)
Building Collapses in Chennai: ચેન્નાઈમાં મંગળવારે એક નિર્માણાધીન ઇમારતનો એક ભાગ ધરાશાયી થતાં એક મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 9 કામદારો નીચે દબાઈ જવાથી મોત નિપજ્યાં છે. જ્યારે ઘણા કામદારો ઘાયલ પણ થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઘટના તિરુવલ્લુરના એન્નોર થર્મલ પાવર પ્લાન્ટમાં બાંધકામ કાર્ય દરમિયાન બની હતી. ઇમારતની એક કમાન અચાનક તૂટી પડી હતી, જેમાં ઘણા પરપ્રાંતિય કામદારો ફસાઈ ગયા હતા.
અનેક કામદારો સારવાર હેઠળ
ન્યૂઝ 18ના એક રિપોર્ટ અનુસાર 4 કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે પાંચ અન્ય કામદારોના નજીકની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે, ગંભીર રીતે ઘાયલ થયેલા ઘણા કામદારો સારવાર હેઠળ છે.
ઇમારતની કમાન તૂટી પડતા બની આ દુર્ધટના
તમિલનાડુ વીજળી બોર્ડના સચિવ ડો. જે. રાધાકૃષ્ણન અને ઘણા વરિષ્ઠ અધિકારીઓએ ઘાયલ કામદારોને મળવા માટે સ્ટેનલી સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કામદારો પાવર પ્લાન્ટમાં બાંધકામના કામમાં રોકાયેલા હતા ત્યારે ઇમારતની કમાન તૂટી પડી હતી, જેના કારણે તેઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા.
અવાડી પોલીસ કમિશનરે એક નિવેદનમાં જણાવ્યું કે, આ ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે જણાવ્યું કે, "ઉત્તર ચેન્નાઈ થર્મલ પાવર સ્ટેશનના બાંધકામ સ્થળે આજે એક દુ:ખદ દુર્ઘટના થઈ હતી. પ્રાથમિક રિપોર્ટ અનુસાર, 10થી વધુ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. પીડિતોને ઉત્તર ચેન્નાઈની સ્ટેનલી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બચાવ કામગીરી ચાલી રહી છે અને અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે."