)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દ્વારા ગાઝા યુદ્ધનો અંત આણવા માટે જે 20 મુદ્દાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે તેનું સ્વાગત કર્યું છે અને આ પ્રસ્તાવને મિડલ ઈસ્ટ સહિત ગાઝા પટ્ટીમાં લાંબા ગાળાની તથા સ્થાયી શાંતિ, સુરક્ષા અને વિકાસનો યોગ્ય તથા વ્યવહારિક રસ્તો ગણાવ્યો છે. સોશિયલ મીડિયા એક્સ પર કરેલી એક પોસ્ટમાં પીએમ મોદીએ જણાવ્યું કે તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ પ્રસ્તાવનું સ્વાગત કરે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે હમાસ અને ઈઝરાયેલ બંને સંબંધિત પક્ષ તેને સ્વીકારશે.
તેમણે લખ્યું કે અમે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ દ્વારા ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક વ્યાપક યોજનાની જાહેરાતનું સ્વાગત કરીએ છીએ. તે પેલેસ્ટાઈન અને ઈઝરાયેલી લોકોની સાથે સાથે વ્યાપક પશ્ચિમ એશિયાઈ ક્ષેત્ર માટે લાંબા ગાળાના અને સ્થાયી શાંતિ, સુરક્ષા અને વિકાસનો એક વ્યવહારિક રસ્તો મોકળો કરે છે. અમને આશા છે કે તમામ સંબંધિત પક્ષ રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ પહેલા સાથે એકજૂથ થશે અને સંઘર્ષને સમાપ્ત કરવા તથા શાંતિ સુનિશ્ચિત કરવાના આ પ્રયત્નનું સમર્થન કરશે.
72 કલાકમાં બંધકોનો છૂટકારો
અત્રે જણાવવાનું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહૂએ સોમવારે વોશિંગ્ટનમાં ગાઝા યુદ્ધનો અંત લાવવા માટે 72 કલાકની અંદર બંધકોનો છૂટકારો સુનિશ્ચિત કરવા, હમાસને નિશસ્ત્ર કરવા અને ગાઝા પટ્ટી માટે એક સંચાલક મંડળની સ્થાપના કરવા માટે 20 પોઈન્ટવાળી યોજનાની જાહેરાત કરી છે. બંને નેતાઓએ સોમવારે વ્હાઈટ હાઉસમાં એક સાથે રહીને ગાઝામાં 724 દિવસથી ચાલતા યુદ્ધને સમાપ્ત કરવાના હેતુથી અમેરિકી શાંતિ યોજના પર ઈઝરાયેલની સહમતિ જાહેર કરી.
ટ્રમ્પે નવો નક્શો પણ તૈયાર કર્યો
આ જે નવી યોજના છે તેની સાથે જ ટ્રમ્પે ગાઝાનો એક નવો નક્શો પણ તૈયાર કર્યો છે. આ નક્શા મુજબ ગાઝા અને ઈઝરાયેલ વચ્ચે હંમેશા હવે એક બફર ઝોન રહેશે એટલે કે આ રેખા ન તો ઈઝરાયેલી સૈનિકો પાર કરી શકશે કે ન તો પેલેસ્ટાઈનના લોકો આવી શકશે. ટ્રમ્પનું કહેવું છે કે ઈઝરાયેલ અને અન્ય દેશોએ તેમના દ્વારા બતાવવામાં આવેલી રૂપરેખાને સ્વીકારી લીધી છે.
