)
જમ્મુ કાશ્મીરથી લઈને પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સુધી લોકો કુદરતનો કહેર ઝેલી રહ્યા છે. હવામાન વિભાગે દેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અંગે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. આવામાં વિભાગની ચેતવણીને જોતા રાજ્ય સરકારોએ પણ જિલ્લાના અનેક શહેરોમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવાના આદેશ બહાર પાડ્યા છે. જાણો આજે ક્યાં ક્યાં શાળાઓ બંધ છે.
જમ્મુમાં શાળાઓ બંધ
હવામાન વિભાગના એલર્ટ અને પહાડી વિસ્તારોમાં સતત વરસાદ અને ભૂસ્ખલનને જોતા જમ્મુના તમામ સરકારી અને પ્રાઈવેટ સ્કૂલોને 2 સપ્ટેમ્બરના રોજ બંધ રાખવાના આદેશ અપાયા છે. આવામાં ઓનલાઈન શાળાઓ ચાલી શકે છે.
પંજાબમાં શાળાઓ બંધ?
પંજાબમાં પણ પૂર અને ભારે વરસાદે જનજીવન ખોરવાયું છે. સ્થિતિ એવી છે કે જ્યાં જુઓ ત્યાં ઘૂંટણ સમા પાણી ભરાયલા છે. આવામાં પંજાબમાં પણ હાલની પૂરની સ્થિતિ જોતા રાજ્યની તમામ સરકારી અને પ્રાઈવેટ શાળાઓને 3 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાના આદેશ અપાયા છે. પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બૈંસે કહ્યું કે આ નિર્ણય મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના નિર્દેશો બાદ લેવાયો છે. જેમાં આ પડકારભર્યા સમયમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને કલ્યાણને પ્રાથમિકતા અપાઈ છે.
હિમાચલમાં બંધ
હિમાચલ પ્રદેશમાં પણ પૂર અને વરસાદ તથા ઠેર ઠેર થઈ રહેલા ભૂસ્ખલને તબાહી મચાવેલી છે. રાજ્યમાં અનેક લોકોના જીવ ગયા છે. હવામાન વિભાગે રાજ્યના 6 જિલ્લામાં આજે પણ વરસાદનું રેડ એલર્ટ આપેલું છે. હવામાન વિભાગ તરફથી મળી રહેલી ચેતવણીને જોતા પ્રદેશના 9 જિલ્લામાં આજે શાળાઓ બંધ રાખવાના આદેશ અપાયા છે.
ગુરુગ્રામમાં પણ એવી સ્થિતિ
ગુરુગ્રામમાં પણ સોમવારે સતત પડેલા વરસાદના કારણે શહેરમાં ચારેબાજુ પાણી ભરાયેલા છે. રસ્તાઓ પર કલાકો સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો. આવામાં હવામાનની સ્થિતિ જોતા જિલ્લા વહીવટી તંત્રએ શહેરના તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં 2 સપ્ટેમ્બરના રોજ રજા જાહેર કરી છે. શાળાઓને ઓનલાઈન ક્લાસ લેવા જણાવ્યું છે. આ સાથે કંપનીઓને પણ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા માટે અપીલ કરાઈ છે.
ગુજરાતમાં હવામાનની સ્થિતિ
ગુજરાત રાજ્ય હવામાન વિભાગે સોમવારે આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી કરી છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરી છે. આજે નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી. 3 સપ્ટેમ્બરથી ભારે વરસાદ સાથે રાજ્યમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરેલું છે. 4 થી 5 સપ્ટેમ્બરે વરસાદી જોર વધશે. અપર એર સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેસર સક્રિય થવાના કારણે આગમી 24 કલાકમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થશે. સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.