PM Modi Address: PM મોદીએ પાકિસ્તાનને કડક શબ્દોમાં આપી ચેતવણી, ભારત ન્યૂક્લિયર બ્લેકમેલ સહન નહીં કરે

ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ થયેલા શસ્ત્ર વિરામના બે દિવસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રથમવાર દેશને સંબોધિત કર્યો. આ શસ્ત્ર વિરામ ભારત દ્વારા પહેલગામ આતંકી હુમલાના જવાબમાં હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર બાદ થયું છે. 

PM Modi Address: PM મોદીએ પાકિસ્તાનને કડક શબ્દોમાં આપી ચેતવણી, ભારત ન્યૂક્લિયર બ્લેકમેલ સહન નહીં કરે

પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે અત્યંત આક્રમક વલણ રાખીને ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો. જેમાં 7મ મેના વહેલી સવારે પાકિસ્તાન અને તેના કબજાવાળા કાશ્મીરમાં લશ્કર એ તૈયબા, હિજબુલ મુજાહિદ્દીન અને જૈશ એ મોહમ્મદ સંલગ્ન 9 આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં ઓછામાં ઓછા 100 આતંકીઓ માર્યા ગયા હતા. ત્યારબાદ શરૂ થયેલા સૈન્ય કાર્યવાહી બાદ 10મી મેના રોજ ભારત અને પાકિસ્તાન શસ્ત્ર વિરામ પર સહમત થયા હતા. આજે પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર દેશને સંબોધન કર્યું. આ સંબોધનમાં પાકિસ્તાનની વારંવાર ન્યૂક્લિયર ધમકીઓ ઉપર પણ પીએમ મોદીએ મોટું નિવેદન આપ્યું.  

સેનાના સાહસને સલામ
પીએમ મોદીએ કહ્યું કે આપણે બધાએ હાલમાં દેશના સામર્થ્ય અને તેના સંયમ બંનેને જોયા છે. હું સૌથી પહેલા ભારતની પરાક્રમી સેનાઓને સશસ્ત્ર દળો, આપણી ગુપ્તચર એજન્સીઓ, આપણા વૈજ્ઞાનિકોને દરેક ભારતવાસીઓ તરપથી સલામ કરું છું. 22મી એપ્રિલના રોજ પહેલગામમાં આતંકીઓએ જે બર્બરતા દખાડી હતી તેને દેશ, દુનિયાને હચમચાવી નાખ્યા હતા. રજાઓ ગાળી રહેલા નિર્દોષ નાગરિકોને ધર્મ પૂછીને તેમના પરિવાર, તેમના બાળકો સામે નિર્દયતાથી મારી નાખ્યા જે આતંકનો ખુબ જ વિભત્સ ચહેરો હતો, ક્રુરતા હતી. આ દેશના સદભાવને તોડવાની જઘન્ય કોશિશ પણ હતી. મારા માટે વ્યક્તિગત રીતે આ પીડા ખુબ મોટી હતી. 

તેમણે કહ્યું કે આ આતંકી હુમલા બાદ સમગ્ર દેશ, દરેક રાજકીય પક્ષ, એક સ્વરમાં આતંક વિરુદ્ધ ઊભા છે. અમે આતંકીઓના સફાયા માટે ભારતની સેનાઓને ખુલ્લી છૂટ આપી છે. આજે દરેક આતંકી, આતંકનું દરેક સંગઠન જાણી ચૂક્યું છે કે આપણી બહેનો, દીકરીઓના માથેથી સિંદૂર હટાવવાનો અંજામ શું થાય છે. 

