)
Malegaon Bomb Blast Case: માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુરુવારે મુંબઈની વિશેષ NIA કોર્ટે પોતાનો ચુકાદો આપતાં તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આમાં ભાજપના પૂર્વ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતનો સમાવેશ થાય છે. પરંતુ કોર્ટે NIAને નિર્દેશ આપ્યો છે કે, આ કેસમાં બે આરોપીઓને ફરાર બતાવવામાં આવી રહ્યા છે, તેના પર ફરીથી તપાસ કરી ચાર્જશીટ દાખલ કરવાની રહેશે.
બે મુખ્ય આરોપીઓ હજુ પણ 'ફરાર'
વર્ષ 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસ સાથે જોડાયેલા બે લોકોને હજુ પણ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા વોન્ટેડ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા ટ્રાયલનો સામનો કરી રહેલા સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા પછી પણ જો આ બે આરોપીઓની ક્યારેય ધરપકડ કરવામાં આવશે, તો તેમને ટ્રાયલનો સામનો કરવો પડશે.
બે મુખ્ય આરોપીઓ સંદીપ ડાંગે અને રામ કલસાંગરા હજુ પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે અને તપાસકર્તાઓના મતે, તેમણે જ નાસિક જિલ્લાના માલેગાંવ શહેરના મધ્યમાં ભીખુ ચોક ખાતે શકીલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ નામની દુકાનની બહાર બોમ્બ સાથે બાઇક મૂકી હતી.
પ્રજ્ઞા ઠાકુરે આપી હતી પોતાની બાઇક?
ભાજપના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના જણાવ્યા મુજબ, સાધ્વી બન્યા પછી સાંસારિક જીવનનો ત્યાગ કર્યા પછી તેમણે પોતાની બાઇક કલસાંગરાને આપી દીધી હતી. જો કે, આટલા વર્ષો પછી પણ, કલસાંગરા અને ડાંગેનો ક્યારેય પત્તો લાગ્યો નથી.
આ કેસમાં એક નવો વળાંક ડિસેમ્બર 2016માં આવ્યો, જ્યારે એક સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મચારી મહેબૂબ મુજાવરે દાવો કર્યો કે, બે મુખ્ય આરોપીઓ સંદીપ ડાંગે અને રામ કલસાંગરા હવે જીવિત નથી, પરંતુ પોલીસ અધિકારીઓ દ્વારા હજુ પણ તેમને જીવિત જાહેર કરવામાં આવી રહ્યા છે.
બન્ને આરોપીઓની હત્યાનો દાવો
પોલીસકર્મીએ દાવો કર્યો હતો કે, માલેગાંવ વિસ્ફોટના બે મુખ્ય આરોપીઓને પોલીસે મારી નાખ્યા છે, પરંતુ સત્તાવાર રેકોર્ડમાં તેમને હજુ પણ 'ગુમ' તરીકે દર્શાવવામાં આવ્યા છે. પોલીસકર્મીએ દાવો કર્યો હતો કે, બન્ને આરોપીઓ ગુમ નહોતા, પરંતુ ડિસેમ્બર 2008માં જ ATS દ્વારા તેમને મારી નાખ્યા હતા.
મુજાવરે એવો પણ દાવો કર્યો હતો કે, જ્યારે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની ધરપકડ કરવામાં આવી હતી, તે સમયે કલસાંગરા અને ડાંગેની પણ એટીએસ દ્વારા ભોપાલથી ઝડપી લેવામાં આવ્યા હતા. પરંતુ 26 નવેમ્બર 2008 ના રોજ (જે દિવસે મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો) બન્નેની મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, હત્યા કરતા પહેલા બન્નેને કાલાચોકી સ્થિત એટીએસ ઓફિસમાં ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવ્યા હતા.