નઘરોળ તંત્ર: વારાણસીમાં ફરી એકવાર પિલ્લર હલવા લાગતા તંત્ર દોડતું થયું

વારાણસીમાં નિર્માણાધીન ફ્લાઇઓવરનાં બે બીમ અચાનક ધ્રૂજવા લાગ્યા બાદ તે રૂટ પરનો તમામ ટ્રાફીક ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો

Updated By: May 30, 2018, 04:43 PM IST
નઘરોળ તંત્ર: વારાણસીમાં ફરી એકવાર પિલ્લર હલવા લાગતા તંત્ર દોડતું થયું

વારાણસી : વારાણસીમાં 15મેનાં રોજ નિર્માણાધીન ફ્લાઇઓવર દુર્ઘટનાની હાલ તપાસ પુરી પણ થઇ શકી નથી. તે દુર્ઘટનામાં કુલ 18 લોકોનાં દબાવાનાં કારણે મોત નિપજ્યાં છે, જ્યારે બે ડઝન કરતા વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જો કે આટલી મોટી દુર્ઘટના છતા હજી પણ નઘરોળ તંત્ર ઉંઘતુ ઝડપાયું છે. મંગળવારે સેતુ નિગમ તરફથી બાંધકામમાં વધારે એક મોટો ગોટાળો ફરીથી સામે આવી છે. આ વખતે આ નિર્માણાધીન ફ્લાઇઓવર પર મુકેલા બીમ (બીમ નંબર 76 અને 77) અચાનક હલવા લાગ્યા હતા. ત્યાર બાદ ભારે નાસભાગ થવા લાગી હતી. 

કામ કરી રહેલા મજુરોએ ધ્રુજી રહેલા બિમ અંગેની માહિતી ઉપરી અધિકારીઓને અપાઇ હતી. તમામ તંત્ર સહિતનાં અધિકારીઓ દોડી આવ્યા હતા. ટ્રાફીક પોલીસે અનિશ્ચિત સમય માટે આ રૂટ પર રહેલા વાહનોને અનિશ્ચિત સમય માટે બંધ કરાવી દીધા છે. 15 મેનાં રોજ થયેલી દુર્ઘટના બાદ માત્ર બાઇક સવારોને જ આ રસ્તા પરથી પસાર થવાની પરવાનગી હતી. અન્ય તમામ મોટા વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. 

ફ્લાઇઓવર દુર્ઘટનાની અલગ અલગ ટીમ તપાસ કરી રહી છે. 
15 મેનાં રોજ થયેલી દુર્ઘટનાની તપાસ અલગ અલગ ટીમો કરી રહી છે. મુખ્યમંત્રી યોગી તરફથી તપાસ માટે અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી સીએમ અને જિલ્લાધિકારી યોગેશ્વર રામ મિશ્રની તરફથી પણ એક અલગ તપાસ સમિતીની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા રચાયેલી સમિતીએ સેતુ નિગમની બેદરકારી હોવાનો અહેવાલ આપ્યો છે. જ્યારે કલેક્ટર દ્વારા રચાયેલી સમિતીનો અહેવાલ હજી સુધી આવ્યો નથી. 

તમામ ટ્રાફીક વ્યવસ્થા અટકાવી દેવાઇ
વારાણસીનાં એસપી ટ્રાફીકે જણાવ્યું કે, જ્યા સુધી તમામ પિલ્લર અને બિમને આંતરિક જોડાણ પુર્ણ નથી થઇ જતા ત્યાં સુધી આ રસ્તા પરનો તમામ ટ્રાફીક અટકાવી દેવો જ હિતાવહ છે. હાલ વારાણસી પોલીસે લહરતારાથી કેન્ડ વચ્ચેનો રસ્તો સંપુર્ણ બંધ કરી દીધો છે.