)
India Roadways Service: ભારત જેવા વિશાળ દેશમાં દરરોજ કરોડો લોકો કામકાજ, અભ્યાસ, સારવાર અને રોજિંદી જરૂરિયાતો માટે જાહેર પરિવહન (Public Transport) પર નિર્ભર રહે છે. ટ્રેન અને મેટ્રોની સાથે-સાથે સરકારી રોડવેઝ બસો દેશની પરિવહન વ્યવસ્થાની સૌથી મજબૂત કડી છે. આ બસો ચલાવનારા સરકારી બસ ડ્રાઇવરો ખરા અર્થમાં નાયક છે, જે દરેક હવામાન, દરેક પરિસ્થિતિ અને દરેક મુશ્કેલ વિસ્તારમાં મુસાફરોને સુરક્ષિત રીતે તેમના મુકામ સુધી પહોંચાડે છે.
આજે ભારતની જનસંખ્યા 140 કરોડથી વધુ થઈ ચૂકી છે અને એવું અનુમાન છે કે 2025 સુધીમાં દરરોજ લગભગ 8.5 કરોડ મુસાફરીઓ માત્ર જાહેર પરિવહન દ્વારા થશે. આમાંથી એક મોટો ભાગ રાજ્ય માર્ગ પરિવહન નિગમો (SRTC)ની બસો દ્વારા પૂરો કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કે, ભારતની રોડવેઝ સેવાઓમાં કેટલા સરકારી બસ ડ્રાઇવરો છે અને કયા રાજ્યમાં તેમની સંખ્યા કેટલી છે.
દેશભરમાં કેટલી સરકારી રોડવેઝ બસો અને ડ્રાઇવરો?
વર્તમાનમાં દેશમાં લગભગ 80 રાજ્ય માર્ગ પરિવહન ઉપક્રમો (SRTC/SPV) એક્ટિવ છે, જે મળીને લગભગ 1.5 લાખ સરકારી બસોનું સંચાલન કરી રહ્યા છે. આ બસો ચલાવવા માટે અંદાજિત 2.5 થી 3 લાખ સરકારી બસ ડ્રાઇવરો કાર્યરત છે, કારણ કે દરેક બસ માટે શિફ્ટ મુજબ એક કરતા વધુ ડ્રાઇવરની જરૂર પડે છે. આ બસો દરરોજ અંદાજે 7 કરોડ મુસાફરોને સસ્તી, સુરક્ષિત અને ભરોસાપાત્ર મુસાફરીની સુવિધા પૂરી પાડે છે.
કયા રાજ્યમાં કેટલી છે સંખ્યા?
ભારતમાં સરકારી બસ સેવાઓના મામલામાં કર્ણાટક સૌથી આગળ છે. અહીં કુલ 26,054 બસો કાર્યરત છે અને પ્રતિ 1,000 લોકો દીઠ 3.81 બસોની ઉપલબ્ધતા છે. આ બસો ચલાવવા માટે 45,000થી વધુ સરકારી ડ્રાઇવરો કાર્યરત છે. ખાસ કરીને બેંગલુરુની BMTC દેશની સૌથી મોટી શહેરી બસ સેવા છે, જેની 7,067 બસો (જેમાં 1,799 ઇલેક્ટ્રિક છે) દરરોજ લગભગ 48 લાખ મુસાફરોને સેવા આપે છે. આ સાથે બેંગલુરુ ભારતનું એકમાત્ર એવું શહેર બની ગયું છે જ્યાં સરકારી બસોમાં સૌથી વધુ લોકો મુસાફરી કરે છે.
તમિલનાડુ: કર્ણાટક પછી તમિલનાડુ બીજા નંબર આવે છે, જ્યાં લગભગ 20,000 બસો દરરોજ 60 લાખ મુસાફરો મુસાફરી કરે છે. ચેન્નાઈની MTC બસોને શહેરની જીવાદોરી માનવામાં આવે છે.
મહારાષ્ટ્ર: અહીં BEST અને MSRTCની 18,000 થી વધુ બસો મુંબઈની લોકલ ટ્રેનો સાથે મળીને દરરોજ 50 લાખથી વધુ મુસાફરોને સેવા આપે છે.
ઉત્તર પ્રદેશ: યુપી રોડવેઝની 12,000થી વધુ બસો ગ્રામીણ અને આંતરરાજ્ય મુસાફરીમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
દિલ્હી: દિલ્હીમાં ભલે બસોની સંખ્યા અન્ય રાજ્યોની સરખામણીએ ઓછી હોય, પરંતુ 3,222 DTC બસોમાંથી 2,526 ઇલેક્ટ્રિક હોવાને કારણે રાજધાની ઇલેક્ટ્રિક બસોના સૌથી ઝડપી વિસ્તારવાળા રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે.
ગુજરાત: જો ગુજરાતની વાત કરીએ તો GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ) પાસે પણ આશરે 8,000થી વધુ બસોનો છે જે રાજ્યના ખૂણેખૂણે સેવા પહોંચાડે છે.