)
Bajra Roti Making Tips: શિયાળામાં જો સૌથી વધુ કોઈ વસ્તુ ખવાતી હોય તો તે છે રીંગણનું ભરથું અને બાજરીના રોટલા. બાજરીના લોટના રોટલા સ્વાદમાં લાજવાબ હોય છે અને શિયાળામાં શરીર માટે પણ ફાયદાકારક ગણાય છે. બાજરીનો લોટ આયરન, ફાઇબર, પ્રોટીન અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. બાજરીની તાસીર ગરમ હોય છે તેથી તે શરીરને ઠંડીથી બચાવવામાં પણ મદદ કરે છે. ગુજરાતમાં તો બાજરીના રોટલા સાથે ગોળ અને સફેદ માખણ પણ ખવાતું હોય છે.
પરંતુ બાજરીની રોટલી કે રોટલા બનાવવામાં સૌથી વધુ તકલીફ પડે છે. ઘણા લોકો એવા હોય છે જેમનાથી બાજરીના રોટલા પરફેક્ટ બનતા નથી. મોટાભાગે રોટલો બનાવતી વખતે ફાટી જાય છે કે તૂટી જાય છે. તો વળી કેટલાક લોકોથી રોટલો કડક બને છે અને ફૂલતો નથી. બાજરીના લોટમાં ગ્લુટન હોતું નથી તેથી તેનો રોટલો બનાવવો મુશ્કેલ કામ છે પરંતુ જો તમે યોગ્ય રીતે બાજરીનો લોટ તૈયાર કરો તો તમે સરળતાથી રોટલા બનાવી શકો છો. આજે તમને બાજરીના રોટલા બનાવવાની પરફેક્ટ રીત જણાવી દઈએ. આ રીત અનુસાર જો તમે બાજરીના રોટલા બનાવશો તો પહેલીવારમાં જ પરફેક્ટ રોટલો બની જશે. બનાવતી વખતે રોટલો તૂટશે પણ નહીં અને શેકશો ત્યારે દડાની જેમ ફૂલી પણ જશે.
બાજરીના રોટલા બનાવવાની રીત
બાજરીનો લોટ થોડો સુકો હોય છે. તેથી તેને બાંધતી વખતે હુંફાળા પાણીનો ઉપયોગ કરવો. જો તમે રોટલાનો લોટ ઠંડા પાણીથી બાંધશો તો રોટલો તૂટતો જશે અને શેકતી વખતે ફાટી પણ જશે. હુંફાળું પાણી વાપરશો તો રોટલાનો લોટ નરમ અને લચકદાર બનશે જેનાથી રોટલો બનાવવામાં સરળતા રહેશે.
જો તમે એક-એક રોટલાનો લોટ ન બાંધી શકો તો તમે એક સાથે પણ લોટ બાંધી શકો છો. તેના માટે પાણીને થોડું ઉકાળી લો. પાણી ઉકળી જાય પછી ગેસ બંધ કરી દો. ગરમ પાણીમાં થોડું મીઠું અને એક ચમચી ઘી મિક્સ કરી દો. ત્યારબાદ તેમાં ધીરે ધીરે બાજરીનો લોટ મિક્સ કરો. બાજરીનો લોટ મિક્સ કર્યા પછી તેને 15 મિનિટ ઢાંકી દો.
ત્યાર પછી લોટને એક મોટા વાસણમાં કાઢી હળવા હાથે મસળો. તમે જોશો કે લોટ ચીકણો થઈ ગયો છે અને તૂટતો પણ નથી. બાજરીના લોટમાં થોડું તેલ ઉમેરીને બરાબર ગુંથી લો અને પછી તેમાંથી રોટલો બનાવો. જો તમે આ રીતે લોટ તૈયાર કરશો તો રોટલાને તમે વણીને પણ તૈયાર કરી શકો છો. પરંતુ રોટલો હાથ વડે થેપીને બનાવો વધારે સારો રહે છે. પાટલા પર થોડો સૂકો લોટ છાંટી રોટલાના લોટને હથેળીથી ગોળ ફેરવી ધીરે ધીરે ફેલાવતા રહો. જો તમે પહેલીવાર રોટલો બનાવતા હોય તો પ્લાસ્ટિકની સીટનો ઉપયોગ પણ કરી શકો છો તેનાથી રોટલો ઉપાડવામાં સરળતા રહેશે.
બાજરાનો રોટલો શેકતી વખતે એક વાતનું ધ્યાન રાખવું કે તવાને બરાબર ગરમ કરી ગેસ સ્લો કરી દેવો. તવો ઠંડો હશે તો રોટલો ચોંટી જશે અને ફાટશે. ગરમ તવા પર રોટલો મૂકી એક તરફ બરાબર થવા દો. જ્યારે રોટલાનું પડ શેકાઈ જાય તો તેને ધીરે ધીરે પલટી કરી દો. રોટલાને બીજી તરફ મધ્યમ તાપે શેકી લો. રોટલો જ્યારે તવો છોડી દે ત્યારે તેને ફરથી પલટો. ત્યાર પછી રોટલાને હળવા હાથે ચારે તરફથી દબાવો જેનાથી રોટલો ફુલે અને અંદરથી સારી રીતે શેકાઈ જાય. તૈયાર કરેલા રોટલા પર ઘી લગાડી ગરમા ગરમ રોટલા સર્વ કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)