પીએમ મોદીએ કહ્યું કે આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરના લક્ષ્યોની પ્રાપ્તિ માટે અસીમ કૃપાનું પ્રદર્શન કર્યું. હું તેમની વીરતા, સાહસ અને પરાક્રમને દરેક માતા, બહેન અને દીકરીને સમર્પિત કરું છું. ઓપરેશન સિંદૂર નયાયની અખંડ પ્રતિજ્ઞા છે. 6 મેની મોડી રાત અને 7મી મેની સવારે આખી દુનિયાએ પ્રતિજ્ઞાને પરિણામમાં બદલતા જોયા છે. ભારતની સેનાઓએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા, તેમના ટ્રેનિંગ સેન્ટર પર સટીક પ્રહાર કર્યા. આતંકીઓએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે ભારત આટલા મોટા નિર્ણય લઈ શકે છે પરંતુ જ્યારે દેશ એકજૂથ હોય છે, રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી બરેલું હોય છે તો ફૌલાદી નિર્ણયો લેવાય છે, પરિણામ લાવીને દેખાડાય છે. 

પીએમ મોદીએ કહ્યું કે ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન ઘોર નિરાશામાં ઘેરાઈ ગયું હતું. પાકિસ્તાન અકળાઈ ગયું હતું અને અકળામણમાં તેણે વધુ એ દુ:સાહસ કર્યુ. આતંક પર ભારતની કાર્યવાહીની સાથ આપવાની જગ્યાએ પાકિસ્તાને ભારત પર જ હુમલો કરવાનો શરૂ કરી દીધો. પાકિસ્તાને આપણી શાળા, કોલેજ, ગુરુદ્વારા, મંદિરો અને સામાન્ય નાગરિકોના ઘરને નિશાન બનાવ્યા. આપણે તેના સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યા. તેમાં પાકિસ્તાને પોતે જ ખુલ્લું પડી ગયું. દુનિયાએ જોયું કે કેવી રીતે પાકિસ્તાનના ડ્રોન્સ અને મિસાઈલો ભારત સામે વેરવિખેર થઈ ગયા. ભારતના સશક્ત એર ડિફેન્સ સિસ્ટમે તેમને આકાશમાં જ નષ્ટ કરી દીધા. પાકિસ્તાનની તૈયારી સરહદ પર વારની હતી પરંતુ ભારતે પાકિસ્તાનની છાતી પર વાર કરી દીધો. 

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે પાકિસ્તાનમાં આતંકના ઠેકાણાઓ પર ભારતની મિસાઈલો, ડ્રોને હુમલા કર્યા તો આતંકી સંગઠનોની ઈમારતો જ નહીં તેમનો જુસ્સો પણ થથરી ગયો. બહાવલપુર અને મુરીદકે જેવા આતંકી ઠેકાણાઓ એક પ્રકારે ગ્લોબલ આતંકની યુનિવર્સિટી રહ્યા છે. દુનિયામાં ક્યાંય પણ મોટા આતંકી હુમલા થયા છે તે બધાના તાર ક્યાંકને ક્યાંક આતંકના આ ઠેકાણાઓ સાથે જોડાયેલા છે. પછી ભલે તે 9/11 હોય કે ભારતમાં દાયકાઓથી જે મોટા મોટા આતંકી હુમલાઓ થયા છે તે બધાના તાર ક્યાંકને ક્યાંક આતંકના આ ઠેકાણાઓ સાથે જોડાયેલા છે. આતંકીઓએ આપણી બહેનોના સિંદૂર ઉજાડ્યા હતા આથી ભારતે આતંકના આ હેડક્વાર્ટરને  ઉજાડી દીધા. ભારતના આ હુમલામાં 100થી વધુ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતના ડ્રોન, મિસાઈલોએ સટીકતાથી હુમલા કર્યા, પાકિસ્તાની વાયુસેનાના એરબેસને નુકસાન પહોંચાડ્યું જેના પર પાકિસ્તાનને ખુબ ઘમંડ હતું. ભારતે પહેલા 3 દિવસમાં જ પાકિસ્તાનને એટલું નુકસાન પહોંચાડ્યું કે જેનો તેને અંદાજો પણ નહતો. ભારતની આક્રમક કાર્યવાહી બાદ પાકિસ્તાન બચેલા રસ્તા શોધવા લાગ્યું. આ મજબૂરીમાં 10મી મેના રોજ બપોરે પાકિસ્તાની સેનાએ આપણા DGMOનો સંપર્ક કર્યો, ત્યાં સુધીમાં આપણે મોટા પાયે આતંકના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તબાહ કરી ચૂક્યા હતા. પાકિસ્તાનની છાતીમાં વસાયેલા આતંકી અડ્ડાઓને આપણે ખંડેર બનાવી દીધા. આથી જ્યારે પાકિસ્તાન તરફથી ગુહાર લગાવવામાં આવી કે તેનીા તરફથી હવે કોઈ આતંકી ગતિવિધિ અને સૈન્ય દુ:સાહસ નહીં થાય તો ભારતે પણ તેના પર વિચાર કર્યો. 

