)
Tahawwur Rana: 26/11ના મુંબઈ આતંકી હુમલાના 15 વર્ષથી વધુ સમય બાદ ભારતને એક મોટી સફળતા મળી છે. આ હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે. દોષિત આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીના સૌથી નજીકના સહયોગી રાણાને ગુરુવારે વિશેષ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ હાજર છે. મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ગુરુવારે આ જ કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
આ અંગે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે, ડેપ્યુટી પોલીસ કમિશનર (નવી દિલ્હી) દેવેશ મહલા સ્થાનિક પોલીસની સાથે ઘટનાસ્થળે હાજર હતા, જેથી તે કોર્ટમાં જરૂરી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય. જ્યાં રાણાને રજૂઆત કરવામાં આવશે. અધિકારીએ કહ્યું કે, CISF સિવાયે અન્ય અર્ધલશ્કરી દળોના જવાનોને કોર્ટની બહાર તૈનાત કરવામાં આવ્યા છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે લોકોની સંપૂર્ણ શોધ કરવામાં આવી રહી છે.
આ દરમિયાન એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દિલ્હી પોલીસની ત્રણ પીસીઆર વાન અને 'ઇન્ટરસેપ્ટર' પાલમ એરપોર્ટની બહાર હાજર હતા, જ્યાં આતંકવાદી હુમલાના આરોપીને લઈ આવતું વિમાન ઉતરવાનું હતું. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના જજ આ કેસની સુનાવણી કરે તેવી શક્યતા છે.
જેલમાં તમામ તૈયારીઓ પૂર્ણ
તિહાર જેલના અધિકારીઓએ કહ્યું કે, રાણાને ઉચ્ચ સુરક્ષાવાળા જેલ વોર્ડમાં રાખવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને તેઓ કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યા છે.
NIAએ પ્રત્યાર્પણની કરી પુષ્ટિ
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ એક વિગતવાર નિવેદનમાં જણાવ્યું કે, તેમણે વર્ષોના 'સતત અને સંયુક્ત પ્રયાસો' પછી સફળતાપૂર્વક રાણાનું પ્રત્યાર્પણ સુરક્ષિત કર્યું છે. ભારત-યુએસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ કાર્યવાહી શરૂ થયા બાદ રાણાને યુએસમાં ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. NIAએ જણાવ્યું હતું કે, "રાણાએ આ પગલાને રોકવા માટે તમામ કાયદાકીય માર્ગો અપનાવ્યા પછી આખરે પ્રત્યાર્પણ થયું."
રાણા 2009થી અમેરિકાની જેલમાં હતો બંધ
પાકિસ્તાની-કેનેડિયન મૂળનો રાણા (64) યુએસ નાગરિક ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીનો નજીકનો સહયોગી છે, જે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક છે. તહવ્વુર રાણા એક અલગ કેસમાં ઓક્ટોબર 2009માં ધરપકડ બાદ યુએસ જેલમાં હતો. 2006માં જ્યારે લશ્કરનો આતંકવાદી હુમલાની યોજના બનાવવા ભારત આવ્યો ત્યારે તેણે હેડલીને વિઝા અને સિમ કાર્ડ મેળવવામાં મદદ કરી હતી. 26/11ના હુમલામાં 166 લોકોના મોત થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા, જ્યારે મુંબઈમાં મુખ્ય સ્થાનો પર 60 કલાકની ઘેરાબંધી હતી.