)
ભલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી નિર્ણય લઈને 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હોય પરંતુ ભારત જરાય ગભરાવવાના મૂડમાં નથી. આ બધા વચ્ચે સરકારના સૂત્રોએ સ્પષ્ટ કરી દીધુ કે તેનાથી ભારતીય અર્થવ્યવસ્થા પર શું અસર થશે. ખાનગી મીડિયા રિપોર્ટમાં સરકારના સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે આ ટેરિફથી દેશની જીડીપીને વધુમાં વધુ 0.2 ટકા સુધીનો જ નુકસાન થઈ શકે છે. જે સંપૂર્ણ રીતે 'મેનેજેબલ' છે. FY 2024/25 માં ભારતની અંદાજિત નામમાત્ર જીડીપી 330.68 લાખ કરોડ રૂપિયા છે.
મળતી માહિતી મુજબ ભારત સરકાર અમેરિકાના દબાણમાં આવીને પોતાની કૃષિ અને ડેરી બજારોને વિદેશી કંપનીઓ માટે ખોલશે નહીં. જેમાં બીફ કે નોનવેજ મિલ્ક જેવા ઉત્પાદકો સામેલ છે. તે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે. સરકારનો આ ભાર રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવાનો અને ખેડૂતો, આંતરપ્રિન્યોર્સ, એમએસએમઈના ક્ષેત્રોના હિતોને જાળવી રાખવા પર છે.
સરકાર કોઈ જોખમ નહીં લે
ખેડૂતોના મુદ્દાને સરકારે અલગથી પ્રાથમિકતા આપી છે. રિપોર્ટ મુજબ જણાવવામાં આવ્યું છે કે સરકાર જીએમ એટલે કે જેનેટિકલી મોડિફાઈડ પાકોની આયાતને મંજૂરી નહીં આપે. કૃષિ અને સંબંધિત ક્ષેત્ર ભલે જીડીપીમાં 20%થી ઓછું યોગદાન આપતા હોય પરંતુ દેશની લગભગ અડધો અડદ વસ્તી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ક્ષેત્રોમાં કાર્યરત છે. આવામાં આ વર્ગને નારાજ કરવો કોઈ પણ સરકાર માટે રાજકીય જોખમથી ભરેલું છે.
અત્રે જણાવવાનું કે આ ટેરિફ એવા સમયમાં લાગૂ કરાયો છે કે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતિ પર વાતચીત લાંબા સમયથી અટકેલી છે. અમેરિકા ઈચ્છે છે કે તેના ખેડૂતો અને ડેરી ઉત્પાદક ભારતમાં પોતાની પ્રોડક્ટ્સ વેચી શકે. પરંતુ ભારત આ બજારોને ખોલવાનો ઈન્કાર કરતું રહ્યું છે. 2024/25માં ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર 132 અબજ ડોલર રહ્યો. જેમાં ભારતથી નિકાસ 11.6 ટકા વધીને 86.51 અબજ ડોલર થઈ ગઈ.
વેપાર સમજૂતિ પર વાતચીત યોગ્ય દિશામાં
આમ છતાં પણ સરકારે એ ક્લિયર કર્યું છે કે અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર સમજૂતિ પર વાતચીત યોગ્ય દિશામાં ચાલી રહી છે. આ પ્રક્રિયા નવેમ્બર 2024થી ચાલુ છે અને આશા છે કે સપ્ટેમ્બર કે ઓક્ટોબર સુધીમાં કોઈ અનૌપચારિક જાહેરાત થઈ શકે છે. 25 ટકા ટેરિફની સમીક્ષા અને તેમાં રાહતની સંભાવના આ સમજૂતિ બાદ બની શકે છે. હાલ 7 ઓગસ્ટથી આ ટેરિફ લાગૂ થઈ જશે.