)
Tomato Prices Hike: વરસાદ અને ગરમી દરમિયાન ટામેટાના ભાવમાં દર વર્ષે વધારો થાય છે. દોઢ વર્ષ પહેલાં 2024 દરમિયાન ટામેટાના ભાવમાં એટલો વધારો થયો હતો કે, તેની કિંમત વધીને 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી. તે સમયે કિંમતો પર નિયંત્રણ રાખવા માટે સરકારે નેફેડ (NAFED) દ્વારા આગળ આવવું પડ્યું હતું અને ખુલ્લા બજારમાં સસ્તા ભાવે ટામેટાનું વેચાણ કરવું પડ્યું હતું. ઘણા વેપારીઓ તો ગરમી પહેલાં ટામેટાંને કોલ્ડ સ્ટોરમાં ભરીને સારો એવો નફો કમાય છે. પરંતુ, છેલ્લા 15 દિવસથી ટામેટાના ભાવમાં ફરીથી તેજી જોવા મળી રહી છે.
80 થી 100 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે ટામેટા
સરકારી આંકડાઓ અનુસાર, 19 ઓક્ટોબરથી 19 નવેમ્બરની વચ્ચે દેશભરમાં ટામેટાની સરેરાશ છૂટક કિંમત 36 રૂપિયાથી વધીને 46 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. એટલે કે, આ સમય દરમિયાન ટામેટાના ભાવમાં 27%નો વધારો થયો છે. ચંદીગઢમાં તો ટામેટાના ભાવમાં 112%નો જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. આંધ્રપ્રદેશ, હિમાચલ અને કર્ણાટકમાં પણ 40%થી વધુ મોંઘવારી નોંધાઈ. દિલ્હી-નોઈડામાં સારી ગુણવત્તાના ટામેટા 80 રૂપિયાથી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે.
ટામેટાના ભાવમાં કેમ આવી રહી છે તેજી?
ઓક્ટોબર મહિનામાં થયેલા વરસાદે ટામેટાના સપ્લાય પર બ્રેક લગાવી દીધી છે. બીજી તરફ લગ્નની સિઝન પૂરજોશમાં છે અને આવતા મહિને ડિસેમ્બરમાં ક્રિસમસ-ન્યૂ યર પાર્ટી પણ આવવાની છે. આવી સ્થિતિમાં માંગ વધુ છે અને પુરવઠો ઓછો છે. તેનું પરિણામ એ આવ્યું કે, માત્ર 15 દિવસમાં જ કિંમતો 50% સુધીનો વધારો જોવા મળ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, કિંમતો હજુ પણ ઉપર જઈ શકે છે.
ફરી વધી રહી છે મોંઘવારી
કિંમતોમાં વધારો થતાં પહેલાં ઓક્ટોબર મહિનામાં ટામેટા, ડુંગળી અને બટેટા ખૂબ જ સસ્તા થઈ ગયા હતા. કિંમતોમાં ઘટાડાની અસર એ થઈ હતી કે, મોંઘવારી દર 2013 પછી સૌથી ઓછો 0.25% રહ્યો હતો. ટામેટા તો -42.9% સુધી સસ્તા થઈ ગયા હતા. પરંતુ નવેમ્બર આવતા-આવતા વરસાદે આખી રમત પલટી નાખી. હવે મોંઘવારી ફરી એકવાર માથું ઊંચકી રહી છે.