)
ગુરુવારે એવા સમાચાર સામે આવ્યા છે કે બુધવારે કેટલાક એકાઉન્ટ્સ પરથી પ્રતિબંદ હટાવ્યા બાદ હવે ફરીથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારતમાં પાકિસ્તાનના સેલેબ્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ ઉઠાવવાના સમચારો વહેતા થયા બાદ ભારે હંગામો જોવા મળ્યો હતો. જેથી કરીને હવે ફરીથી પ્રતિબંધ લાગ્યો છે. જે સેલેબ્સના એકાઉન્ટ્સ પર આ કાર્યવાહી થઈ તેમાં માવરા હોકેન, યુમના જૈદી, હાનિયા આમિર અને ફવાદ ખાન જેવા મોટા નામ સામેલ છે. તેમના ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર (હવે એક્સ) એકાઉન્ટ્સને ભારતમાં ફરથી બ્લોક કરી દેવાયા છે. ઈન્ડિયા ટુડેમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ ભારતે ફરીથી પ્રતિબંધ લગાવ્યો છે.
એક દિવસ પહેલા હટ્યો હતો પ્રતિબંધ, લોકોએ મચાવ્યો હંગામો
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બુધવારે અચાનક સમાચાર આવ્યા કે કેટલાક પાકિસ્તાની સેલેબ્સના એકાઉન્ટ્સ અને ચેનલો પરથી પ્રતિબંધ હટ્યો છે. માવરા હોકેન, યુમના જૈદી, અહદ રઝા મીર અને દાનિશ તૈમૂર જેવા સિતારોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ ભારતમાં ફરીથી દેખાવવા લાગ્યા હતા. આ ઉપરાંત કેટલીક યુટ્યુબ ચેનલ જેમ કે હ્યૂમ ટીવી અને એઆરવાય ડિજિટલ પણ અનબ્લોક થઈ ગયા હતા. પરંતુ આ સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો. અનેક ભારતીય યૂઝર્સે તેને લઈને નારાજગી વ્યક્ત કરી અને સરકારને સવાલ પૂછ્યો કે આખરે પ્રતિબંધ કેમ હટાવવામાં આવ્યો? કેટલાકે તેને પહેલગામ હુમલાના પીડિતો અને સેનાના જવાનોના બલિદાનનું અપમાન ગણાવ્યું.
ફરીથી પ્રતિબંધ
લોકોની નારાજગી અને સવાલો વચ્ચે ગુરુવારે સરકારે ફરીથી આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો. જો કે હજુ સુધી સરકાર તરફથી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી કે આ પ્રતિબંધ કેમ હટાવવામાં આવ્યો અને ફરીથી કેમ લગાવવામાં આવ્યો. કેટલાક સૂત્રોનું કહેવું છે કે પ્રતિબંધ હટાવવાનો નિર્ણય એક રિવ્યૂ બાદ લેવામાં આવ્યો હતો, પરંતુ જનતાના ગુસ્સાને જોતા તેને તરત પાછો લાગૂ કરાયો.
પહેલા પ્રતિબંધ લગાવો, ફરી લગાવો, આ શું મામલો છે?
સોશિયલ મીડિયા પર આ સમાચાર લઈને ભાત ભાતની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો તેને યોગ્ય પગલું ગણાવી રહ્યા છે. તો કેટલાકનું કહેવું છે કે સરકારે પોતાની નીતિ સ્પષ્ટ કરવી જોઈએ. એક યૂઝરે લખ્યું કે, પહેલા પ્રતિબંધ લગાવો, પછી લગાવો, આ શું મામલો છે? સરકારે ચોખ્ખુ જણાવવું જોઈએ કે પાકિસ્તાન સાથે આપણી શું પોલીસી છે? જ્યારે કેટલાક લોકો તેને ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાની કોશિશ તરીકે પણ જોવામાં આવી રહી છે.
શું છે મામલો
આ વર્ષે એપ્રિલમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાની સેલેબ્સ અને ન્યૂઝ ચેનલોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. જેના માટે ભારતે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું. તેના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને અનેક પાકિસ્તાની યુટ્યુબ ચેનલો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા. જેમાં હાનિયા આમિર, માહિરા ખાન, અલી ઝફર જેવા સેલેબ્સના એકાઉન્ટ્સની સાથે સાથે હ્યુમ ટીવી, એઆરવાય ડિજિટલ અને હર પલ જિયો જેવી ચેનલો સામેલ હતી.