)
Pahalgam Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના કેસમાં બુધવારે એક મોટી સફળતા મળી છે. NDTVએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, આતંકવાદીઓને મદદ કરનાર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જેની ધરપકડ કરી છે, તેનું નામ મોહમ્મદ કટારિયા છે. તેની જુલાઈમાં ઓપરેશન મહાદેવ દરમિયાન જપ્ત કરાયેલા હથિયારોની ફોરેન્સિક તપાસ બાદ ધરપકડ કરવામાં આવી.
કેવી રીતે મળી જાણકારી?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વ્યક્તિની ઓળખ દક્ષિણ કાશ્મીરના મોહમ્મદ યુસુફ કટારિયા તરીકે થઈ છે. તે લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓપરેશન મહાદેવમાં માર્યા ગયેલા લશ્કર આતંકવાદીઓ પાસેથી મળેલા ઉપકરણો અને હથિયારોની તપાસ કર્યા પછી પોલીસને મોહમ્મદ કટારિયા સુધી પહોંચી હતી, જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ઘાટીમાં આતંકવાદીઓએ તાબડતોડ ગોળીબાર કર્યો હતો, જેમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. લોકોને ધર્મ પુછીને તેમને નજીકથી ગોળી મારવામાં આવી હતી. આ હુમલામાં પાકિસ્તાનના TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) આતંકવાદી સંગઠનનું નામ સામે આવ્યું છે. આ હુમલા બાદ આખી દુનિયામાં તેની નિંદા કરવામાં આવી હતી. ભારતમાં પાકિસ્તાન સામે ખૂબ ગુસ્સો વધી ગયો હતો.
ઓપરેશન સિંદૂર
આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. સરકારે અગાઉ સિંધુ જળ સંધિ રદ કરવા સહિત અનેક મોટા પગલાં લીધા હતા. ત્યારબાદ મે મહિનાની શરૂઆતમાં ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું.
ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન અને PoKના અનેક શહેરોમાં હવાઈ હુમલાઓ દ્વારા નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. ભારતીય હવાઈ હુમલામાં ઘણા પાકિસ્તાની એરબેઝ પણ નાશ પામ્યા હતા.