)
BJP Next President: ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે, તેના અંગે ઘણી અટકળો ચાલી રહી છે. ટૂંક સમયમાં પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી થઈ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અંગે સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે, બિહાર વિધાનસભા ચૂંટણી પછી નવા રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર થઈ શકે છે.
બિહાર ચૂંટણી દરમિયાન 'આજ તક'ને આપેલા એક ઇન્ટરવ્યુમાં જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે, ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યારે ચૂંટાશે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે, 'ચૂંટણી (બિહાર ચૂંટણી) સુધી ચૂંટણી કરવામાં આવશે નહીં, અમે ચૂંટણી પછી રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરવાનો પ્રયાસ કરીશું.'
જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે, શું કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે તેમણે કહ્યું કે, હું એકલો નિર્ણય લઈ શકતો નથી, પાર્ટી નિર્ણય કરે છે. પરંતુ મને લાગે છે કે, ચૂંટણી પછી થશે. નોંધનીય છે કે, જેપી નડ્ડા હાલમાં ભાજપનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેમને અગાઉ એક એક્સટેન્શન મળી ચૂક્યું છે.
કોણ-કોણ છે રેસમાં?
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે ઘણા નામો રેસમાં છે. તેમાં કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર, ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર પ્રધાનનો સમાવેશ થાય છે. જો કે, પાર્ટી હંમેશા ચોંકાવનારો નિર્ણયો લેવા માટે જાણીતી છે, તેથી આ યાદીમાં એક નવું નામ ઉમેરી શકાય છે. હાલમાં ભાજપે કોઈ નામની પુષ્ટિ કરી નથી, અને અટકળો ચાલુ છે.