)
CBSE Letter Writing Competition: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલોને કહેવામાં આવ્યું છે કે, તેઓ યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (UPU) 2026 આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરે. આ માધ્યમથી એવા વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવશે જે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય સ્તરે પત્ર લેખન સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે. રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે પત્ર લેખન સ્પર્ધામાં અલગ-અલગ ઇનામો આપવામાં આવશે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે જીતનાર વિદ્યાર્થીને મેડલની સાથે સાથે અન્ય લાભો મળશે. CBSE દ્વારા આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા 2026ની જાણકારી એક સત્તાવાર પરિપત્ર દ્વારા આપવામાં આવી છે. ચાલો જાણીએ આ આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા શું છે? કેવી રીતે અને કેટલું ઈનામ મળી શકે છે? આ સ્પર્ધા વિશે વિગતવાર જાણો.
આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા કોણે અને ક્યારે જાહેર કરી?
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 13 જાન્યુઆરી 2026ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેના દ્વારા આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી હતી. આ સ્પર્ધા ટપાલ વિભાગ અને યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (UPU) સાથે મળીને યોજવામાં આવશે.
શું છે આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધાની થીમ?
આ વર્ષે આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા 2026ની થીમ છે, ‘ડિજિટલ દુનિયામાં માનવીય સંબંધો કેમ જરૂરી છે - આ વિશે તમારા મિત્રને એક પત્ર લખો.’ સરળ ભાષામાં કહીએ તો, આ વખતની થીમ અનુસાર, વિદ્યાર્થીઓએ મોબાઈલ અને ઈન્ટરનેટના જમાનામાં દોસ્તી, પ્રેમ અને ભાવનાઓનું શું મહત્વ છે? તેના સંબંધિત પત્ર લખવાનો રહેશે.
આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધામાં કોણ ભાગ લઈ શકે છે?
આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધામાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. શાળાઓ દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને આ અંગેની જાણકારી આપવામાં આવશે અને શાળામાં વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધામાં શું- શું ઇનામ મળશે?
ભારતમાં રાષ્ટ્રીય અને રાજ્ય/પ્રાદેશિક સ્તરે નીચે મુજબના ઇનામો આપવામાં આવશે. રાષ્ટ્રીય સ્તર પર પ્રથમ ઇનામ 50,000 રૂપિયા, બીજું ઇનામ 25,000 રૂપિયા અને ત્રીજું ઇનામ 10,000 રૂપિયા છે. જયારે રાજ્ય/પ્રાદેશિક સ્તર પર પ્રથમ ઇનામ 25,000 રૂપિયા, બીજું ઇનામ 10,000 રૂપિયા અને ત્રીજું ઇનામ 5,000 રૂપિયા છે.
આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારત તરફથી કોણ લઈ શકે છે?
રાષ્ટ્રીય અને રાજ્ય/પ્રાદેશિક સ્તરે યોજાયેલ પત્ર લેખન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થી ભારત તરફથી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પાત્ર ગણાશે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિજેતાઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવશે. ગોલ્ડ મેડલ જીતનાર વિદ્યાર્થીને સ્વિત્ઝરલેન્ડની ટ્રિપ પણ મળી શકે છે.
કઈ ભાષામાં યોજાશે આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા?
CBSE અનુસાર, શાળાના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. આ પત્ર લેખન સ્પર્ધા હિન્દી, અંગ્રેજી અથવા બંધારણમાં માન્યતા પ્રાપ્ત કોઈપણ ભાષામાં યોજી શકાય છે. વિદ્યાર્થી પોતાની સુવિધા અનુસાર માન્યતા પ્રાપ્ત ભાષામાં પત્ર લખી શકે છે.