)
નવી દિલ્હીઃ સરકારે બુધવારે લોકસભામાં બંધારણ (130મો સુધારો) બિલ, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશો (સુધારો) બિલ રજૂ કર્યું છે. બુધવારે પીએમ, સીએમને પદ પરથી હટાવવા સંબંધિત ત્રણ બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યા છે. વિપક્ષના જોરદાર હંગામા વચ્ચે અમિત શાહે આ ત્રણેય ખરડા રજૂ કર્યાં હતા. આવો જાણીએ શું સંસદમાં બિલ પાસ થવાની સાથે જેલ જનારા સાંસદો અને ધારાસભ્યોનું સભ્યપદ જતું રહેશે? જાણી લો આ નવા બિલમાં શું છે.
શું કહે છે નવો ખરડો?
આ બિલ અનુસાર જો કોઈ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી કે મંત્રીની કોઈ એવા ગુનામાં ધરપકડ થાય છે. જેમાં ઓછામાં ઓછા પાંચ વર્ષની સજા થઈ શકે છે અને તે સતત 30 દિવસ કસ્ટડીમાં રહે છે તો 31મા દિવસે તેને આપોઆપ પદ પરથી હટાવી દેવામાં આવશે. આ જોગવાઈ બંધારણના અનુચ્છેદ 75 (પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ), અનુચ્છેદ 164 (મુખ્યમંત્રીઓ અને રાજ્યોના મંત્રીઓ) અને અનુચ્છેદ 239AA (કેન્દ્રશાસિત પ્રદેશો) માં સુધારા દ્વારા અમલમાં આવશે.
સાંસદો અને ધારાસભ્યોના સભ્યપદ પર અસર પડશે?
મહત્વનું છે કે આ બિલ માત્ર મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને પ્રધાનમંત્રી જેવા પદો પર લાગૂ થાય છે ન કે સામાન્ય સાંસદો અને ધારાસભ્યો પર. નવા બિલમાં સાંસદો અને ધારાસભ્યોનું સભ્યપદ રદ્દ કરવાનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. તેનો મતલબ છે કે જેલ જનારા સાંસદો અને ધારાસભ્યોનું સભ્ય પદ તત્કાલ જશે નહીં, જ્યાં સુધી તેને કોર્ટ દ્વારા દોષિ ન ફેરવવામાં આવે અને સજા બે વર્ષથી વધુ ન હોય.
નવો નિયમ કેમ જરૂરી?
પ્રસ્તાવિત સંશોધનનો ઉદ્દેશ્ય સરકારમાં ઈમાનદારી અને વિશ્વસનીયતા વધારવાનો છે. ઘણીવાર ગંભીર આરોપો છતાં નેતા પદ પર રહે છે, જેનાથી જનતાનો વિશ્વાસ ડગમગી જાય છે. આ નિયમ તે ખાતરી કરશે કે ગંભીર ગુનામાં સંડોવાયેલી વ્યક્તિ સરકારનું નેતૃત્વ ન કરે. સાથે તે વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ બાદમાં નિર્દોષ સાબિત થાય છે તો તેને બીજીવાર તક મળે.