસી ચૂંટણી પર શું પડશે અસર
સ્પષ્ટ છે કે બહુ જલદી થનારી બીએમસી ચૂંટણી પર તેની અસર જોવા મળી શકે છે. એક ભાજપ નેતાએ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં કહ્યું કે આ પરિણામો 15 જાન્યુઆરીએ થનારી નગર નિગમ ચૂંટણીઓ માટે કાર્યકરોને વધુ આત્મવિશ્વાસ ભરવામાં મદદ કરશે. આવું જ રહ્યું તો ઉદ્ધવ ઠાકરેનો દબદબો મુંબઈમાં ઘટી શકે છે. જ્યારે શિવસેા (યુબીટી) છેલ્લા ત્રણ દાયકાથી પ્રભાવ જાળવી રાખવા માટે ધમપછાડા કરતી જોવા મળશે.
5. ભાજપના સહયોગીઓ માટે પણ એલર્ટ?
પહેલા કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષોએ સમજવું પડશે કે ભાજપ કઈ રીતે લોકલ ચૂંટણીઓને સંસદીય કે વિધાનસભા ચૂંટણીઓની જેમ જ મહત્વ આપીને જીત મેળવી. આ પોતાના જનાધારને ટેસ્ટ કરવાની એક તક હતી અને એ પણ જોવાનું કે તેઓ શત પ્રતિશત ભાજપના મોટા લક્ષ્યાંકથી કેટલા દૂર છે. આ એક રાજનીતિક ભવિષ્ય છે જેની ભાજપ મહારાષ્ટ્રમાં કલ્પના કરે છે. આ એવી સ્થિતિ હશે કે જ્યારે તેમને સહયોગીઓની પણ જરૂર ન પડે. લોકલ ચૂંટણીમાં દબદબો ભાજપના એ લક્ષ્યાંક તરફ એક મોટું પગલું છે. સ્પષ્ટ છે કે ભાજપના સહયોગી પણ આ ચૂંટણીને કદાચ એ પોઝિટિવ દ્રષ્ટિકોણથી નહીં જુએ જે રીતે પાર્ટી પોતે જોઈ રહી છે. અજીત પવાર અને એકનાથ શિંદે પણ વધુ કઈ કરી શકે નહીં. તેઓ ભાજપને મોટા લક્ષ્ય તરફ વધતા જોઈ રહ્યા છે.
નોંધનીય છે કે 288માંથી 286 સીટો પર બે તબક્કામાં 2 અને 20 ડિસેમ્બરે મતદાન થયું હતું. જ્યારે બે નગર પરિષદોમાં ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હતા. પરિણામ સ્પષ્ટ સંકેત આપે છે કે વિધાનસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં મહાયુતિનો પ્રભાવ યથાવત છે. પીએમ મોદીએ પરિણામો પર મહાયુતિને શુભેચ્છાઓ પાઠવી અને મહારાષ્ટ્રના લોકોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે આ જનકેન્દ્રીત વિકાસની રાજનીતિ પર જનતાની મહોર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તેને સુશાસન અને વિકાસની જીત ગણાવી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભાજપે શહેરી સ્થાનિક ચૂંટણીઓમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.