બફર ઝોન
રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા બહાર પાડવામાં પ્રસ્તાવિત નક્શામાં ત્રણ લાઈનો છે, વાદળી, પીળી અને લાલ. ત્યારબાદ બફર ઝોન છે. વાદળી રેખા એ છે જ્યાં સુધી હજુ ઈઝરાયેલી ફોર્સિસનું નિયંત્રણ છે. આ રેખા ખાન યુનુસ પાસે છે. ત્યારબાદ રાફાથી થઈને પીળી રેખા પસાર થાય છે. આ ફર્સ્ટ વિથડ્રોઅલ લાઈન કહેવામાં આવી છે. આ પીળી રેખાનો અર્થ છે કે બંધકોને છોડતાની સાથે જ ઈઝાયેલી સેના પીળી રેખા સુધી આવી જશે. ત્યારબાદ સેકન્ડ વિથડ્રોઅલ લાઈન છે. આ લાલ રેખા છે. એટલે કે સેકન્ડ વિથડ્રોઅલ બાદ ઈઝરાયેલની સેના ત્યાં આવીને અટકી જશે. ત્યારબાદ બફર ઝોન શરૂ થાય છે. ઈઝરાયેલના સૈનિકો થર્ડ વિથડ્રોઅલ બાદ અહીં આવીને અટકી જશે.
હમાસને ચેતવણી
ટ્રમ્પે કહ્યું કે મને આશા છે કે અમે શાંતિ માટે એક સમજૂતિ કરીશું, અને જો હમાસ આ સમજૂતિને સ્વીકારી લે તો, જે હંમેશા શક્ય છે તો આ ડીલથી ફક્ત તેઓ જ બચી જશે. ટ્રમ્પે ચેતવણીના સૂરમાં એમ પણ કહ્યું કે બાકી બધાએ સ્વીકારી લીધુ છે પરંતુ મને લાગે છે કે અમને એક સકારાત્મક જવાબ મળશે. પરંતુ જો આમ ન થાય તો જેમ કે તમે જાણો છો બીબી (ઈઝરાયેલ પીએમ) તમારે જે કરવું હોય તેના માટે અમારું તમને પૂરેપૂરું સમર્થન છે.
પ્રસ્તાવમાં એમ પણ કહેવાયું છે કે ઈઝરાયેલી સેના બંધકોનો છૂટકારો તૈયાર કરવા માટે સહમત રેખા પર પાછી ફરશે. આ પ્લાનમાં એવું પણ કહેવાયું છે કે "ગાઝાના લોકોના લાભ માટે પુર્નવિકાસ કરવામાં આવશે" અને "જો બંને પક્ષ આ પ્રસ્તાવ પર સહમત થાય તો યુદ્ધ તરત સમાપ્ત થશે."
ઈઝરાયેલ 250 કેદી છોડશે
હમાસ દ્વારા તમામ બંધકોને છોડાયા બાદ ઈઝરાયેલ 250 આજીવન કારાવાસની સજા ભોગવતા કેદીઓને છોડશે અને આ સાથે જ 7 ઓક્ટોબર 2023 બાદ અટકમાં લેવાયેલા 1700 ગાઝાવાસીઓને પણ છોડી મૂકશે. ઈઝરાયેલ છોડી મૂકાયેલા દરેક ઈઝરાયેલી બંધકના બદલામાં 15 મૃત ગાઝાવાસીઓના અવશેષો પણ રિલીઝ કરશે.
તમામ બંધકોની વાપસી બાદ શાંતિની રાહ પર ચાલવા માટે ઈચ્છુક હમાસના સભ્યોને માફી અપાશે. આ માટે તેમણે પોતાના હથિયારો સરન્ડર કરવા પડશે. ગાઝા છોડવા ઈચ્છુંક હમાસના સભ્યોને તેમના ગંતવ્ય દેશો સુધી સુરક્ષિત માર્ગ આપવામાં આવશે.
ગાઝામાં હમાસની કોઈ ભૂમિકા નહીં રહે
હમાસ અને અન્ય જૂથ એ વાત પર સહમત છે કે ગાઝાના શાસનમાં પ્રત્યક્ષ, પરોક્ષ કે અન્ય કોઈ પણ રીતે કોઈ ભૂમિકા નિભાવશે નહીં. સુરંગો અને હથિયાર ઉત્પાદન સુવિધાઓ સહિત તમામ સૈન્ય, આતંકી અને આક્રમક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરાશે અને તેનું પુર્નનિર્માણ કરાશે નહીં.