)
Rava Dosa Recipe: જો તમે સાઉથ ઈંડિયન ખાવાના શોખીન છો તો રવા ઢોસાનું નામ આવતાં જ મોંમાં પાણી ચોક્કસથી આવી જશે. રેસ્ટોરન્ટમાં મળતા પાતળા, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ રવા ઢોસા ઘરે બનાવવા મુશ્કેલ લાગે છે. પરંતુ આ કામ મુશ્કેલ નથી. તમે ઘરે કેટલીક ટ્રીક ફોલો કરી ક્રિસ્પી ઢોસા બનાવી શકો છો. તો ચાલો તમને જણાવીએ ઘરે ક્રિસ્પી ઢોસા કેવી રીતે બનાવવા.
1. રવા ઢોસાનું બેટર સામાન્ય ઢોસાના બેટર કરતાં અલગ હોય છે. તેને ફેંટવાની જરૂર પડતી નથી. રવા ઢોસાનું બેટર પાતળું હોવું જોઈએ જેને તવા પર રેડ્યા પછી આસાનીથી ફેલાવી શકાય. જો બેટર ઘટ્ટ રાખશો તો ઢોસા ક્રિસ્પી નહીં બને. બેટર એટલુ પાતળું રાખવું કે તવા પર રેડો તો જાતે જ ફેલાય જાય.
2. રવા ઢોસાનું બેટર બનાવવા માટે રવો, ચોખાનો લોટ અને થોડો મેંદો મિક્સ કરી તેમાં પાણી ઉમેરો. આ બેટરને 30 મિનિટ સેટ થવા રાખી દો. આ પ્રોસેસ કરવાથી રવો ફુલી જશે અને ઢોસા ક્રિસ્પી બનશે.
3. ક્રિસ્પી રવા ઢોસા ઉતારવા માટે તવાનું તાપમાન યોગ્ય હોય તે જરૂરી છે. જો તવો એકદમ ગરમ હશે તો બેટર બળી જશે અને ઠંડો હશે તો તવા પર ફેલાશે નહીં. તેથી બેસ્ટ રસ્તો છે કે તમે તવાને ગરમ કરી લો. પછી ઢોસાનું બેટર રેડતા પહેલા તેના પર પાણી છાંટી દો. પછી બેટર પાથરો.
4. ઢોસાનું બેટર થોડું કુક થાય પછી તેની કિનારી પર તેલ, ઘી કે બટર લગાડી પછી તેને પલટવો. તેલ કે ઘીનો ઉપયોગ કરવાથી ઢોસો આરામથી ઉખડી જશે.
5. રવા ઢોસાને ગરમ ખાવા જરૂરી છે. આ ઢોસા ઠંડા થઈ જાય તો ટેસ્ટી નથી લાગતા. તેથી ઢોસા ગરમ હોય ત્યારે જ નાળિયેરની ચટણી સાથે સર્વ કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)