રોડ શો હિંસાઃ અમિત શાહ સામે કોલકાતા પોલીસે દાખલ કરી બે FIR

તૃણમુલ કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપના કાર્યકર્તાઓએ સમાજ સેવક અને દાર્શકનિક ઈશ્વરચંદ વિદ્યાસાગરની પ્રતિમા તોડી નાખી છે, ભાજપના નેતાઓએ ટીએમસીના આરોપો ફગાવી દીધા છે   

Updated By: May 15, 2019, 12:14 PM IST
રોડ શો હિંસાઃ અમિત શાહ સામે કોલકાતા પોલીસે દાખલ કરી બે FIR

નવી દિલ્હી/ કોલકાતાઃ લોકસભા ચૂંટણી 2019ના સાતમા અને અંતિમ તબક્કામાં પશ્ચિમ બંગાળની 9 બેઠક પર મતદાન બાકી છે. રાજ્યમાં અત્યાર સુધી યોજાયેલા 6 તબક્કાના મતદાન દરમિયાન દરેક વખતે ભાજપ અને રાજ્યની સત્તાધારી તૃણમુલ કોંગ્રેસ વચ્ચે સતત હિંસક સંઘર્ષ જોવા મળ્યો છે. મંગલવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન પણ ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના ઘટી હતી. 

આ મારામારીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને અનેક વાહનોમાં તોડફોડ- આગ લગાડવામાં આવી હતી. ભાજપનો આરોપ છે કે, આ હિંસામાં પાર્ટીના 100થી વધુ કાર્યકર્તા ઘાયલ થયા છે. ભાજપે જણાવ્યું હતું કે, રોડ શો દરમિયાન ટીએમસીના વિદ્યાર્થી એકમે આ હુમલો કરાવ્યો છે. 

બુધવારે કોલકાતા પોલિસ દ્વારા અમિત શાહ સામે બે FIR દાખલ કરવામાં આવી છે. જોડાસાંકો અને એમહર્સ્ટ સ્ટ્રીટના પોલિસ સ્ટેશનમાં આ એફઆઈઆર દાખળ કરાઈ છે. એવું કહેવાય છે કે, આ બંને એફઆઈઆર ટીએમસીના વિદ્યાર્થી એકમ દ્વારા દાખલ કરાવાઈ છે. 

પશ્ચિમ બંગાળમાં લોકશાહીની હત્યા થઈ રહી છેઃ અમિત શાહ

ટીએમસીનો પ્રતિઆક્ષેપ
ટીએમ સીનો આરોપ છે કે, ભાજપના કાર્યકર્તાઓએ સમાજસેવક અને દાર્શનિક ઈશ્વરચંદ વિદ્યાસાગરની પ્રતિમા તોડી નાખી છે. ટીએમસીએ આ અંગેની ફરિયાદ કરવા માટે ચૂંટણી પંચ પાસે મુલાકાતનો સમય માગવામાં આવ્યો છે. 

ટીએમસીએ ટ્વીટ કરી છે કે, "ડેરેક ઓ બ્રાયન, સુખેન્દુ શેખર રાય, મનીષ ગુપ્તા, નદીમુલ હકની તૃણમુલ સંસદીય ટીમ અમિત શાહના કોલકાતા ખાતેના રોડ શો દરમિયાન બંગાળની સંપત્તી પર થયેલા હુમલા અંગે ચૂંટણી પંચની મુલાકાત કરવા માગે છે. ભાજપના બહારથી લાવવામાં આવેલા ગુંડાઓએ આગ લગાડી હતી અને વિદ્યાસગરની પ્રતિમા તોડી નાખી હતી."

જંતર-મંતર પર ભાજપનું પ્રદર્શન
ભાજપ દ્વારા કોલકાતા હિંસા મુદ્દે દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં નેતાઓ 'સેવ બંગાલ, સેવ ડેમોક્રસી' સહિતના અનેક બેનર લઈને આવ્યા હતા. પોતાના મોઢા પર આંગળી રાખીને મૌન રહીને પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. 

લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....