)
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે હિંદુ ધર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આપણે સમાજનું એક બેઝિક નેટવર્ક બનાવ્યું છે, જેના કારણે હિંદુ સમાજ રહેશે. જો હિંદુ નહીં રહે તો દુનિયા નહીં રહે. મણિપુરના પ્રવાસે ગયેલા મોહન ભાગવતે શુક્રવારે કહ્યુ, 'પરિસ્થિતિનો વિચાર બધાએ કરવો પડે છે. પરિસ્થિતિ આવે છે જાય છે. દુનિયામાં બધા દેશો પર અલગ-અલગ પ્રકારની પરિસ્થિતિ આવી. કેટલાક દેશ તેમાં સમાપ્ત થઈ ગયા. જુઓ યૂનાન, ઇજિપ્ત અને રોમ બધા ભૂંસાઈ ગયા. કંઈક વાત છે કે આપણી હસ્તી મટતી નથી.'
મોહન ભાગવતે કહ્યુ, 'ભારત એક અમર સમાજ, અમર સિવિલાઇઝેશનનું નામ છે. બાકી બધા આવ્યા, ચમક્યા અને ચાલ્યા પણ ગયા. આ બધાનો ઉદય અને અસ્ત આપણે જોયો છે. આપણે હજુ છીએ અને રહીશું કારણ કે આપણે આપણા સમાજનું બેઝિક નેટવર્ક બનાવ્યું છે. તેના કારણે હિંદુ સમાજ રહેશે. જો હિંદુ ન રહ્યો તો દુનિયા પણ નહીં રહે. ધર્મનો સાચો અર્થ અને માર્ગદર્શન દુનિયાને સમય-સમય પર હિંદુ સમાજ આપે છે. તેમણે કહ્યું કે આ આપણું ઈશ્વરે આપેલું કર્તવ્ય છે.'
બ્રિટિશ સામ્રાજ્યનું આપ્યું ઉદાહરણ
આરએસએસ વડાએ કહ્યુ- બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય અસ્ત નહોતો થતો. પરંતુ ભારતમાં તેના સૂર્યાસ્તની શરૂઆત થઈ. તે માટે આપણે 90 વર્ષ પ્રયાસ કર્યો. 1857થી લઈને 1947 સુધી. આટલા લાંબા સમય સુધી સ્વતંત્રતા માટે આપણે બધા લડતાં રહ્યાં. આ અવાજ આપણે બદાવા દીધો નહીં. ક્યારેક ઓછો થઈ ગયો, ક્યારેક વધી ગયો, પરંતુ દબાયો નહીં. તે ભાગવતે કહ્યું કે દરેક સમસ્યાનો અંત સંભવ છે. તે માટે તેમણે નક્સલવાદનું ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે સમાજે નક્કી કર્યું કે હવે આ સહન નહીં થાય, ત્યારે તે ખતમ પણ થઈ ગયો.
સામાજિક એકતાની અપીલ
મોહન ભાગવે ઇમ્ફાલમાં જનજાતીય નેતાઓ સાથે શુક્રવારે બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે સામાજિક એકતાનું આહ્વાન કર્યું અને કહ્યું કે તેમનું સંગઠન સમાજને મજબૂત કરવા માટે સમર્પિત છે. ભાગવતે કહ્યુ- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોઈની વિરુદ્ધ નથી. તેની રચના સમાજને નષ્ટ કરવા માટે નહીં, પરંતુ સમાજને સમૃદ્ધ કરવા માટે કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સંઘ ન તો રાજનીતિ કરે છે અને ન કોઈ સંગઠનને રિમોટ કંટ્રોલથી ચલાવે છે. આ માત્ર મિત્રતા, સ્નેહ અને સામાજિક સદ્ભાવના માધ્યમથી કામ કરે છે. તેમણે કહ્યું કે ભારતીય સભ્યતા પ્રત્યે સમર્પણનીસાથે સમાજના સારા માટે કામ કરનાર દરેક વ્યક્તિ પહેલાથી જાહેર ન કરાયેલ સ્વયંસેવક છે.