)
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન બે દિવસના રાજકીય પ્રવાસ પર આજે ગુરુવારે (4 ડિસેમ્બર 2025) નવી દિલ્હી પહોંચશે. સાંજે લગભગ સાડા ચાર વાગે દિલ્હી પહોંચે તેવી આશા છે. આગમનના કેટલાક કલાક બાદ પીએમ મોદી તેમના માટે ડીનરની મેજબાની કરશે. ગત વર્ષે જુલાઈમાં જ્યારે પીએમ મોદી મોસ્કો ગયા હતા ત્યારે પુતિને પણ બરાબર આ રીતે જ અંગત આતિથ્ય સત્કાર કર્યો હતો. અત્રે જણાવવાનું કે પુતિનનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે કે જ્યારે ભારત અને અમેરિકાના સંબંધો છેલ્લા બે દાયકામાં સૌથી નીચલા સ્તરે છે. અમેરિકાએ ભારતીય નિકાસ પર 50 ટકાનો ભારે ભરખમ ટેરિફ લગાવેલો છે. જેમાં રશિયન ઓઈલની ખરીદીના કારણે 25 ટકા વધારાનો ટેક્સ પણ સામેલ છે.
28 કલાક રહેશે પુતિન
પુતિનની યાત્રાની જાણકારી ધરાવતા અધિકારીઓએ જણાવ્યું કે પુતિનનું શુક્રવારે ઔપચારિક સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ 23મી ભારત-રશિયા શિખર વાર્તા થશે. તેમણે જણાવ્યું કે પીએમ મોદી હૈદરાબાદ હાઉસમાં પુતિન અને તેમના પ્રતિનિધિ મંડળ માટે લંચની મેજબાની કરશે તથા પુતિન સવારે રાજઘાટ પણ જશે. શિખર વાર્તા બાદ પુતિન રશિયાના સરકારી પ્રસારકના ભારત ચેનલની શરૂઆત કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તેમના સન્માનમાં રાજકીય ભોજનની મેજબાની કરશે. લગભગ 28 કલાકના પ્રવાસ બાદ પુતિન શુક્રવારે રાતે લગભગ સાડા નવ વાગે ભારતથી પ્રસ્થાન કરશે. શિખર વાર્તામાં ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઈલની મોટા પાયે ખરીદીના કારણે વધતી વેપાર ખાદ્યનો મુદ્દો ઉઠે તેવી શક્યતા છે. શિખર બેઠકમાં અમેરિકી પ્રતિબંધોની ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી પર પડનારા પ્રભાવ ઉપર પણ ચર્ચા થાય તેવી શક્યતા છે.
અનેક કરાર પર હસ્તાક્ષર થઈ શકે
શિખર સંમેલનમાં પુતિન દ્વારા પીએમ મોદીને યુક્રેન સંઘર્ષ સમાપ્ત કરવા માટે અમેરિકાના પ્રયત્નોથી માહિતગાર કરાવવામાં આવે તેવી સંભાવના છે. ભારત સતત કહી રહ્યું છે કે યુદ્ધ ખતમ કરવાનો રસ્તો ફક્ત સંવાદ અને કૂટનીતિમાંથી પસાર થાય છે. મોદી અને પુતિનની વાતચીત બાદ બંને દેશો વચ્ચે અનેક કરાર પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. જેમાં ભારતીય શ્રમિકોના રશિયામાં અવરજવર સુગમ બનાવવા પર એક અન્ય સમજૂતિ પણ સામેલ છે. એવું કહેવાય છે કે ફાર્મા, કૃષિ, ખાદ્ય ઉત્પાદકો અને કન્ઝ્યૂમર વસ્તુઓના ક્ષેત્રોમા ંરશિયાને ભારતીય નિકાસમાં નોંધપાત્ર વધારાની આશા છે.
