લાલ કિલ્લા પર હુમલો: LeTના આતંકી બિલાલ એહમદની 18 વર્ષ બાદ ધરપકડ

વર્ષ 2000માં દિલ્હીના લાલકિલ્લા પર થયેલા આતંકી હુમલામાં 17 વર્ષ બાદ પોલીસને ભારે સફળતા હાથ લાગી છે.

Updated By: Jan 11, 2018, 09:39 AM IST
લાલ કિલ્લા પર હુમલો: LeTના આતંકી બિલાલ એહમદની 18 વર્ષ બાદ ધરપકડ

નવી દિલ્હી: વર્ષ 2000માં દિલ્હીના લાલકિલ્લા પર થયેલા આતંકી હુમલામાં 17 વર્ષ બાદ પોલીસને ભારે સફળતા હાથ લાગી છે. દિલ્હી પોલીસ અને ગુજરાત એટીએસ દ્વારા એક જોઈન્ટ ઓપરેશનમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી જેના પર લાલ કિલ્લા પર હુમલામાં સામેલ હોવાની શંકા છે. પોલીસના જણાવ્યાં અનુસાર ગુજરાત એટીએસએ દિલ્હી પોલીસને સૂચના આપી હતી કે બિલાલ અહેમદ 'કાવા' શ્રીનગરથી દિલ્હી આવી રહ્યો છે. તેને આ મામલે ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યાં મુજબ કાવાને બુધવાર સાંજે દિલ્હી એરપોર્ટથી અટકાયતમાં લેવામાં આવ્યો અને હાલ તેની પૂછપરછ થઈ રહી છે. 

કાશ્મીરમાં છૂપાયો હતો બિલાલ
ડેપ્યુટી પોલીસ કમિશનર (સ્પેશિયલ સેલ) પી એસ કુશવાહે કહ્યું કે કાવાની ધરપકડ સાંજે છ વાગ્યે થઈ હતી. પોલીસ ઘણા સમયથી બિલાલની શોધમાં હતી. બિલાલ લાંબા સમયથી કાશ્મીરમાં છૂપાઈને રહ્યો હતો. ગુજરાત પોલીસની તેના ઉપર નજર હતી. બુધવારે પોલીસને જેવી સૂચના મળી કે બિલાલ શ્રીનગરથી દિલ્હી આવી રહ્યો છે, તરત તેની માહિતી દિલ્હી પોલીસને આપવામાં આવી. દિલ્હી પોલીસે સાંજે 6 વાગ્યે એરપોર્ટથી બિલાલને દબોચ્યો. 37 વર્ષનો બિલાલ આતંકી સંગઠન લશ્કર એ તૈયબાનો સભ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. 

લાલકિલ્લા પર હુમલો
લાલ કિલ્લા પર 22 ડિસેમ્બર 2000ના રોજ થયેલા હુમલામાં સેનાના બે જવાન સહિત ત્રણ લોકો માર્યા ગયા હતાં. આ મામલામાં 11 આરોપીઓની ધરપકડ થઈ હતી. જેમને સેશન્સ કોર્ટે સજા સંભળાવી હતી. પોલીસે જણાવ્યું કે આ હુમલાને અંજામ આપવા માટે અલગ અલગ બેન્ક ખાતાઓમાં 30 લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરાયા હતાં. જેમાંથી એક ખાતુ બિલાલ અહેમદનું પણ હતું. હવાલાની આ રકમથી હથિયારો ખરીદાયા હતાં. લશ્કરના છ આતંકીઓએ લાલ કિલ્લાની અંદર સેના પર હુમલો કર્યો હતો. એકે-47 તથા હેન્ડ ગ્રેનેડથી લેસ આતંકીઓએ રાતે લગભગ 9 વાગ્યે લાલ કિલ્લાની અંદર ચાલી રહેલા લાઈટ એન્ડ સાઉન્ડ કાર્યક્રમ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતું. આ મામલે કોર્ટ 11 દોષિતોને સજા સંભળાવી ચૂકી છે. 

ફરાર થઈ ગયા હતા આતંકીઓ
હુમલામાં રાજપૂતાના રાઈફલ્સના ત્રણ જવાનો અબ્દુલ્લાહ ઠાકુર, ઉમાશંકર નાયક અને અશોકકુમાર શહીદ થયા હતાં. તપાસ બાદ માલુમ પડ્યું હતું કે આતંકી મોહમ્મદ આરિફ ઉર્ફે અશફાક આ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો અને એક ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. ઘટના બાદ તરત જ 25 ડિસેમ્બરે સ્પેશિયલ સેલે અનેક આતંકીઓની ધરપકડ કરી હતી. 

માસ્ટરમાઈન્ડને થઈ ફાંસીની સજા
હુમલાના માસ્ટરમાઈન્ડ આરિફ ઉર્ફે અશફાકને 2005માં કડકડડૂમા કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. સુપ્રીમ કોર્ટે પણ તેની સજા યથાવત રાખી છે. પરંતુ હજુ ફાંસી આપવા પર વચગાળાની રોક છે. અન્ય આતંકી નઝીર અહેમદ કાસિદ અને ફારુક અહેમદ કાસિદને ઉમરકેદ તથા પાકિસ્તાની નાગરિક આરિફની ભારતીય પત્ની રહમાના યુસૂફ ફારુકીને સાત વર્ષની સજા થઈ હતી.