)
SBI Bank Robbery: કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં મોટી લૂંટની ઘટના સામે આવી છે. દેશી બનાવટની પિસ્તોલ અને અન્ય હથિયારોથી સજ્જ માસ્ક પહેરેલા માણસોએ બેન્કમાં લૂંટી મચાવી હતી. પ્રારંભિક માહિતી અનુસાર બેન્કમાંથી 58 કિલો સોનું અને 8 કરોડ રોકડની ચોરી થઈ છે. સ્થાનિક અહેવાલો અનુસાર ચોરો મંગળવારે સાંજે બેન્કમાં ઘૂસ્યા અને કર્મચારીઓને બાંધી લૂંટી મચાવી ફરરા થઈ ગયા છે. તેઓએ જે કારનો ઉપયોગ કર્યો હતો તે મહારાષ્ટ્રના પંઢરપુરમાંથી મળી આવી છે.
કર્ણાટક અને મહારાષ્ટ્ર પોલીસ સંયુક્ત શોધખોળ અભિયાન ચલાવી રહી છે. અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે, અને મોટી સંખ્યામાં લોકો શાખાની સામે એકઠા થઈ ગયા છે.
કરોડો રૂપિયાની લૂંટ
બેન્કમાં ગુનેગારો ચાલુ ખાતું ખોલાવવાના બહાને ઘૂસ્યા અને પછી મેનેજર, કેશિયર અને અન્ય કર્મચારીઓને બંદૂક અને છરીની અણીએ બંધક બનાવ્યા હતા. ત્યારબાદ તેઓએ સ્ટાફના હાથ-પગ બાંધી દીધા અને રોકડ અને આશરે 58 કિલોગ્રામ સોનાના દાગીના લૂંટી લઈને ઘટનાસ્થળેથી ભાગી ગયા.
મહારાષ્ટ્રમાં લૂંટારાઓની કાર મળી
કર્ણાટક અને મહારાષ્ટ્ર પોલીસે લૂંટારાઓને પકડવા માટે સંયુક્ત શોધખોળ અભિયાન શરૂ કર્યું છે. આ ઘટનાથી બન્ને રાજ્યોની પોલીસ સતર્ક થઈ ગઈ છે. લૂંટારાઓએ ઉપયોગમાં લીધેલી કાર મહારાષ્ટ્રના પંઢરપુરમાંથી મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. આ સૂચવે છે કે, ગુનેગારો આંતરરાજ્ય ગેંગ હોઈ શકે છે. પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે, અને બેન્કની બહાર મોટી ભીડ એકઠી થઈ ગઈ છે. વધુ તપાસ ચાલુ છે.
પોલીસે કેસ નોંધ્યો
વિજયપુરાના પોલીસ અધિક્ષક લક્ષ્મણ નિમબર્ગીએ જણાવ્યું કે, બેન્ક મેનેજરની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ટીમો ગુનેગારોને સક્રિયપણે શોધી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓએ નકલી લાઇસન્સ પ્લેટવાળી કારનો ઉપયોગ કર્યો હતો. ગુનો કર્યા પછી આરોપીઓ મહારાષ્ટ્રના પંઢરપુર તરફ ભાગી ગયા છે. પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, "તપાસ ચાલુ છે અને આરોપીને પકડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે."
કર્ણાટકમાં બીજી મોટી બેન્ક લૂંટ
આ બેન્ક લૂંટને કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં બીજી મોટી ઘટના માનવામાં આવે છે. અગાઉની લૂંટ જૂન 2025માં વિજયપુરામાં જ આવેલા મનાગુલી ગામમાં કેનેરા બેન્કની શાખામાં થઈ હતી. તે સમયે ગુનેગારોએ 59 કિલો ગીરવે રાખેલ સોનું અને ₹5.2 લાખ રોકડા ચોરી લીધા હતા. પોલીસે બેન્ક મેનેજર સહિત ત્રણ મુખ્ય શંકાસ્પદોની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે, કેનેરા બેન્ક લૂંટ પાછળ પૂર્વ મેનેજર વિજયકુમાર મિરિયાલ મુખ્ય સૂત્રધાર હતો.