)
સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે સંઘ લોક સેવા આયોગ (UPSC)ની પરીક્ષામાં અરજીકર્તાએ જો એકવાર અનામતનો લાભ લીધો હશે તો તે સામાન્ય શ્રેણીની સીટો પર નિયુક્તિ મેળવવાનો હકદાર નહીં રહે. ભલે તેના કુલ અંક સામાન્ય શ્રેણીના ઉમેદવાર કરતા વધુ હોય. સુપ્રીમે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયની વિરુદ્ધ કેન્દ્ર સરકારની અપીલ સ્વીકારતા આ નિર્ણય આપ્યો.
જસ્ટિસ જે કે મહેશ્વરી અને વિજય બિશ્નોઈની પેનલે ભારતીય વન સેવા(IFS)ના અનામત કેડેરમાં અનુસૂચિત જાતિના ઉમેદવારની નિમણૂંકની માંગણી કરતી અરજી પર વિચાર કરવાનો ઈન્કાર કર્યો. કારણ કે તે અરજીકર્તાએ શરૂઆતની પરીક્ષામાં અનામતનો લાભ ઉઠાવ્યો હતો. બેન્ચે નિર્ણયમાં કહ્યું કે એકવાર જ્યારે કોઈ અનામતની શ્રેણીના ઉમેદવારે અનામતનો લાભ લીધો હોય તો તેને સામાન્ય શ્રેણીની ભરતી/સીટો પર નિયુક્તિ થઈ શકે નહીં. આ સાથે સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો રદ કર્યો.
હાઈકોર્ટે અનામત શ્રેણીના ઉમેદવારને ફક્ત એટલા માટે સામાન્ય શ્રેણીમાં નિયુક્તિનો આદેશ આપ્યો હતો કારણ કે તેણે સામાન્ય શ્રેણીના ઉમેદવારથી ઊંચો ફાઈનલ રેંક મેળવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અનામત શ્રેણીના ઉમેદવારે આરંભિક પરીક્ષામાં અનામતનો લાભ ઉઠાવેલો છે આથી તેને સામાન્ય શ્રેણીની સીટો પર નિયક્તિ આપી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે મુખ્ય પરીક્ષામાં સામેલ થવા અનામત શ્રેણીનો લાભ ઉઠાવ્યા બાદ ઉમેદવાર પ્રતિવાદી નંબર 1 (જી કિરણ પાછળથી ફક્ત એટલા માટે સામાન્ય બેઠકમાં પસંદગી પામવાનો દાવો કરી શકે નહીં કારણ કે તેણે પછીના તબક્કામાં 34 સામાન્ય શ્રેણીના અરજીકર્તાઓ કરતા સારું પ્રદર્શન કર્યું હતું.
બેન્ચે કહ્યું કે જો કોઈ ઉમેદવાર પરીક્ષાના કોઈ પણ સ્ટેજ પર છૂટનો સહારો લે તો તે પરીક્ષા નિયમ 2013ના નિયમ 14(ii) ના પ્રોવિઝોના દાયરામાં નહીં આવે અને તે સ્થિતિમાં કેડર ફાળવણી માટે લાગૂ પોલીસીના હેતુસર તે જનરલ સ્ટાન્ડર્ડ પર પસંદ થયેલા ઉમેદવારોની યાદીમાં નહીં આવે, જે પોતાના હોમ સ્ટેટ કેડરની જનરલ ઈનસાઈડર વેકેન્સી પર ઈનસાઈડર ઉમેદવાર તરીકે દાવો કરતા હોય.
આ મામલો અસલમાં યુપીએસસી દ્વારા 2013માં ભારતીય વન સેવા પરીક્ષા સંબંધિત મામલામાં વિવાદ શરૂ થયો. આ પરીક્ષા બે તબક્કામાં થઈ હતી. પ્રારંભિક પરીક્ષા, મુખ્ય અને સાક્ષાત્કાર. પ્રારંભિક પરીક્ષામાં સામાન્ય શ્રેણીના કટ ઓફ 267 અંક હતો જ્યારે અનુસૂચિત જાતિ (એસસી) ઉમેદવારો માટે કટ ઓફ 233 હતો. આ પરીક્ષામાં અનામત શ્રેણીના અરજીકર્તા જી કિરણે કન્સેશનલ કટ-ઓફનો ફાયદો ઉઠાવીને 247.18 અંક સાથે ક્વોલિફાય કર્યું. જ્યારે સામાન્ય શ્રેણીના અરજીકર્તા એન્ટની એસ મારિયપ્પાએ જનરલ કટ ઓફ પર 270.68 અંક સાથે ક્વોલિફાય કર્યું.
જો કે અંતિમ મેરિટ યાદીમાં અનામત શ્રેણીના જી કિરણનો રેંક 19 હતો અને એન્ટનીનો રેંક 37 હતો. પરંતુ કેડર ફાળવણી દરમિયાન કર્ણાટકમાં ફક્ત એક જનરલ ઈનસાઈડર વેકેન્સી હતી અને કોઈ એસસી ઈનસાઈડર વેકેન્સી નહતી. કેન્દ્ર સરકારે જનરલ ઈનસાઈડર પોસ્ટ એન્ટનીને આપી અને કિરણને તમિલનાડુ કેડરમાં મોકલ્યા.