— ANI_HindiNews (@AHindinews) May 12, 2025

કાર્યવાહી ફક્ત સ્થગિત
પીએમ મોદીએ કહ્યું કે અમે પાકિસ્તાનના આતંકી અને સૈન્ય ઠેકાણાઓ પર અમારી જવાબી કાર્યવાહીને હાલ ફક્ત સ્થગિત કરી છે, આવનારા દિવસોમાં અમે પાકિસ્તાનના દરેક પગલાંને આ કસોટી પર પરખીશું કે તે શું વલણ અપનાવે છે. 

ભારતનો મત એકદમ સ્પષ્ટ, ટેરર ટ્રેડ એક સાથે નહીં
પીએમ મોદીએ કહ્યું કે ભારતનો મત એકદમ સ્પષ્ટ છે. ટેરર અને ટ્રેડ એક સાથે ચાલી શકે નહીં અને પાણી તથા લોહી એક સાથે વહી શકે નહીં. હું આજે વિશ્વ સમુદાયને પણ કહીશ કે અમારી નીતિ રહી છે કે જો પાકિસ્તાન સાથે વાત થશે તો આતંકવાદ પર જ થશે, જો પાકિસ્તાન સાથે વાત થશે તો પીઓકે પર જ થશે. પ્રિય દેશવાસીઓ આજે બુદ્ધ પૂર્ણિમા છે અને ભગવાન  બુદ્ધે આપણને શાંતિનો રસ્તો દેખાડ્યો છે. શાંતિનો માર્ગ પણ શક્તિથી થઈ ને જાય છે. માનવતા શાંતિ અને સમૃદ્ધિ તરફ વધે, દરેક ભારતીય શાંતિથી જીવી શકે, વિકસિત ભારતના સપનાને પૂરું કરી શકે તેના માટે ભારતનું શક્તિશાળી હોવું ખુબ જરૂરી છે. જરૂરિયાત પડે ત્યારે તે શક્તિનો ઉપયોગ પણ જરૂરી છે. છેલ્લા કેટલાક દિવસમાં ભારતે એ જ કર્યું છે. હું એકવાર ફરીથી ભારતની સેના અને સશસ્ત્ર દળોને સલામ કરું છું. 

— ANI_HindiNews (@AHindinews) May 12, 2025

પીએમ મોદીએ કહ્યું કે ભારતની ત્રણેય સેનાઓ એલર્ટ છે. સર્જિકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક બાદ હવે ઓપરેશન સિંદૂર આતંક વિરુદ્ધ ભારતની નીતિ છે. ઓપરેશન સિંદૂરે એક નવી રેખા ખેંચી છે, જો ભારત પર હુમલો થશે તો જડબાતોડ જવાબ મળશે, અમે અમારી રીતે અમારી શરતો પર જવાબ આપીને રહીશું. કોઈ પણ ન્યૂક્લિયર બ્લેકમેલ ભારત સહન નહીં કરે. ન્યૂક્લિયર બ્લેકમેલની આડમાં ઉછરી રહેલા આતંકના ઠેકાણા પર ભારત સટીક અને નિર્ણાયક પ્રહાર કરશે. અમે આતંકને શય આપતી સરકાર અને આતંકના આકાઓને અલગ અલગ નહીં જોઈએ. 

જુઓ Video

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news