)
BJP President: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા બાદ ભારતીય જનતા પાર્ટીની કમાન કોણ સંભાળશે, તેને લઈને હજુ નિર્ણય થયો નથી. ભાજપમાં હજુ ઉમેદવારોના નામ પર મંથન ચાલી રહ્યું છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે સંભવિત ઉમેદવારોના રેસમાં એક મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીય મંત્રીની પણ એન્ટ્રી થઈ ગઈ છે. પરંતુ ભાજપે આ મુદ્દે સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. આ સિવાય કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં નામની ચર્ચા પણ ચાલી રહી છે.
ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર ભાજપ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા રાજકોટના સાંસદ પુરૂષોત્તમ રૂપાલાના નામ પર વિચાર કરી શકે છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું કે ફડણવીસને સંકેત આપી દેવામાં આવ્યા છે કે તેમને બિહાર વિધાનસભા ચૂંટણી બાદ સીએમ પદ છોડવા માટે કહેવામાં આવી શકે છે.
અખબારને સૂત્રોએ જણાવ્યું- સંદેશ આપી દેવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી તેમની ભવિષ્યની ભૂમિકા પર ચર્ચા થઈ નથી. સંભાવનાઓ છે કે ભાજપ અધ્યક્ષ પદ માટે તેમના નામ પર વિચાર કરી શકાય છે. તેઓ યુવા છે અને તેમની પાસે આરએસએસનું સમર્થન છે. સાથે તેમને પાર્ટી નેતૃત્વનો વિશ્વાસ પણ હાસિલ છે. આ મુદ્દે ફડણવીસે કોઈ ટિપ્પણી કરી નથી.
બીજીતરફ કહેવામાં આવી રહ્યું છે કે રૂપાલાને પણ સંઘનું સમર્થન હાસિલ છે. રૂપાલા સિવાય ધર્મેન્દ્ર પ્રધાનના નામની અટકળો પણ ચાલી રહી છે.
ક્યારે થશે ચૂંટણી
ભાજપ અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી, પરંતુ સંભાવના છે કે બિહાર વિધાનસભા ચૂંટણી બાદ પાર્ટી નિર્ણય લઈ શકે છે. તેમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપે સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરી લીધી છે, જેના પર ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી બાદ વિચાર કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાવાની છે.