અધિકારીઓએ જણાવ્યું કે ભારત ખાતર ક્ષેત્રમાં પણ સહયોગ વધારવાની દિશાાં કામ કરી રહ્યું છે. રશિયા દર વર્ષે ભારતને 30 થી 40 લાખ ટન ખાતર પૂરું પાડે છે. તેમણે જણાવ્યં કે બંને પક્ષ વેપાર, શિક્ષણ, કૃષિ અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં અનેક કરાર પર હસ્તાક્ષર કરી શકે છે. ભારીતય અને રશિયન પક્ષ નવી દિલ્હી દ્વારા પ્રસ્તાવિત યુરેશિયન આર્થખિ સંઘ સાથે મુક્ત વેપાર સંધિ (FTA) ઉપર પણ ચર્ચા કરી શકે છે. અધિકારીઓએ કહ્યું કે લક્ષ્ય આ એફટીએને જેમ બને તેમ જલદી અંતિમ સ્વરૂપ આપવાનું રહેશે. આ પગલું એવા સમયમાં ઉઠાવવામાં આવી રહ્યું છે કે જ્યારે ભારત રશિયાના પક્ષમાં વધતી જતી વેપાર ખાદ્યને લઈને ચિંતિત છે. ભારત દ્વારા રશિયા પાસેથી દર વર્ષે 65 અબજ અમેરિકી ડોલરની કિંમતનો સામાન અને સેવાઓ ખરીદાય છે. જ્યારે રશિયાની ભારત પાસેથી આયાત લગભગ પાંચ અબજ અમેરિકી ડોલર છે.
શિખર મંત્રણા પહેલા રક્ષામંત્રી કરશે બેઠક
શિખ બેઠક પહેલા બંને દેશોના રક્ષામંત્રી ગુરુવારે વ્યાપક ચર્ચા કરશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમકક્ષ આંદ્રે બેલૌસોવ વચ્ચે થનારી વાર્તામાં એસ-400 મિસાઈલ સિસ્ટમની ખરીદી, સુખોઈ 30 ફાઈટર વિમાનોના અપગ્રેડેશન અને રશિયા પાસેથી અન્ય મહત્વપૂર્ણ સૈન્ય સાધન સામગ્રીની ખરીદીમાં ભારતનો રસ એજન્ડામાં રહેશે. ટોચના સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે સમગ્ર ધ્યાન બંને દેશો વચ્ચે પહેલેથી જ ઘનિષ્ઠ રક્ષા સંબંધોને વધુ વિસ્તારિત કરવા પર રહેશે જેમાં રશિયા તરફથી ભારતને સૈન્ય સાધન સામગ્રીની જલદી આપૂર્તિ સુનિશ્ચિત કરવા પર વિશેષ ધ્યાન અપાશે.
એવું માનવામાં આવી રહ્યું છે કે ભારત રશિયા પાસેથી જમીનથી હવામાં માર કરનારી એસ-400 મિસાઈલ સિસ્ટમની વધારાની ખેપ ખરીદવા પર વિચાર કરી રહ્યું છે. કારણ કે ઓપરેશન સિંદૂર વખતે આ હથિયાર ખુબ કારગર સાબિત થયું હતું. ઓક્ટોબર 2018માં ભારતે રશિયા પાસથી એસ-400ની પાંચ સિસ્ટમની ખરીદી માટે પાંચ અબજ અમેરિકી ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જ્યારે અમેરિકાએ ચેતવણી આપી હતી કે કરાર આગળ વધવાથી કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ (સીએએટીએસએ)ની જોગવાઈઓ હેઠળ પ્રતિબંધ લાગી શકે છે.
2021માં ભારત આવ્યા હતા પુતિન
અત્રે જણાવવાનું કે ભારત અને રશિયાના સંબંધોની સમીક્ષા માટે ભારતના પ્રધાનમંત્રી અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે દર વર્ષે એક શિખર બેઠક થાય છે. અત્યાર સુધીમાં ભારત અને રશિયામાં વારાફરતી 22 વાર્ષિક બેઠકો થઈ ચૂકી છે. રશિયાના રાષ્ટ્રપતિ છેલ્લે 2021માં ભારત આવ્યા હતા. ગત વર્ષ જુલાઈમાં પીએમ મોદી વાર્ષિક શિખર સંમેલન માટે રશિયા ગયા હતા.