)
પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં શુક્રવારે વક્ફ સંશોધન કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. મુર્શીદાબાદ, માલદા અને જંગીપુર જેવા વિસ્તારોમાં ભીડે રોડ અને રેલ ટ્રાફિક ખોરવી નાખ્યો. કેટલાક સ્થળોએ તો પ્રદર્શનકારીોએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરી નાખ્યો અને સાર્વજનિક વાહનોમાં આગચંપી કરી. હાલાતને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો.
મુર્શીદાબાદમાં હિંસા
અસલમાં સૌથી વધુ તણાવ મુર્શીદાબાદ જિલ્લાના સુતી અને શમશેરગંજમાં જોવા મળ્યો જ્યાં જુમ્માની નમાજ બાદ મોટી સંખ્યામાં લોકો વક્ફ કાયદાના વિરોધમાં ભેગા થઈ ગયા. ભીડે જૂલુસ કાઢ્યું અને એનએચ 12 પર ટ્રાફિક જામ કર્યો. કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો. ત્યારબાદ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું જેમાં 10 પોલીસકર્મીઓ ઘાયલ થયા. કેટલાક પ્રદર્શનકારીઓએ બોમ્બ જેવી ચીજો ફેંકી જેનાથી વિસ્તારમાં અફરાતફરી મચી.
પાટાઓ પર બેસી ગયા લોકો
પ્રદર્શનકારીઓએ ધુલિયાગંગા અને નિમતિતા સ્ટેશનો વચ્ચે રેલવે ટ્રેક ઉપર પણ કબજો જમાવી લીધો. એવું કહેવાય છે કે અહીં લગભગ 5000 લોકો ટ્રેક પર બેસી ગયા જેનાથી કામાખ્યા પુરી એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો પ્રભાવિત થઈ. માલદા જિલ્લામાં પણ પ્રદર્શનકારીઓએ પાટાઓ પર ધરણા આપીને રેલવે સેવાઓને ખોરવી. પૂર્વી રેલવેના ફરક્કા આઝિમગંજ ખંડ ઉપર પણ ટ્રેનોની અવરજવર અટકી ગઈ.
રાજ્યપાલ ડો. સીવી આનંદ બોસે સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે લોકતંત્રમાં વિરોધનો અધિકાર બધાને છે. પરંતુ હિંસા સહન કરવામાં નહીં આવે. તેમણે ચેતવણી આપી કે કાયદો હાથમાં લેનારા પર કડક કાર્યવાહી કરાશે. રાજ્ય સરકારને તેમણે કહ્યું કે ઉપદ્રવીઓ પર તત્કાળ અને પ્રભાવી પગલું ઉઠાવવામાં આવે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
બીએસએફએ મોરચો સંભાળ્યો
સ્થિતિ બગડતા જોઈને જિલ્લા પ્રશાસને સીમા સુરક્ષા દળ BSF ને હસ્તક્ષેપ કરવાની ભલામણ કરી. બીએસએફ દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરના પ્રવક્તા નીલોત્પલ કુમાર પાંડેએ જણાવ્યું કે પ્રશાસનના આગ્રહ પર જવાનોને ઘટનાસ્થળે મોકલાયા છે અને તેઓ સ્થાનીય પ્રશાસનની મદદથી સ્થિતિ સામાન્ય કરવામાં લાગ્યા છે.
કલમ 355 લાગૂ કરવાની માંગણી
વિધાનસભામાં નેતા વિપક્ષ શુભેન્દુ અધિકારીએ ઘટના અંગે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા કહ્યું કે આ હિંસા બંધારણ વિરોધી માનસિકતાનું પરિણામ છે અને રાજ્યમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણ રીતે કથળી ગઈ છે. તેમણે કેન્દ્ર સરકાર પાસે હસ્તક્ષેપની માંગણી કરતા કલમ 355 લાગૂ કરવાની વાત કરી. અધિકારીએ એવો પણ સવાલ ઉઠાવ્યો કે જો મુર્શીદાબાદમાં બીએસએફની તૈનાતી કરી શકાય તો અન્ય જિલ્લાઓમાં કેમ નહીં.
રાજ્ય પોલીસે એક અધિકૃત પોસ્ટમાં કહ્યું છે કે જંગીપુરના સુતી અને શમશેરગંજમાં સ્થિતિ હવે નિયંત્રણમાં છે. પોલીસે પ્રદર્શનકારીઓને વેર વિખેર કરી દીધા છે અને રાષ્ટ્રીય રાજમાર્ગ પર ટ્રાફિક સામાન્ય થઈ ગયો છે. હિંસા ફેલાવનારા વિરુદ્ધ દરોડા ચાલુ છે અને અફવાઓ ફેલાવનારાઓ ઉપર પણ કાનૂની કાર્યવાહી કરાશે.