)
Cooking Hacks: ઠંડી જેમ જેમ વધુ પડે તેમ તેમ રસોડાના એક ખાદ્ય પદાર્થને સાચવવામાં સમસ્યા થવા લાગે. આ ખાદ્ય પદાર્થ છે રોટલી. શિયાળામાં રોટલી બની જાય એટલે થોડીવાર તો એકદમ સોફ્ટ રહે છે પરંતુ એક કલાકની અંદર તો રોટલી કડક થઈ જાય છે. થોડી વારમાં જ રોટલીની અંદર જે નમી હોય છે તે ખતમ થઈ જાય છે. આવું તમારી સાથે પણ થતું જ હશે. તો આજે તમને આ સમસ્યાનું સમાધાન આપી દઈએ. આજે તમને 5 એવી ટીપ્સ જણાવીએ જેને ફોલો કરશો તો રોટલી બીજા દિવસ સુધી સોફ્ટ રહેશે.
રોટલીને સોફ્ટ રાખવા માટેની ટિપ્સ
લોટ બાંધવાની રીત
જો તમે રોટલીનો લોટ નોર્મલ પાણીથી બાંધો છો તો શિયાળામાં લોટ બાંધવા માટે હુંફાળુ દૂધ અથવા હુંફાળા પાણીનો ઉપયોગ કરો. દૂધથી બાંધેલા લોટની રોટલી સોફ્ટ રહે છે અને ઝડપથી કડક થતી નથી. લોટ બાંધી તેને ભીના કપડાથી ઢાંકીને 30 મિનિટ રાખો અને પછી તેનો ઉપયોગ કરો.
લોટમાં તેલ અથવા ઘી ઉમેરો
શિયાળામાં રોટલીને ઠંડી રાખવા માટે લોટ બાંધો ત્યારે તેમાં ઘી અથવા તેલનું મોણ ઉમેરવું. તેનાથી રોટલી લાંબા સમય સુધી સોફ્ટ રહેશે.
રોટલી વણવાની ટેકનિક
રોટલીનો લોટ વધારે કઠણ ન રાખો. રોટલીને લોટ સોફ્ટ રાખવો જેથી રોટલી આરામથી વણી શકાય. જો તમે હળવા હાથે રોટલી વણશો તો રોટલી બન્યા પછી સોફ્ટ રહેશે. જો ભાર આપીને રોટલી વણવામાં આવે તો રોટલી કડક થઈ જાય છે.
રોટલીને તવા પર જ શેકો
રોટલીને ગેસની આંચ પર રાખી તમે પણ ફુલાવતા હશો. પરંતુ શિયાળામાં આ કામ બંધ કરી દો. રોટલીને તવા પર જ કપડાની મદદથી શેકવી જોઈએ. આંચ પર મુકશો તો કડક થઈ જશે.
રોટલીની કિનારી પર ઘી
રોટલી બને પછી તેની ઉપર ઘી લગાડો અને તેની સાથે આ કામ પણ કરજો. બધી જ રોટલી બની જાય પછી હથેળીમાં ઘી લઈ રોટલીની કિનારીઓ પર પણ ઘી લગાડવું. જેથી કિનારી કડક ન થઈ જાય. ત્યારબાદ રોટલીને કેસરોલમાં મુકી દો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)