)
Who is Anurag Dwivedi: ક્યારેક ગામના કાચા રસ્તાઓ પર સાયકલ લઈને ફરતો છોકરો આજે મર્સિડીઝ, BMW, ફેરારી, લેમ્બોર્ગિની અને ડિફેન્ડર જેવી મોંઘી લક્ઝરી ગાડીઓના કાફલામાં ફરે છે. તેણે લગ્ન પણ ભારતમાં નહીં, પરંતુ દુબઈમાં એક લક્ઝરી ક્રૂઝ પર કર્યા. લગ્નની ભવ્યતા જોઈને ઉન્નાવના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લગ્નમાં ગયેલા તેના સંબંધીઓ પણ વિચારવા મજબૂર થઈ ગયા કે ગઈકાલ સુધી ગામમાં રખડતો છોકરો અચાનક કરોડપતિ કેવી રીતે બની ગયો? તો તમને જણાવી દેઈએ કે, આ યુવકનું નામ અનુરાગ દ્વિવેદી છે, જે 26 વર્ષનો ફેમસ યુટ્યુબર છે. ચાલો જાણીએ અનુરાગ દ્વિવેદીની સાયકલથી ફેરારી સુધીની કહાની.
9 વર્ષ પહેલાં શરૂ કરી હતી યુટ્યુબ ચેનલ
અનુરાગ દ્વિવેદી નવાબગંજના ખજૂર ગામ ભિતરેપારના રહેવાસી લક્ષ્મીનાથ દ્વિવેદીનો પુત્ર છે. અનુરાગની એક બહેન પણ છે, જેના લગ્ન થઈ ચૂક્યા છે. અનુરાગના પિતા ગામના સરપંચ રહી ચૂક્યા છે અને નવાબગંજમાં તેમની એક દુકાન પણ છે. અનુરાગ ગામમાં જ રહેતો હતો. અનુરાગને ક્રિકેટનો શોખ હતો. તેણે 2017માં યુટ્યુબ પર વીડિયો બનાવવાનું શરૂ કર્યું અને 2019માં ફેન્ટસી લીગ પ્લેટફોર્મ સાથે જોડાયો. અનુરાગે પછી યુટ્યુબ ચેનલ પર ક્રિકેટ એનાલિસિસના વીડિયો મૂકવા લાગ્યો. યુટ્યુબ પર અનુરાગના 7 મિલિયન (70 લાખ) સબ્સ્ક્રાઇબર્સ છે અને ઇન્સ્ટાગ્રામ પર 2.4 મિલિયન ફોલોઅર્સ છે.
ફેન્ટસી ક્રિકેટ એક્સપર્ટ તરીકેની ઓળખ
1999માં જન્મેલો અનુરાગ આજે ફેન્ટસી ક્રિકેટ એક્સપર્ટ અને એનાલિસ્ટ છે. 26 વર્ષીય અનુરાગે દ્વિવેદી ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ બનાવ્યું અને સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને ફેન્ટસી ક્રિકેટ રમવા માટે પ્રેરિત કરતો હતો. તે પોતે ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મનો પ્રમોટર અને કન્ટેન્ટ ક્રિએટર છે. તે કોઈપણ ક્રિકેટ લીગમાં સીધા રૂપિયા લગાવીને નહીં, પરંતુ પોતાની લોકપ્રિયતા અને બ્રાન્ડ કોલાબોરેશન દ્વારા કરોડો રૂપિયા કમાય છે.
દુબઈમાં ભવ્ય લગ્ન અને લક્ઝરી લાઈફસ્ટાઈલ
અનુરાગે પોતાના ગામમાં એક લક્ઝરી ઘર બનાવ્યું છે અને તેનું એક ઘર લખનઉમાં પણ છે. આ સિવાય તેણે કરોડોની સંપત્તિ વસાવી છે. ચાલુ વર્ષે 22 નવેમ્બરે અનુરાગે લખનઉની એક યુવતી સાથે દુબઈમાં લગ્ન કર્યા હતા. અનુરાગ પોતાના લગ્નને લઈ ચર્ચામાં આવ્યો હતો, જેમાં તેણે ગામના નજીકના લોકો અને સંબંધીઓ સહિત 100 લોકોને દુબઈ બોલાવ્યા હતા. આ તમામ માટે પ્લેનની ટિકિટ અને લક્ઝરી હોટલમાં રહેવાની વ્યવસ્થા પણ અનુરાગે જ કરી હતી.
અનુરાગના કાફલામાં આ ગાડીઓ
ગામના લોકો અનુરાગના લગ્નની ભવ્યતા જોઈને દંગ રહી ગયા. સૂત્રોના જણાવ્યા અનુસાર, લગ્નમાં હાજર રહેલા એક નજીકના મિત્રએ અનુરાગ વિશે EDને ફરિયાદ કરી હતી, ત્યારબાદ તે તેમના રડારમાં આવી ગયો હતો. દરોડા હાલમાં પૂર્ણ થયા છે. EDએ ઘરમાંથી શું-શું લીધું તેની વિગતો હજુ સુધી જાણી શકાઈ નથી. ગ્રામજનોનું કહેવું છે કે, અનુરાગના કાફલામાં મોંઘી અને લક્ઝરી મર્સિડીઝ, BMW, ફેરારી, લેમ્બોર્ગિની અને ડિફેન્ડર જેવી ગાડીઓ સામેલ છે.
અનુરાગ દ્વિવેદી પર શું છે આરોપ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, અનુરાગ દ્વિવેદી પર ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ દ્વારા કરોડો રૂપિયાની સટ્ટાબાજીમાં સામેલ થવાનો અને વિવિધ માધ્યમો દ્વારા મળેલી રકમનું રોકાણ કરવાનો આરોપ છે. EDને શંકા છે કે તેમની સંપત્તિ તેમની જાહેર કરેલી આવક કરતાં ઘણી વધારે છે. આ બાબતે ED દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી અને કાર્યવાહી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવી છે.
હાલમાં EDની તપાસ ચાલુ છે. એજન્સી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે અને ગેરકાયદેસર રીતે કમાયેલા નાણાં ક્યાં રોકવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ મામલે વધુ મિલકતો જપ્ત થઈ શકે છે.