270000000000 રૂપિયાનું મેગા કૌભાંડ, બે ભાઈઓએ સ્માર્ટ સિટીના નામે 70000 લોકો સાથે કરી છેતરપિંડી
Real Estate Scam : બે ભાઈઓએ સ્માર્ટ સિટીના નામે 70000 લોકો સાથે 2676 કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને સૌથી મોટું રિયલ એસ્ટેટ કૌભાંડ આચર્યું છે. ત્યારે બંને ભાઈઓએ કઈ રીતે આ કૌભાંડ આચર્યું તેના વિશે આ લેખમાં જાણીશું.
Trending Photos
Smart city Scam : લોકો જિંદગીભરની કમાણી બચાવીને પોતાનું ઘર ખરીદવાનું સ્વપ્ન જોતા હોય છે. કેટલાક લોકો લોન લે છે કો કેટલાક પોતાના ઘર માટે પાઈ પાઈ બચાવે છે, પરંતુ સુભાષ બિજરાણી અને રણવીર બિજરાણી જેવા લોકો તે સપનાઓને છેતરપિંડીમાં ફેરવે છે. રાજસ્થાનના બે ભાઈઓએ સ્માર્ટ સિટીના નામે 70000 લોકો સાથે 2676 કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને સૌથી મોટું રિયલ એસ્ટેટ કૌભાંડ આચર્યું છે. આશ્ચર્યજનક વાત એ છે કે રાજસ્થાનના એક નાના શહેરમાં રહેતા બિજરાણી ભાઈઓએ લોકોને એટલી ચાલાકીથી મૂર્ખ બનાવ્યા કે કોઈને ખબર પણ ન પડી.
ધોલેરા સ્માર્ટ સિટી કૌભાંડના માસ્ટરમાઇન્ડ
રાજસ્થાનમાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ કૌભાંડ સામે આવ્યું છે. બે ભાઈઓએ 2676 કરોડ રૂપિયાનું મેગા કૌભાંડ કર્યું છે. સ્માર્ટ સિટીમાં ઘર, પ્લોટ અને ઊંચા વળતરના સપના બતાવીને બિજરાણી બંધુઓએ 70 હજારથી વધુ લોકોને છેતર્યા. હવે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે અને ED બિજરાણી બંધુઓના ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે.
2676 કરોડનું મેગા કૌભાંડ કેવી રીતે થયું ?
રાજસ્થાનના સીકર શહેરના રહેવાસી બે ભાઈઓ સુભાષ બિજરાણી અને રણવીર બિજરાણીએ ધોલેરા સ્માર્ટ સિટીના નામે 70 હજાર લોકો પાસેથી કરોડો રૂપિયા લૂંટી લીધા. રણવીર બિજરાણીએ વર્ષ 2014માં ધોલેરામાં જમીન ખરીદી હતી. જ્યારે ભાઈ સુભાષ સેનામાંથી નિવૃત્ત થયા પછી પાછા ફર્યા, ત્યારે તેણે ધોલેરામાં પોતાના 30 લાખ રૂપિયા જમીનમાં રોક્યા. અહીં સુધી બધું બરાબર હતું, પરંતુ વર્ષ 2021માં બંને ભાઈઓએ અમદાવાદમાં નેક્સા એવરગ્રીન નામની કંપની રજીસ્ટર્ડ કરાવી. દાવો કર્યો કે તેમની કંપની ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો એક ભાગ છે. તેમણે દાવો કર્યો હતો કે તેમની પાસે 1300 વીઘા જમીન છે અને તેઓ તેના પર વિશ્વ કક્ષાનો આવાસ પ્રોજેક્ટ બનાવવા જઈ રહ્યા છે.
70000 લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી
તેઓએ લોકોને પ્લોટ, ફ્લેટ, જમીન અને વધુ સારા વળતરના નામે આ સ્માર્ટ સિટીમાં રોકાણ કરાવ્યું. લોકોને આ યોજનાનો ભાગ બનાવવા માટે, તેમણે કમિશન તરીકે 1500 કરોડ રૂપિયા વહેંચ્યા. લોકોને વિશ્વાસ અપાવવા માટે, નિવૃત્ત સૈન્ય જવાનોને ઓફિસ ઓપરેટર બનાવવામાં આવ્યા હતા. સમગ્ર કૌભાંડને અંજામ આપવા માટે, 15થી વધુ શેલ કંપનીઓ બનાવવામાં આવી હતી. એજન્ટોને કમિશન અને ભેટ આપીને તેમણે 70 હજાર લોકોને તેમના નકલી સ્માર્ટ સિટીમાં રોકાણ કરાવ્યું. બંને ભાઈઓએ લોકોને વૈભવી ઘરોના સપના બતાવ્યા અને રાજસ્થાન અને ગોવામાં પોતાના માટે હોટલ, ફ્લેટ, ખાણો, રિસોર્ટ ખરીદવાનું શરૂ કર્યું. તેમણે રોકાણકારોના પૈસા અલગ અલગ જગ્યાએ રોક્યા, જેમાં 26 શેલ કંપનીઓનો ઉપયોગ કરવામાં આવ્યો.
કૌભાંડ કેવી રીતે બહાર આવ્યું ?
કંપનીએ ધીમે ધીમે તેની ઓફિસો બંધ કરવાનું શરૂ કર્યું. કંપનીની ઓફિસો જ્યાં હતી તે જગ્યાઓ રાતોરાત ગાયબ થવા લાગી. કંપની વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાવા લાગી. આ મામલો બહાર આવતાની સાથે જ EDએ ઝુનઝુનુ, સીકર, જયપુર અને અમદાવાદમાં 25 સ્થળોએ દરોડા પાડ્યા. દરોડામાં કરોડોની રોકડ અને ક્રિપ્ટો એકાઉન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. જોકે, કૌભાંડની રકમની તુલનામાં આ રિકવરી ઘણી ઓછી છે.
શું છે અસલી ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ?
તમને જણાવી દઈએ કે કેન્દ્ર અને ગુજરાત સરકાર સાથે મળીને ગુજરાતના ધોલેરામાં ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનાવી રહ્યા છે. આ સ્માર્ટ સિટીનું કદ દિલ્હી કરતા બમણું છે. આ સ્માર્ટ સિટીની અંદર બધી સુવિધાઓ હશે. એરપોર્ટથી લઈને બહુરાષ્ટ્રીય કંપનીઓ, મોલ, શાળાઓ વગેરે. આ પ્રોજેક્ટ વર્ષ 2024 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે