મધ્યપ્રદેશ : દૂધ માટે રોઈ રહેલી 1 વર્ષની બાળકીનું ગળું કાપી નાખ્યું માતાએ

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં જોવા મળ્યો મમતાનો ક્રુર ચહેરો 

Punita Vaidya Punita Vaidya | Updated: Feb 9, 2018, 03:39 PM IST
મધ્યપ્રદેશ : દૂધ માટે રોઈ રહેલી 1 વર્ષની બાળકીનું ગળું કાપી નાખ્યું માતાએ
ફોટો સાભાર : ANI

ભોપાલ : માતાને હંમેશા તેની મમતા માટે ઓળખવામાં આવે છે. બાળક ગમે તેટલું પરેશાન કરે પણ માતાના ચહેરા પર હંમેશા હાસ્ય જોવા મળે છે. જોકે મધ્યપ્રદેશના ધાર જિલ્લામા માતાની મમતાનો ક્રુર ચહેરો જોવા મળ્યો છે. અહીં દૂધ માટે રોઈ રહેલી એક બાળકીનું ગળું માતાએ ગુસ્સામાં કાપી નાખ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ આરોપી માતાની પોલીસ દ્વારા ધરપકડ કરી દેવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANI દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ધાર જિલ્લાના કુક્ષી ગામમાં રહેતી એક વર્ષની માસુમ બાળકી ભુખના કારણે રોઈ રહી હતી. આ બાળકી શાંત ન થતા માતાએ ગુસ્સામાં તેનું ગળું કાપીને તેને મારી નાખી હતી. 

પોલીસે આપેલી માહિતી પ્રમાણે આ મામલો બુધવારનો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે દિવસે લગભગ 3 વાગ્યે અનીતા નામની મહિલા પોતાની એક વર્ષની દીકરી સાથે ઘરમાં એકલી હતી. રોજની જેમ અનીતા પોતાના કામમાં વ્યસ્ત હતી અને બાળકી એકાએક રોવા લાગી. અનીતાએ આ રોતી બાળકીને દૂધ પીવડાવીને તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો પણ બાળકી ચૂપ થવાને બદલે વધારે જોરથી રોવા લાગી. બાળકીને રોતી જોઈને અનીતાને બહુ ગુસ્સો આવી ગયો અને તેણે બાળકીનું ગળું કાપી નાખ્યું જેના કારણે ગણતરીની સેકંડોમાં બાળકી મૃત્યુ પામી. 

મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ ઘટના બની એ સમયે અનીતાના કાકી સાસુ બહાર હિંચકે બેઠી હતી. બાળકીને અચાનક ચૂપ થતી સાંભળીને તે અનીતાના ઘરે પહોંચી તો બાળકીની હાલત જોઈને તેની ચીસ નીકળી ગઈ. આ મહિલાનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘર પાસે પહોંચ્યા ત્યારે લોહીથી લથપથ બાળકીને જોઈ. પોલીસને તરત આ વાતની જાણકારી આપવામાં આવી. પોલીસે બાળકીનું શબ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું છે અને ખુની માતાની ધરપકડ કરીને વધારે તપાસ હાથ ધરી છે.