)
Head Lice Home Remedies: માથામાં જૂ અને લીખ થવી સામાન્ય સમસ્યા છે. પરંતુ જો વારંવાર માથામાં જૂ થઈ જતી હોય તો રોજીંદુ જીવન પણ પ્રભાવિત થવા લાગે છે. વાળમાં ચોંટેલી લીખો અને જૂના કારણે માથામાં સતત ખંજવાળ આવે છે. ઘણીવાર જૂ અને લીખના કારણે માથામાં ઘા પણ થવા લાગે છે. આયુર્વેદ અનુસાર માથાની ત્વચા ગંદી રહેતી હોય, વધારે પરસેવો થતો હોય ત્યારે જૂ પડવાનું શરુ થઈ જાય છે. જૂ પડે ત્યારે કેટલીક પ્રાકૃતિક વસ્તુઓની મદદથી તેને દુર કરી શકાય છે.
જૂ અને લીખ ની સમસ્યાને દુર કરવા માટે નાળિયેર તેલ અને લીમડાના બીજનું મિશ્રણ સૌથી પ્રભાવશાળી ઉપાય છે. આયુર્વેદમાં લીમડાને કીડા અને પરજીવીઓને નષ્ટ કરનાર કહેવામાં આવ્યો છે. કડવા લીમડાના બીજમાં એવા કડવા તત્વ હોય છે જે જૂ અને લીખ માટે ઝેર જેવું કામ કરે છે. સાથે નાળિયેર તેલ ત્વચાને પોષણ આપે છે અને વાળના મૂળમાં ઉતરી જૂ અને લીખનો શ્વાસ લેવાનો રસ્તો બંધ કરી દે છે.
જૂ અને લીખ દુર કરવા માટેનું તેલ તૈયાર કરવા માટે નાળિયેર તેલને ઉકાળવા મુકો અને તેમાં લીમડાના બી ઉમેરી દો. તેલને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી બી ના ગુણ તેલમાં ભળી ન જાય અને તેલમાંથી કડવી સુગંધ ન આવવા લાગે. આ તેલને ઠંડું કરી બોટલમાં ભરી લો. આ તેલ ઠંડુ થઈ જાય પછી વાળમાં સારી રીતે લગાવો. જૂ શ્વાસ લેવા માટે નાના છિદ્રો પર નિર્ભર હોય છે. આ તેલ તે છિદ્રોને બંધ કરી દે છે. જેથી જૂ ફટાફટ મરવા લાગે છે.
લીમડાના બી ની કડવાશ લીખ પર અસર કરે છે. આ તેલથી લીખ વાળમાંથી ઢીલી પડવા લાગે છે અને વધારે લીખ પેદા પણ નથી થતી. લીમડાનું તેલ સપ્તાહમાં 4 થી 5 વખત લગાડવું જેથી જૂ એકવારમાં નીકળી ગયા પછી ફરીવાર પણ થાય નહીં.
ખૂબ ઓછા લોકો જાણતા હશે કે વેસેલીન અને કપૂરની મદદથી પણ જૂ અને લીખ દુર થઈ શકે છે. આયુર્વેદમાં કપૂરને શીતલ, ખંજવાળ શાંત કરનાર માનવામાં આવે છે. કપૂરની તીવ્ર સુગંધથી જૂ મરી જાય છે. વેસેલીન ઘટ્ટ પદાર્થ છે. જેમાં જૂ ફસાઈ જાય છે અને વાળ ધોવાથી બધી જ જૂ વાળમાંથી છુટી પડી નીકળવા લાગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)