)
Karur stampede: તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને શનિવારે કરુરમાં અભિનેતા વિજયની રેલીમાં થયેલી ભાગદોડની તપાસ માટે ન્યાયાધીશ અરુણા જગદીશન (નિવૃત્ત)ની અધ્યક્ષતામાં એક કમિશનની નિમણૂક કરી છે. ચાલો જાણીએ કે, જસ્ટિસ અરુણા જગદીશન કોણ છે. મદ્રાસ હાઈકોર્ટમાંથી નિવૃત્ત ન્યાયાધીશ અરુણા જગદીશન તમિલનાડુમાં અનેક ઉચ્ચ-સ્તરીય તપાસ કમિશનનું નેતૃત્વ કરી ચૂક્યા છે. તેમણે 2009થી 2015માં નિવૃત્તિ સુધી મદ્રાસ હાઈકોર્ટમાં જુનિયર જજ તરીકે સેવા આપી હતી.
અનેક તપાસનો ભાગ રહી ચૂક્યા છે ન્યાયાધીશ અરુણા જગદીશન
ન્યાયાધીશ અરુણા જગદીશને 2018માં તમિલનાડુના તુતીકોરિનમાં સ્ટરલાઇટ વિરોધી વિરોધ પ્રદર્શનો બાદ ફાટી નીકળેલી હિંસાની તપાસ કરી હતી. સ્ટરલાઇટ કોપર સ્મેલ્ટિંગ પ્લાન્ટનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓના મોટા ટોળા પર પોલીસે ગોળીબાર કર્યો હતો, જેમાં 13 લોકો માર્યા ગયા હતા. તેમના કમિશને IPS અધિકારીઓ સહિત 17 પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. ફેબ્રુઆરી 2015માં વેલાચેરીમાં થયેલા કથિત નકલી એન્કાઉન્ટરમાંથી ચેન્નાઈ પોલીસને મુક્ત કરનારી બેન્ચનો પણ તેઓ ભાગ હતા, જેમાં પાંચ બેન્ક લૂંટના શંકાસ્પદો માર્યા ગયા હતા.
કરુર ભાગદોડમાં 39 લોકોના મોત
ન્યાયાધીશ જગદીશને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ જે. જયલલિતા અને તેમના સહયોગીઓની સંપત્તિ સંબંધિત કેસોની પણ તપાસ કરી હતી. નોંધનીય છે કે, કરુરમાં વિજયના તમિલગા વેટ્ટી કઝગમ (TVK) દ્વારા આયોજિત એક રેલીમાં થયેલી ભાગદોડમાં 39 લોકો માર્યા ગયા હતા અને લગભગ 95 લોકો ઘાયલ થયા હતા. તમિલનાડુના પોલીસ મહાનિર્દેશક જી. વેંકટરમને જણાવ્યું કે, આયોજકોએ 10,000 લોકોના આવવાની અપેક્ષા રાખી હતી, પરંતુ ખરેખર 27,000 લોકો હાજર રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્ટાલિન સરકાર પાસેથી માંગ્યો રિપોર્ટ
મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ મહાનિર્દેશક જી. વેંકટરમને જણાવ્યું કે, રેલી માટે 500 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. વેંકટરમને ઉમેર્યું હતું કે, અગાઉની TVK રેલીઓમાં સામાન્ય રીતે ઓછી ભીડ આવતી હતી, પરંતુ આ વખતે અપેક્ષા કરતા ઘણી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ કરુર ભાગદોડ અંગે સ્ટાલિન સરકાર પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. અહેવાલો અનુસાર, ગૃહમંત્રી અમિત શાહે રાજ્યપાલ આર.એન. રવિ અને મુખ્યમંત્રી સ્ટાલિન સાથે પણ વાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી અને શક્ય તમામ સહાયની ખાતરી આપી.