ન્યૂઝીલેન્ડમાં ભારતીયોને ઈન્ટર્નશીપ, અભ્યાસ માટે મળશે 1.30 કરોડની સ્કોલરશીપ, અહીં કરો અરજી

NZEA Scholarship For Indians: ન્યૂઝીલેન્ડ વિશ્વનો સુંદર અને શાંતિપ્રિય દેશ છે. હવે તમે ત્યાં જઈ અભ્યાસ કરી શકો છો. ભારતના પ્રવાસે આવેલા ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીએ સ્કોલરશિપની જાહેરાત કરી છે. સાથે ભારતીય વિદ્યાર્થીઓને ન્યૂઝીલેન્ડની કંપનીઓમાં ઈન્ટર્નશીપ કરવાનો વિકલ્પ પણ મળશે.

ન્યૂઝીલેન્ડમાં ભારતીયોને ઈન્ટર્નશીપ, અભ્યાસ માટે મળશે 1.30 કરોડની સ્કોલરશીપ, અહીં કરો અરજી

Study Abroad Scholarship: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શૈક્ષણિક ભાગીદારીને પ્રોત્સાહન આપતા, ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) દિલ્હીએ 'ન્યૂઝીલેન્ડ સેન્ટર' પહેલ સાથે અનેક યોજનાઓ શરૂ કરી. IIT દિલ્હી ન્યુઝીલેન્ડની તમામ આઠ યુનિવર્સિટીઓ સાથે ભાગીદારી કરવા તૈયાર છે. ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને મંગળવારે IIT દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને કહ્યું હતું કે ન્યુઝીલેન્ડ ભારતના વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય શિક્ષણ આપવા માટે તૈયાર છે.

બંને દેશોની સંસ્થાઓના હાથ મિલાવીને, ન્યુઝીલેન્ડ એક્સેલન્સ એવોર્ડ 2025 હેઠળ ભારતીય વિદ્યાર્થીઓ માટે 2.60 લાખ ન્યુઝીલેન્ડ ડોલર (રૂ. 1.30 કરોડ)ના શિષ્યવૃત્તિ પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે. શિષ્યવૃત્તિ માટે નોંધણી શરૂ થઈ ગઈ છે, જે 30 એપ્રિલ, 2025 ના રોજ સમાપ્ત થવાની છે. આ ઉપરાંત, એક વર્ચ્યુઅલ ઇન્ટર્નશિપ પ્રોગ્રામની પણ જાહેરાત કરવામાં આવી છે, જે હેઠળ 30 IIT દિલ્હીના વિદ્યાર્થીઓને ન્યુઝીલેન્ડની કંપનીઓમાં ઇન્ટર્ન તરીકે કામ કરવાની તક મળશે.

કઈ શરતો પર મળશે સ્કોલરશિપ?
અરજી કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ.
અરજી કરનાર ભારતીય નાગરિક હોવો જોઈએ.
અરજીકર્તાએ ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડના વિદ્યાર્થી વીઝાની જરૂરીયાત પૂરી કરવી પડશે.
અરજી કરવા સમયે અરજીકર્તા ભારતમાં રહેવો જોઈએ.
અરજીકર્તા પાસે કોઈ કોર્સમાં એડમિશન માટે અનકંડીશનલ ઓફર હોવી જોઈએ.

કઈ રીતે કરશો અરજી
સૌથી પહેલા studywithnewzealand.govt.nz પર કોર્સ અને યુનિવર્સિટી વિશે જાણો
સીધી યુનિવર્સિટીમાં કે ઓથોરાઇડ એજન્ટોના માધ્યમથી પોતાની અરજી જમા કરો.
immigration.govt.nz પર સ્ટૂડન્ટ વીઝા માટે અરજી કરો.
30 એપ્રિલ 2025 પહેલા NZEA 2025 માટે અરજી કરો.
તમારી પસંદગીની રહેવાની વ્યવસ્થા પસંદ કરો.
ન્યૂઝીલેન્ડમાં જીવન વિશે જાણો અને પોતાની યાત્રાની યોજના બનાવો.

ક્લાઇમેટ ચેન્જને લઈને ચાલી રહ્યો છે પ્રોજેક્ટ
આ કાર્યક્રમમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, એન્જિનિયરિંગ જેવા ઘણા ક્ષેત્રોમાં બંને દેશોની સંયુક્ત સંશોધન પહેલની પણ ચર્ચા કરવામાં આવી હતી. યુનિવર્સિટી ઓફ કેન્ટરબરી અને આઈઆઈટી દિલ્હી પણ ક્લાઈમેટ ચેન્જ સંબંધિત જિયોસ્પેશિયલ ડેટા પર એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ન્યૂઝીલેન્ડ અને ભારતની સંસ્થાઓ હવે ઘણા એમઓયુ પર હસ્તાક્ષર કરવા તૈયાર છે, જેનાથી વિદ્યાર્થીઓ એકબીજાના દેશની મુલાકાત લઈ શકશે, સંયુક્ત સંશોધન અને શૈક્ષણિક વિનિમય શક્ય બનશે.

પીએમ ક્રિસ્ટોફરે શુ કહ્યુ?
ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને કહ્યુ- જેમ-જેમ આપણે એકબીજાથી જોડાયેલી દુનિયામાં આગળ વધી રહ્યાં છીએ, અમે વિદ્યાર્થીઓને વૈશ્વિક મંચ આપવા માટે જરૂરી સ્કિલ્સથી લેસ કરવા માટે તૈયાર છીએ. જે પહેલની અમે જાહેરાત કરી છે, તેના દ્વારા અમે સંબંધોને આગળ વધારીશું અને ભવિષ્યના લીડર્સ અને ઇનોવેટરને સશક્સ બનાવી રહ્યાં છે.

આઈઆઈટી દિલ્હીના ડાયરેક્ટર પ્રો. રંગન બેનર્જીએ જણાવ્યું હતું કે, ન્યૂઝીલેન્ડ સેન્ટર દ્વારા ન્યૂઝીલેન્ડ સાથેની અમારી ભાગીદારીએ જ્ઞાનની આપ-લે, સંયુક્ત સંશોધન અને વિદ્યાર્થીઓના આદાન-પ્રદાનની સુવિધા આપી છે. વર્ચ્યુઅલ ઇન્ટર્નશિપ પ્રોગ્રામની શરૂઆત અમારા વિદ્યાર્થીઓને વૈશ્વિક સંપર્ક પ્રદાન કરશે અને તેમને ઉદ્યોગનો અનુભવ આપશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news