)
જરા વિચારો, સવારે એલાર્મ વાગે અને ઓફિસ જવાની જગ્યાએ તમે બેડ પર જ પડ્યા રહો. લેપટોપ ખોલવાની જરૂર નહીં, મીટિંગની ચિંતા નહીં અને બોસનો ડર પણ નહીં. બસ બેડ પર પડ્યા પડ્યા સૂતા રહો.... અને મહિનાના અંતમાં બેંક એકાઉન્ટમાં મોટો પગાર. સાંભળવામાં સપનું લાગી રહ્યું છેને? પરંતુ આ સપનું હવે હકીકત છે. જી હાં દેશની જાણીતી ફર્નીચર અને ગાદલા બનાવનારી કંપની Wakefit એક અનોખી ઈન્ટર્નશિપ લઈને આવી છે, જેમાં તમારૂ કામ માત્ર સૂવાનું હશે.
આપણે બધા જાણીએ છીએ કે દરરોજ 8-9 કલાક ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા ઊંઘ આવવા લાગે છે. આંખ બંધ કરવાનું મન કરે છે, પરંતુ મજબૂરી છે કામ કરવાની. પરંતુ જો આ ઊંઘ તમારી નોકરી બની જાય તો? આ તક આપી રહી છે વેકફિટ. કંપનીએ પોતાની સ્લીપ ઈન્ટર્નશિપની પાંચમી સીઝન લોન્ચ કરી છે. તેમાં પસંદ કરવામાં આવેલા લોકોએ કંપનીના નવા ગાદલા પર દરરોજ નવ કલાક સૂવું પડશે. એટલું જ નહીં ઊંઘ બાદ આ ગાદલાનો અનુભવ તમારે કંપનીને જણાવવો પડશે. એટલે કે તમારી ૂંઘથી કંપનીને ફાયદો અને તમને પૈસા મળશે.
કેટલા મળશે પૈસા?
હવે સવાલ છે કે આ ઊંઘવાની નોકરીમાં કેટલી કમાણી થશે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે પસંદ કરાયેલા ઈન્ટર્નને 10 લાખ રૂપિયા સુધીની ચુકવણી કરવામાં આવશે. એટલે કે તમે જેટલું સારી રીતે ઊંઘી શકશો તમને વધારે પૈસા મળશે. આ પ્રથમવાર નથી જ્યારે વેકફિટ આવી ઓફર લાવી છે. છેલ્લી ચાર સીઝનમાં ઘણા લોકોએ આ અનોખા કામથી મોટી કમાણી કરી છે. ઉદાહરણ તરીકે પુણેની પૂજા માધવ વાવ્હલે પાછલી સીઝનમાં 9.1 લાખની કમાણી કરી હતી.
કોણ કરી શકે છે અરજી?
જો તમને લાગે છે કે તમે સૂવામાં ચેમ્પિયન છો, તો તમારા માટે આ સારી તક છે. કંપનીએ ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી છે. અરજી કરવા માટે તમારે બસ ઈન્ટરનેટ પર Wakefit Sleep Internship સર્ચ કરવાનું છે. સૌથી ઉપર આવતી લિંક પર ક્લિક કરો. અહીં Apply Now નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરવાથી એક ફોર્મ ખુલશે. તેમાં તમારી વિગતો ભરી સબમિટ કરી દો. પરંતુ અહીં ફોર્મમાં તમને પૂછવામાં આવશે કે કંપની તમને આ ભૂમિકા માટે કેમ પસંદ કરે? અહીં તમારે જણાવવું પડશે કે તમે સૌથી સારા સ્લીપર કેમ છો. જો તમારો જવાબ કંપનીના વિઝન સાથે મેચ થશે તો તમારી પસંદગી થવાની સંભાવના વધી જશે.