)
આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં શનિવારે એક દર્દનાક અકસ્માત થયો. કાશી બુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ મચી ગઈ. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 9 શ્રદ્ધાળુઓના જીવ ગયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. કારણ કે કેટલાક શ્રદ્ધાળુઓની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
આ દુર્ઘટના કારતક માસની એકાદશીના પાવન અવસર પર ઘટી. મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. પ્રાથમિક રિપોર્ટ્સ મુજબ મંદિર પરિસરના પ્રવેશ દ્વાર પાસે અચાનક ભીડ વધી ગઈ. જેના કારણે લોકોમાં અફરાતફરી સર્જાઈ અને ભાગદોડની સ્થિતિ ઊભી થઈ. અનેક લોકો પડ્યા અને તેમના પરથી ભીડ ચાલતી ગઈ.
મળતી માહિતી મુજબ પ્રશાસને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધુ. ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓ સારવાર હેઠળ છે. જિલ્લા પ્રશાસન સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને વધારાના પોલીસકર્મીઓ પણ તૈનાત કરાયા છે. જેથી કરીને સ્થિતિ પર કાબૂ રહે.
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે સવારથી જ મંદિરમાં ભીડ ખુબ વધી ગઈ હતી અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાના કારણે સ્થિતિ બેકાબૂ થઈ ગઈ હતી. સ્થાનિક પ્રશાસને દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને એ જાણવાની કોશિશ થઈ રહી છે કે ભીડ નિયંત્રણમાં ક્યાં ચૂક થઈ.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, શ્રીકાકુલમ જિલ્લાના કાશીબુગ્ગા વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડની ઘટનાથી હડકંપ મચી ગયો છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં જે જાનહાનિ થઈ તે દુખદ છે. હું મૃતકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. મે અધિકારીઓને ઘાયલોને સર્વોત્તમ શક્ય સારવાર પ્રદાન કરવાના નિર્દેશ આપ્યા છે. મે સ્થાનિક અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને ઘટનાસ્થળની મુલાકાત લેવાનું અને રાહત કાર્યોની નિગરાણી કરવા જણાવ્યું છે.