Monsoon 2025: આનંદો...ગુજરાતમાં વહેલું બેસશે ચોમાસુ! બંગાળની ખાડી, નિકોબાર ટાપુઓ સુધી પહોંચ્યું મોનસૂન

Gujarat Monsoon Prediction: ચોમાસુ વહેલું બેસે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. કારણ કે ચોમાસાની ભારતમાં વહેલી એન્ટ્રી થઈ છે. મંગળવારે તે નિકોબાર ટાપુઓ અને બંગાળની ખાડીના દક્ષિણ ભાગ સુધી પહોંચ્યું. જે જોતા ગુજરાતમાં પણ ચોમાસુ વહેલું આવે તેવા સંકેત છે. 

Monsoon 2025: આનંદો...ગુજરાતમાં વહેલું બેસશે ચોમાસુ! બંગાળની ખાડી, નિકોબાર ટાપુઓ સુધી પહોંચ્યું મોનસૂન

આ વખતે ચોમાસુ જલદી બેસી જવાના એંધાણ છે કારણ કે તેના સંકેત મળવા લાગ્યા છે. ચોમાસુ મંગળવારે બંગાળની ખાડીના દક્ષિણ ભાગ અને નિકોબાર ટાપુઓ સુધી પહોંચી ગયું. ત્રણ ચાર દિવસમાં તે આગળ વધી શકે છે. તે 27મી મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યાં મુજબ અનેક રાજ્યોમાં વહેલું ચોમાસુ બેસી શકે છે. છેલ્લા બે દિવસમાં નિકોબાર ટાપુઓમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો છે. 

નૈઋત્યનું ચોમાસુ મંગળવારે બંગાળની ખાડી, આદામાન સમુદ્ર, નિકોબાર ટાપુઓના દક્ષિણ ભાગોમાં તથા આંદામાન સમુદ્રના ઉત્તરના કેટલાક વિસ્તારોમાં આગળ વધ્યું. આઈએમડીએ જણાવ્યું કે આગામી 3-4 દિવસમાં દક્ષિણ અરબ સાગર અને દક્ષિણ બંગાળની ખાડીના મોટાભાગના ભાગોમાં ચોમાસુ આગળ વધે તેવી પરિસ્થિતિઓ અનુકૂળ છે. છત્તીસગઢમાં 15મી મે સુધી આંધી, વીજળી અને ભારે  પવન સાથે છૂટોછવાયાથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશમાં 16 મે સુધી વરસાદ પડશે. ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 14થી 15 મે, ગંગાના મેદાની પશ્ચિમ બંગાળમાં 14 મે અને ઝારખંડમાં 15-16 વચ્ચે વરસાદનું અનુમાન છે. 

કેરળમાં 27 મે સુધી વરસાદ આવે તેવી શક્યતા છે. આઈએમડી તે પહેલા ચોમાસુ સીઝનમાં સામાન્યથી વધુ વરસાદનું પૂર્વાનુમાન જતાવી ચૂકયું છે. તેણે અલ નીનોની સ્થિતિને ફગાવી દીધી છે. જે ભારતીય ઉપમહાદ્વીપમાં સામાન્યથી ઓછા વરસાદ સાથે જોડાયેલી છે. ભારતના કૃષિ ક્ષેત્ર માટે ચોમાસુ સંજીવની છે. આ ક્ષેત્ર 42 ટકા વસ્તીને આજીવિકા આપે છે અને દેશની જીડીપીમાં લગભગ 18 ટકા યોગદાન આપે છે. 

આનાથી મળ્યા સંકેત
બંગાળની ખાડીના દક્ષિણ ભાગ, નિકોબાર ટાપુઓ અને આંદમાન સાગર ઉપર પશ્ચિમી પવનની તાકાત અને ઊંડાઈમાં વધારો થયો છે. આ ભાગોમાં આઉટગોઈંગ લોંગવેવ રેડિએશન (ઓએલઆર) ઘટ્યું છે. જે વાદળ છવાયેલા રહેવાના સંકેત છે. ઓએલઆર પૃથ્વીથી નિકળનારી ઉર્જાનું માપ છે. આ સ્થિતિઓ ચોમાસુ જલદી આવે તે તરફ ઈશારો કરી રહી છે. 

16 વર્ષ બાદ સમય પહેલા ચોમાસુ
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સામાન્ય રીતે એક જૂનની આસપાસ કેરળમાં દસ્તક દે છે. જો આ વર્ષે તે સમય પહેલા પહોંચે તો 2009 બાદ પહેલીવાર આવું બનશે. 2009માં 23મી મેના રોજ કેરળમાં ચોમાસુ બેઠું હતું. ભારતમાં ચોમાસાના આગમનની અધિકૃત જાહેરાત જ્યારે તે કેરળ પહોંચે ત્યારે થાય છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 8 જુલાઈ સુધી સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે અને 17 સપ્ટેમ્બરથી ઉત્તર પશ્ચિમ ભારતથી ધીરે ધીરે પાછું ફરવા લાગે છે. 

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસુ
દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ 2025 તેના નિર્ધારિત સમયના ચાર દિવસ પહેલા 27 મેના રોજ કેરળ પહોંચે તેવી શક્યતા છે. કેરળમાં ચોમાસાના વહેલા આગમન સાથે, એવી આગાહી કરવામાં આવી છે કે તે ટૂંક સમયમાં વધુ આગળ જશે. IMD મુજબ, આ વખતે ચોમાસુ ગુજરાતમાં ચાર દિવસ વહેલું એટલે કે 10-11 જૂને પહોંચશે. તેની અસર ૧૨મી તારીખ સુધીમાં રાજ્યમાં દેખાશે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે સામાન્ય રીતે ચોમાસુ 1 જૂને કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે 16 વર્ષ પછી તે વહેલું પહોંચી શકે છે. આ પહેલા 2009 માં કેરળમાં ચોમાસુ વહેલું બેઠું હતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news