)
17માં ઉપરાષ્ટ્રપતિને ચૂંટી કાઢવા માટે આજે સંસદ ભવનમાં મતદાન શરૂ થયું છે. આ મતદાન પ્રક્રિયા સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. પીએમ મોદીએ સૌથી પહેલા મતદાન કર્યું. આ વખતે મુકાબલો એનડીએના ઉમેદવાર સી પી રાધાકૃષ્ણનન અને ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડી વચ્ચે છે. લોકસભાના 542 અને રાજ્યસભાના 239 સભ્યો મતદાન કરશે. મતગણતરી સાંજે 6 વાગ્યાથી શરૂ થશે.
જીત માટે કેટલા મતની જરૂર
દેશના બીજા સૌથી મોટા બંધારણીય પદ માટે આજે ચૂંટણી થઈ રહી છે. મંગળવારે કુલ 782 સાંસદ (લોકસભા અને રાજ્યસભા) ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરશે. જીત સુનિશ્ચિત કરવા માટે કોઈ પણ ઉમેદવારને 391 મતનો સામાન્ય બહુમત જરૂર હોય છે. હાલના રાજનીતિક આંકડા મુજબ સત્તાધારી એનડીએને પહેલેથી જ લગભગ 427 સાંસદોનું સમર્થન મળેલું છે. જે સ્પષ્ટ રીતે બહુમતના આંકડા કરતા વધુ છે.
કેટલાક પક્ષોએ મતદાનથી અંતર જાળવ્યું
વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીએ પણ એનડીએના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. જેનાથી સત્તાધારી ગઠબંધનની સંભાવનાઓ વધુ મજબૂત બની છે. આ બધા વચ્ચે સાત સાંસદોવાળા બીજુ જનતા દળ (બીજેડી) અને ચાર સાંસદવાળી ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) તથા અકાલી દળે મતદાન પ્રક્રિયાથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોક પાસે લગભગ 324 સાંસદોનું સમર્થન છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું મતદાન; સાંજે છ વાગ્યાથી થશે મતગણતરીની શરૂઆત #VicePresidentialElection2025 #VicePresident #India #PMModi #News pic.twitter.com/FkmoUv15c7
— Zee 24 Kalak (@Zee24Kalak) September 9, 2025
આવામાં સંખ્યાબળ જોઈએ તો એનડીએના ઉમેદવાર સી પી રાધાકૃષ્ણનન આગામી ઉપરાષ્ટ્રપતિ બને તેવી સંભાવના પ્રબળ છે. તેમના વિરુદ્ધ ઉમેદવાર સુદર્શન રેડ્ડી વૈચારિક લડાઈ લડવા માટે ચૂંટણી લડી રહ્યા છે. બંને પક્ષો તરફથી કોઈ ઉમેદવારને કેટલું સમર્થન છે તે પણ આંકડામાં જોઈએ.
એનડીએના ઉમેદવારને 427 સાંસદોનું સમર્થન
જેમાં ભાજપના લોકસભાના 240 અને રાજ્યસભાના લગભગ 100 સાંસદો સામેલ છે. આ ઉપરાંત તેલુગુ દેશમ પાર્ટી ( ટીડીપી)ના કુલ 18 સાંસદ, જેડીયુના 14, , લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના 5, શિવસેના (શિંદે જૂથ)ના કુલ 10, જન સેના પાર્ટી (જેએસપી)ના 2 સાંસદ, જનતા દળ (સેક્યુલર)ના 6 સાંસદ, રાષ્ટ્રીય લોક દળ (આરએલડી)ના 2, અપના દળ, એજીપી, એજેએસયુ, એચએએમ (એસ), અજીત પવારના એનસીપી જૂથ, સિક્કિમ ક્રાંતિકારી મોરચા (એસકેએમ), યુનાઈટેડ પીપલ્સ પાર્ટી (યુપીપી) અને અન્ય કેટલાક નાના પક્ષો, અપક્ષો પણ એનડીએના પક્ષમાં મત આપશે એવું કહેવાય છે.
ઈન્ડિયા બ્લોકની સાથે 324 સાંસદ
જેમાં કોંગ્રેસના લોકસભાના 99 અને રાજ્યસભાના 27 સાંસદ, સમાજવાદી પાર્ટીના કુલ 41 સાંસદ, ટીએમસીના 42 સાંસદ, ડીએમકીના 32, શિવસેના (ઉદ્ધવ જૂથ)ના 11, એનસીપી (શરદ પવાર) 10 સાંસદો, આરજેડીના 9, સીપીએમના 8, જેકેએનસીના 2 સાંસદ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)ના 4 સાંસદ ઉપરાંત અન્ય સહયોગી પક્ષોના થઈને કુલ 324 મત તેમના પક્ષમાં પડે તેવું કહેવાય છે.
સંભવિત પરિણામ
એનડીએ પાસે પહેલેથી જ બહુમત કરતા વધુ સંખ્યાબળ છે અને વાયએસઆર કોંગ્રેસનું પણ સમર્થન મળી રહ્યું છે. આવામાં સત્તાધારી ગઠબંધન પોતાના ઉમેદવારની જીત સંપૂર્ણ રીતે સુનિશ્ચિત કરતું જણાય છે. બીજી બાજુ 300થી વધુ સાંસદોની મજબૂત સંખ્યા છતાં ઈન્ડિયા બ્લોક પડકારમાં પાછળ જોવા મળી રહ્યું છે.