)
BJP President: ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત જલ્દી થઈ શકે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે 15 ઓગસ્ટ બાદ સ્વતંત્રતા દિવસ આસપાસ તેની જાહેરાત થઈ શકે છે. પાર્ટી કેટલાક રાજ્યોમાં સંગઠનની ચૂંટણી પૂર્ણ થયા બાદ આ મોટો નિર્ણય લેશે. બીજીતરફ મીડિયામાં તેવા પણ સમાચાર છે કે હજુ ભાજપ અને આરએસએસ વચ્ચે કોઈ નામ પર સહમતિ બની શકી નથી.
15 ઓગસ્ટ બાદ થઈ શકે છે જાહેરાત
ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના એક પિરોટ્માં ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે નવા અધ્યક્ષનું નામ 15 ઓગસ્ટ બાદ લગભગ નક્કી છે. પાર્ટીની યોજના છે કે પહેલા કેન્દ્રીય પરિષદની બેઠક થશે. જેમાં ચાર નામોમાંથી એક પર સહમતિ બનાવવામાં આવશે. BJP ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણીના પ્રભારી ડો. કે. લક્ષ્મણે જણાવ્યુ કે 10 રાજ્યોમાં સંગઠનની ચૂંટણી પૂરી થઈ રહી છે. ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષની જાહેરાત બાકી છે. દેશભરમાં 10 લાખથી વધુ બૂથો પર મતદાન થશે અને અત્યાર સુધી 7.5 લાખ બૂથો પર પ્રભારીની નિમણૂંક થઈ ગઈ છે.
RSS ની પસંદ શું છે?
બીજી તરફ, પાર્ટીના વૈચારિક માર્ગદર્શક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ ભાજપ નેતૃત્વને સૂચન કર્યું છે કે એવા ઉમેદવારની પસંદગી કરવી જોઈએ જેની પાસે સંગઠનાત્મક અનુભવ હોય અને જેની પાર્ટીમાં નિષ્પક્ષ છબી હોય. નવા પ્રમુખના નામ પર સર્વસંમતિ સાધવા માટે ભાજપ અને તેના વૈચારિક માર્ગદર્શક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વચ્ચે પ્રયાસો ચાલી રહ્યા છે. RSS ઇચ્છે છે કે નવા પ્રમુખ એવા વ્યક્તિ હોય જેમને સંગઠન ચલાવવાનો સારો અનુભવ હોય અને જેની પાર્ટીમાં નિષ્પક્ષ છબી હોય.
આ નામોની ખૂબ ચર્ચા?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભાજપે આ રેસમાં ચાર મોટા નેતાઓને સૌથી આગળ રાખ્યા છે. તેમાં પહેલું નામ ધર્મેન્દ્ર પ્રધાનનું છે, જે ઓડિશાના છે અને કેન્દ્રમાં શિક્ષણ મંત્રી છે. પ્રધાનને સંગઠનમાં લાંબો અનુભવ છે અને રણનીતિ બનાવવાની તેમની ક્ષમતા તેમને આ રેસમાં સૌથી આગળ રાખે છે. બીજું નામ ભૂપેન્દ્ર યાદવનું છે, જે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી છે અને ગૃહમંત્રી અમિત શાહના નજીકના માનવામાં આવે છે. ત્રીજું નામ શિવરાજ સિંહ ચૌહાણનું છે, જે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હવે કેન્દ્રીય કૃષિ મંત્રી છે. લોકો અને સંગઠન પર તેમની મજબૂત પકડ છે. ચોથું નામ બીડી શર્માનું છે, જે ભાજપના વરિષ્ઠ નેતા છે અને સંગઠનમાં મજબૂત પકડ ધરાવે છે.
રેસમાં કોણ છે આગળ
સૂત્રો પ્રમાણે ધર્મેન્દ્ર પ્રધાન આ રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યાં છે. તેમની સંગઠનાત્મક ક્ષમતા, આરએસએસ સાથે સારો સંબંધ અને ઓડિશામાં ભાજપની તાજેતરની સફળતાએ તેમને નંબર-1 પર લાવી દીધા છે.
નવા અધ્યક્ષ સામે શું હશે પડકાર?
નવા અધ્યક્ષની સામે 2029ની લોકસભા ચૂંટણીમાં ફરી ભાજપને બહુમત અપાવવાનો પડકાર હશે, કારણ કે 2024મા પાર્ટી પૂર્ણ બહુમત ચૂકી ગઈ હતી. સાથે ઉત્તર પ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાં સંગઠન મજબૂત કરવું પડશે. આરએસએસ અને ભાજપની સંયુક્ત મંજૂરીથી પસંદ થનાર આ નવા અધ્યક્ષ પાર્ટીને નવી ઊર્જા આપી શકે છે. હવે તે જોવાનું રહેશે કે પાર્ટી સત્તાવાર રીતે નવા અધ્યક્ષની જાહેરાત ક્યારે કરે છે.