કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધી આજે પહેલીવાર કરશે CWC બેઠકની અધ્યક્ષતા
કાર્યક્રમ મુજબ સીડબલ્યુસી નવા અધ્યક્ષનું ઉષ્માભેર સ્વાગત કરશે
નવી દિલ્હી: કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધી આજે પહેલીવાર કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકની અધ્યક્ષતા કરશે. કાર્યક્રમ મુજબ સીડબલ્યુસી નવા અધ્યક્ષનું ઉષ્માભેર સ્વાગત કરશે અને બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના મજબુત પ્રદર્શનને ભવિષ્યમાં પાર્ટી પર થનારી અસર સહિત હાલની રાજકીય સ્થિતિઓ પરપ ચર્ચા થવાની શક્યતા છે. પાર્ટી સૂત્રોના જણાવ્યાં મુજબ 2જી કૌભાંડમાં તમામ આરોપીઓના છોડી મૂકતા કોર્ટના આદેશ ઉપર પણ ચર્ચા થઈ શકે છે. ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કથિત કૌભાંડને લઈને વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ જોરદાર અભિયાન ચલાવ્યું હતું. યુપીએ 2 સરકારમાં કથિત ભ્રષ્ટાચાર મનમોહનસિંહની સરકારની હારનું એક કારણ બની રહ્યો હતો.
સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકમાં સિંહ વિરુદ્ધ પીએમ મોદીની ટિપ્પણીને લઈને સરકાર અને મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા વાક્યુદ્ધથી પેદા થયેલી સ્થિતિ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. પીએમ મોદીએ આરોપ લગાવ્યો હતો કે સિંહે કેટલાક હાલના અને પૂર્વ પાકિસ્તાની અધિકારીઓ સાથે મળીને ગુજરાત ચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિશ કરી.
સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસ 2જી મુદ્દાને લોકો વચ્ચે લઈ જવા માંગે છે, જેના માટે જલદી એક યોજના તૈયાર કરવામાં આવી શકે છે. પાર્ટીની નિર્ણય લેનારી સર્વોચ્ચ સંસ્થા સીડબલ્યુસી આ સંબંધે એક પ્રસ્તાવ પણ લાવી શકે છે. જો કે બેઠખના એજન્ડાની અધિકૃત રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
રાહુલ ગાંધીએ માતા સોનિયા ગાંધીની ગેરહાજરીમાં અગાઉ પણ સીડબલ્યુસીની બેઠકોની અધ્યક્ષતા કરેલી છે. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પહેલીવાર બેઠકની અધ્યક્ષતા કરશે. રાહુલ ગાંધીને 11 ડિસેમ્બરના રોજ નિર્વિરોધ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટી લેવાયા અને તેમણે 16મી ડિસેમ્બરથી અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળ્યો.