)
મધ્ય પ્રદેશના મૈહર જિલ્લાની દીકરી વર્ષા પટેલે ડીએસપી બનીને સફળતાનો નવો અધ્યાય લખતા અન્ય લોકો માટે પણ એક મિસાલ રજૂ કરી છે. એક એવી માતા જેના સિઝેરિયનના ટાંકા હજુ બરાબર રૂઝાયા પણ નહતા અને તેઓ તેમની 26 દિવસની માસૂમ દીકરીને લઈને પ્રદેશની સૌથી મોટી પ્રશાસનિક પરીક્ષાના ઈન્ટરવ્યુ માટે પહોંચ્યા. આ કોઈ ફિલ્મી વાર્તા નહીં પરંતુ વર્ષા પટેલના જીવનની વાસ્તવિક કહાની છે.
મૈહર જિલ્લાના ભરેવા ગામની દીકરી વર્ષા પટેલે જીવનના કપરા સંઘર્ષો, જવાબદારીઓ, માતૃત્વના પડકારો વચ્ચે એ કરી દેખાડ્યું જેની કલ્પના કરવી પણ મુશ્કેલ થઈ પડે. વર્ષા પટેલે પોતાની 26 દિવસની નવજાત દીકરીને લઈ ખોળામાં રાખીને મધ્ય પ્રદેશ લોક સેવા આયોગ(MPPSC-2024) પરીક્ષાનો ઈન્ટરવ્યુ આપ્યો. જ્યાં ડીએસપી પદ પર પસંદગી પામીને મહિલા વર્ગમાં પ્રદેશમાં પહેલો રેંક પણ મેળવ્યો.
વર્ષા પટેલના પિતા દમોહની એક સીમેન્ટ ફેક્ટરીમાં નોકરી કરતા હતા. 2015માં અચાનક મોતથી પરિવાર તૂટી ગયો. પિતાના મોત બાદ પરિવારે દમોહથી મૈહર આવીને વસવું પડ્યુ. અભ્યાસ ઉપર પણ અસર પડી. પરંતુ વર્ષાએ હાર માનવાની જગ્યાએ ઓફિસર બનવાનું સપનું મજબૂત કરી નાખ્યું.
પતિએ સપનાને આપી પાંખો
2017માં વર્ષાના લગ્ન રામનગરના સંજય પટેલ સાથે થયા. પતિ સંજયે પત્નીના સપનાને પૂરા કરવા માટે કમર કસી. વારાણસીમાં મેનેજરની નોકરી છોડી અને પત્ની વર્ષાને એમપીપીએસસી પરીક્ષાની તૈયારી કરાવવા માટે ઈન્દોર મોકલ્યા. ઘર અને પરિવારની જવાબદારીઓ વચ્ચે સંજય વર્ષા માટે મજબૂત સહારો બન્યા.
પાંચમા પ્રયત્નમાં સફળતા
વર્ષાનો આ સતત પાંચમો પ્રયત્ન હતો. પહેલા ત્રણ વખત ઈન્ટરવ્યુ સુધી પહોંચવા છતાં સફળતા મળી નહીં. ચોથા પ્રયત્નમાં નિષ્ફળ થયા બાદ ગર્ભવતી થયા પરંતુ અભ્યાસ ચાલુ રાખ્યો. 22 જુલાઈ 2025ના રોજ સિઝેરિયન ઓપરેશનથી દીકરી શ્રીજાનો જન્મ થયો. માત્ર 26 દિવસ બાદ 18 ઓગસ્ટના રોજ વર્ષા નવજાત દીકરીને લઈને ભોપાલ ઈન્ટરવ્યુ માટે પહોંચ્યા. માતા હોવાની જવાબદારી અને ઓફિસર બનવાનું સપનું બંને સાથે લઈને ચાલવાનું સાહસ પણ દેખાડ્યું.
શુક્રવારે જ્યારે એમપીપીએસસી પરીક્ષા-2024નું પરિણામ આવ્યું તો વર્ષાની મહેનત રંગ લાગવી. ડીએસપી પદ પર પસંદગી અને મહિલા વર્ગમાં પ્રદેશમાં પહેલા રેંકે સમગ્ર પરિવાર અને જિલ્લાને ગૌરવ અપાવ્યું.