)
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ કહ્યું કે આ વર્ષે મોનસૂનની વાપસી સમયસર થઈ શકશે નહીં કારણ કે બંગાળની ખાડી ઉપર એક નવી મૌસમી સિસ્ટમ બની રહી છે. IMD એ કહ્યું કે તેના કારણે એક નવું તોફાન આવી શકે છે અને મહારાષ્ટ્રથી લઈને મધ્ય ભારતના અનેક ભાગો અને પૂર્વ ભારતમાં વરસાદનો લાંબો દોર ફરીથી શરૂ થઈ શકે છે. આ કારણે દક્ષિણ પશ્ચિમ મોનસૂનની વાપસીમાં પણ વિલંબ થઈ શકે છે. સામાન્ય રીતે 15 સપ્ટેમ્બરથી દક્ષિણ પશ્ચિમ મોનસૂન વાપસી કરવા લાગે છે. IMD એ એમ પણ કહ્યું કે આ મૌસમી સિસ્ટમના કારણે આગામી અઠવાડિયે અનેક રાજ્યોમાં વરસાદનો દોર ફરીથી શરૂ થઈ શકે છે. જેના કારણે દશેરા અને નવરાત્રીનો ઉમંગ ફિક્કો પડી શકે છે. IMD એ પશ્ચિમ બંગાળના અનેક ભાગોમાં આગામી અઠવાડિયે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે ગુરુવારે બહાર પાડેલી નવી આગાહીમાં 25 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર વચ્ચે એકવાર ફરીથી વરસાદનો દોર ચાલુ રાખવાના સંકેત આપ્યો છે. IMDએ કહ્યું કે નવી મૌસમી સિસ્ટમના કારણે મધ્ય ભારત અને એટલે સુધી કે ઉત્તર પશ્ચિમ ભારતના મોટા હિસ્સામાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે. IMDના એક વરિષ્ઠ અધિકારીએ TOI ને જણાવ્યું કે આગામી અઠવાડિયે મધ્ય અને ઉત્તરી પ્રાયદ્વીપીય ભારત ખાસ કરીને ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, પૂર્વી રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના મોટાભાગના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
નવરાત્રીમાં વિધ્ન
તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન મધ્ય અને પ્રાયદ્વીપીય ભારતમાં સામાન્યથી વધુ અને ઉત્તર પશ્ચિમ તથા પૂર્વ ભારતના મોટાભાગના ભાગોમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. અત્રે જણાવવાનું આગામી અઠવાડિયાના પહેલા દિવસથી જ નવરાત્ર શરૂ થઈ રહ્યા છે. જે બે ઓક્ટોબરના રોજ દશેરાના તહેવારે પૂરી થશે. આ દરમિયાન દેશના અનેક ભાગોમાં ભારે વરસાદના કારણે દશેરાની ઉજવણીમાં વિધ્ન પડી શકે છે.
બંગાળની ખાડીમાં અનેક મૌસમી સિસ્ટમ
પ્રાઈવેટ કંપની સ્કાઈમેટ વેધર સર્વિસિઝના અધ્યક્ષ જે પી શર્માએ કહ્યું કે આ સિવાય પણ આ મહિનાના બાકીના દિવસોમાં પણ બંગાળની ખાડીમાં અનેક અન્ય મૌસમી સિસ્ટમ બનવાની સંભાવના છે. જેના કારણે પૂર્વી, મધ્ય અને પશ્ચિમી ભારતના કેટલાક ભાગોમાં મોનસૂન ફરીથી સક્રિય થઈ શકે છે અને તેની વાપસીની નિર્ધારિત તારીખમાં વિલંબ થઈ શકે છે. શર્માએ એમ પણ કહ્યું કે મ્યાંમારના અરાકાન તટ પર એક મોટા અને સ્પષ્ટ સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે રવિવાર સુધી ઉત્તરી બંગાળની ખાડી ઉપર એક હળવા દબાણનું ક્ષેત્ર વિક્સિત થઈ શકે છે.
આ રાજ્યોમાં ભારે વરસાદની ભીતિ
તેમણે કહ્યું કે આ નવી સિસ્ટમ બનવાથી વર્તમાન સિસ્ટમને વધુ બળ મળશે અને બંને સર્ક્યુલેશન સિસ્ટમ મળીને એક મજબૂત સિસ્ટમ બનાવી શકે છે. જેનાથી તોફાન આવી શકે છે. જો આમ થયું તો આ જોઈન્ટ સિસ્ટમ મધ્ય અને પશ્ચિમ ભારતના એ વિસ્તારોમાં પણ વરસાદનો દોર ફરી શરૂ કરી શકે છે જ્યાંથી ચોમાસુ વિદાય લઈ ચૂક્યું છે. સ્કાઈમેટ વેધર મુજબ આ જોઈન્ટ સિસ્ટમના કારણે ઓડિશા અને ઉત્તરી આંધ્ર પ્રદેશના આંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે જેના કારણે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને એટલે સુધી કે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. પૂર્વાનુમાનમાં કહેવાયું છે કે 27 અને 28 સપ્ટેમ્બરના રોજ કેટલાક સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે. તે સમયે મુંબઈ અને મધ્ય મહારાષ્ટ્ર તથા વિદર્ભના અન્ય ભાગોમાં વરસાદ પડી શકે છે.