પ્રિયંકાએ પ્રથમ વખત મેનકા સામે કર્યો પ્રચાર, રોડ શો દરમિયાન આવ્યા સામ-સામે
સુલતાનપુરમાં પ્રથમ વખત એવી ઘટના ઘટી જ્યારે રાહુલ અને પ્રિયંકાએ પોતાના પરિવારિક સભ્યની વિરુદ્ધમાં પ્રચાર કર્યો, આ દરમિયાન કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી અને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી ગુરૂવારે સામ-સામે આવી ગયા હતા
સુલતાનપુરઃ ચૂંટણી પ્રચાર દરમિયાન ગાંધી પરિવાર એક-બીજાની સામે ક્યારેય આવતો નથી. મેનકા અને વરૂણ ગાંધી સામે રાહુલ, સોનિયા કે પ્રિયંકા ક્યારેય કશું બોલતા નથી. જોકે, 2019ની લોકસભા ચૂંટણીમાં કંઈક નવો નજારો જોવા મળ્યો. સુલતાનપુરમાં પ્રથમ વખત જોવા મળ્યું જ્યારે રાહુલ અને પ્રિયંકાએ પોતાના પરિવારિક સભ્યના વિરુદ્ધમાં પ્રચાર કર્યો. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી અને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી ગુરૂવારે સામ-સામે આવી ગયા હતા.
પ્રિયંકા ગાંધીનો રોડ શો શરૂ થયો એ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને સુલતાનપુરથી ભાજપના ઉમેદવાર મેનકા ગાંધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની જનસભાથી પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન બંનેનો કાફલો એક બીજાની સામે આવી ગયો હતો. જોકે, પ્રિયંકાએ આ દરમિયાન હાથ હલાવીને મેનકા ગાંધીનું અભિવાદન કર્યું હતું.
Exclusive: યુદ્ધ સમસ્યાનું સમાધાન નહી પરંતુ માયકાંગલાઓને શાંતિ નથી મળતી: PM મોદી
પ્રિયંકાએ કાકી મેનકા સામે કર્યો પ્રચાર
પ્રયંકા ગાંધીએ ગુરૂવારે સુલતાનપુરમાં પોતાની કાકી મેનકાની સામે કોંગ્રેસના ઉમેદવાર સંજય સિંહના સમર્થનમાં રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો સાથે હતા. પ્રિયંકાની સાથે તેની પુત્રી મારિયા, બહરાઈચના સાંસદ સાવિત્રી બાઈ ફુલે, ડો. સંજય સિંહ તથા પૂર્વ મંત્રી અમિતા સિંહ પણ હતા. સુલતાનપુરના દરિયાપુરમાં કાકી મેનકા ગાંધીનો કાફલો અને ભત્રીજી પ્રિયંકા ગાંધીનો કાફલો સામ-સામે આવી ગયો હતો.
પોલીસે મેનકા ગાંધીનો કાફલો તેમના નિવાસસ્થાન તરફ વાળી દીધો હતો અને પ્રિયંકાના કાફલાને આગળ જવા દીધો હતો. આ અગાઉ રાહુલ ગાંધી 22 એપ્રિલના રોજ અમહટ એરસ્ટ્રીપની નજીક અને 5 મેના રોજ ધમ્મોરમાં સંજય સિંહના સમર્થનમાં કાર્યકર્તા સંમેલન કરી ચૂક્યા છે.