)
Delhi Bomb Blast News: દિલ્હીમાં બ્લાસ્ટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી છે. પીએમ મોદીએ દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે સોમવારે સાંજે 6:52 વાગ્યે એક ચાલતી કારમાં બ્લાસ્ટ થયો છે. ત્યારબાદ ઘણી કારમાં આગ લાગી ગઈ અને તેને ભારે નુકસાન થયું છે.
દિલ્હી બ્લાસ્ટ અંગે અમિત શાહનું પહેલું નિવેદન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી બ્લાસ્ટ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર એક i-20 કારમાં વિસ્ફોટ થયો હતો. તેના કારણે નજીકના વાહનોમાં આગ લાગી હતી અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. કેટલાક લોકોના મોત થયા હોવાના અહેવાલો પણ છે.
પીએમ મોદીએ કર્યું ટ્વિટ
Condolences to those who have lost their loved ones in the blast in Delhi earlier this evening. May the injured recover at the earliest. Those affected are being assisted by authorities. Reviewed the situation with Home Minister Amit Shah Ji and other officials.@AmitShah
— Narendra Modi (@narendramodi) November 10, 2025
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના વ્યસ્ત વિસ્તારમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે લગભગ 6:55 વાગ્યે એક કારમાં થયેલા બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને 24 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને લોક નારાયણ જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ હાલમાં ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહી છે. આ દરમિયાન બ્લાસ્ટ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રી અમિત શાહે વડાપ્રધાનને ઘટનાના તમામ પાસાઓ વિશે માહિતી આપી છે અને આગળની કાર્યવાહી અંગે ચર્ચા કરી છે.
ગૃહમંત્રી અમિત શાહ ઘટનાસ્થળની મુલાકાતે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે સ્થળે બ્લાસ્ટ થયો ત્યાં પહોંચ્યા હતા. ઘટનાસ્થળની મુલાકાત લઈ તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર ઘટના અંગે જાણકારી આપતા કહ્યું, કે 'હ્યુન્ડાઈ i20 કારમાં સાંજના 7 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ બાદ અન્ય ગાડીઓ પણ ક્ષતિગ્રસ્ત થઈ. અત્યાર સુધી 13 લોકોના મોત થયા છે જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે. તમામ એંગલથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
બીજી તરફ ગૃહમંત્રી શાહે આ મામલે IB ચીફ સાથે વાતચીત કરી છે અને NIA ડાયરેક્ટર જનરલને અનેક સૂચનાઓ આપી છે. તેમણે દિલ્હી પોલીસ કમિશનર સાથે પણ ઘટના અંગે પૂછપરછ કરવા અને આગળની કાર્યવાહી અંગે ચર્ચા કરવા માટે વાત કરી છે. ગૃહમંત્રીએ CRPF ડાયરેક્ટર જનરલને પણ નિર્દેશ આપ્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે, NSGને પણ ઘટનાસ્થળે એક ટીમ મોકલવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી તે સંપૂર્ણ અને ઊંડાણપૂર્વક તપાસ કરી શકે. આ બ્લાસ્ટ બોમ્બ કે વિસ્ફોટકોથી થયો હોવાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ દરમિયાન રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.
ચાલતી કારમાં થયો બ્લાસ્ટ
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને લઈ પોલીસ કમિશનર સતીશ ગોલચાએ એક નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાત કરતા દિલ્હી પોલીસ કમિશનર ગોલચાએ કહ્યું કે, "આજે સાંજે લગભગ 6:52 વાગ્યે એક ધીમી ગતિએ ચાલતી કાર લાલ લાઇટ પર ઊભી ગઈ. તે ગાડીમાં બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટના કારણે આસપાસની ગાડીઓને પણ નુકસાન થયું. FSL અને NIA ટીમો સહિત તમામ તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કેટલાક લોકોના મોત થયા છે અને અન્ય ઘાયલ થયા છે. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે."
પરિસ્થિતિનો તાગ લઈ રહ્યા છે અમિત શાહ
આ સાથે જ ગી ગોલચાએ કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અમને બોલાવ્યા છે. સમયાંતરે તેમની સાથે માહિતી શેર કરવામાં આવી રહી છે. ઘટના પછી તરત જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર સાથે વાત કરી છે.
બ્લાસ્ટથી ઘરની બારીઓ હચમચી
આ બ્લાસ્ટ બાદ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, વિસ્ફોટ પછી વિસ્તારમાં ગભરાટ અને અવિશ્વાસનું વાતાવરણ હતું. સ્થાનિક રહેવાસી રાજધર પાંડેએ જણાવ્યું કે, તેમણે તેમના ઘરમાંથી આગની જ્વાળાઓ જોઈ હતી. પછી તેઓ શું થયું તે જોવા માટે નીચે આવ્યા. તેમણે ઘરમાં જોરદાર બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેની તીવ્રતાએ ઘરની બારીઓ હચમચી ગઈ.