)
First Vande Bharat Sleeper Train : વંદે ભારત સંપૂર્ણપણે એસી સ્લીપર ટ્રેનની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. હાલમાં વંદે ભારત ચેર કાર ટ્રેનો ટૂંકા અંતર પર દોડે છે. હવે, પહેલીવાર વંદે ભારત સ્લીપર ટ્રેન લાંબા અંતર પર દોડશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કોલકાતા અને ગુવાહાટી વચ્ચે દોડનારી પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન વિશે માહિતી આપી છે. રેલવે મંત્રીએ જણાવ્યું કે ટ્રેનનો ટ્રાયલ રન પૂર્ણ થઈ ગયો છે. 16 કોચવાળી સ્લીપર વંદે ભારત ગુવાહાટી અને કોલકાતા વચ્ચે દોડશે.
વંદે ભારત સ્લીપર ટ્રેન 10 શહેરોને જોડશે
ગુવાહાટી અને કોલકાતા વચ્ચે દોડનારી આ વંદે ભારત ટ્રેન 10 શહેરોને જોડશે. ગુવાહાટી કામાખ્યા સ્ટેશનથી ઉપડીને કોલકાતા હાવડા જતી આ વંદે ભારત સ્લીપર ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ સ્લીપર ટ્રેનમાં 11 થર્ડ-એસી કોચ, 4 સેકન્ડ-એસી કોચ અને એક ફર્સ્ટ-એસી કોચ હશે. 823 મુસાફરોની ક્ષમતા ધરાવતી આ ટ્રેન તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
કેટલું હશે ભાડું ?
આ ટ્રેનમાં સવારીને આરામદાયક બનાવવા માટે સુપેરિયર સસ્પેન્શનનો ઉપયોગ કરવામાં આવશે. સલામતી માટે જરૂરી કવચ ઇમરજન્સી ટોકબેક સિસ્ટમ પણ છે. ડ્રાઇવર પાસે એડવાન્સ કંટ્રોલ સેફ્ટી સિસ્ટમ હશે. એક્સટેરિયર ભાગ એરોડાયનેમિક દેખાવ ધરાવતો હશે. ભાડાની વાત કરીએ તો ગુવાહાટીથી કોલકાતા સુધીની વંદે ભારત સ્લીપર ટ્રેનનું ભાડું ફર્સ્ટ એસી માટે 3600 રૂપિયા, સેકન્ડ એસી માટે 3000 રૂપિયા અને થર્ડ એસી માટે 2300 રૂપિયા હશે.