નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર 'નીચ'ને લગતી વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા પછી કોંગ્રેસના ટોચના નેતા મણિશંકર ઐયરનું પ્રાથમિક સભ્યપદ રદ કરી દેવાયું છે.  તેમના પર લેવાયેલા કડક પગલાં પછી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાઇરલ થઈ રહી છે જેમાં કથિત રીતે કોંગ્રેસના એક સ્થાનિય નેતા રાહુલ ગાંધીને અભિનંદન આપતા દેખાઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ પ્રમાણે અલ્હાબાદના કોંગ્રેસ નેતા હબીબ અહેમદના એક પોસ્ટરમાં રાહુલ ગાંધીને ક્રિકેટર તરીકે દેખાડવામાં આવ્યા છે જે પોતાના બેટથી બોલને ફટકારે છે. આ બોલ પર મણિશંકર ઐયરનો ચહેરો દોરેલો છે. આ પોસ્ટરમાં લખ્યું છે 'વેલડન રાહુલ ભઇયા...'આ પોસ્ટરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સિવાય પ્રિયંકા વાડ્રા અને રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારી પણ દેખાઈ રહ્યા છે. આ પોસ્ટ વોટ્સએપ તેમજ ફેસબુક અને ટ્વિટર પર વાઇરલ બની છે. 


મણિશંકર ઐયરની હકાલપટ્ટીના મામલે મિશ્ર પ્રતિભાવ મળ્યા છે. કેટલાક લોકો આ પગલાં બદલ કોંગ્રેસના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો ટીકા કરી રહ્યા છે. નોંધનીય છે કે મણિશંકર ઐયરે વડાપ્રધાન મોદીના ડો. બી.આર. આંબેડકર વિશેના એક નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે , 'આ બહુ નીચ પ્રકારનો માણસ છે. એનામાં કોઈ સભ્યતા નથી અને આ પ્રકારના અવસર પર ગંદી રાજનીતિ કરવાનો શું મતલબ છે?' મણિશંકર ઐયરના આ નિવેદન પછી વિવાદ શરૂ થઈ ગયો હતો.