)
Puran Poli Recipe: પુરણ પોળી પારંપરિક વાનગી છે. પરંતુ ઘણા લોકોથી પુરણ પોળી પરફેક્ટ બનતી નથી. પુરણ તો બની જાય છે પરંતુ સમસ્યા ત્યારે આવે છે જ્યારે પુરણ પોળી વણતી વખતે તે ફાટી જાય અને પુરણ તેમાંથી નીકળી જાય. આવું ન થાય અને એકદમ મસ્ત ફુલેલી પુરણ પોળી બને તે માટે શું કરવું ચાલો તમને જણાવીએ.
પુરણ પોળી બનાવવી એકદમ સરળ છે. પુરણ બનાવતી વખતે અને લોટ બાંધતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો પહેલીવારમાં પણ પરફેક્ટ પુરણ પોળી બની જાય છે. તો ચાલો તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીએ કે પુરણ પોળી કેવી રીતે બનાવવી.
પુરણ પોળી માટેની સામગ્રી
ઘઉંનો લોટ
મેંદાનો લોટ
તેલ
ચણાની દાળ-200 ગ્રામ
ગોળ- 150 ગ્રામ
એલચી પાવડર
ઘી
પાણી
પુરણ પોળી બનાવવાની રીત
પુરણ પોળી માટે ઘઉંના લોટમાં થોડો મેંદાનો લોટ ઉમેરી કણક તૈયાર કરો. આ લોટ થોડો સોફ્ટ રાખવો. લોટ વધારે કડક હોય તો પુરણ પોળી વણતી વખતે ફાટી જાય છે. તેથી લોટ સોફ્ટ બાંધવો.
પુરણ બનાવવા માટે ચણાની દાળને સારી રીતે ધોઈ અને બાફી લેવી. દાળ એકદમ સોફ્ટ થઈ જાય એટલે તેને મેશ કરી સ્મુધ પેસ્ટ બનાવવી. ચણાની દાળને સ્ટીલની ચારણી વડે ગાળી પણ શકો છો જેથી એકદમ સ્મુધ પેસ્ટ અલગ કરી શકાય.
હવે એક પેનમાં ચણાની દાળની પેસ્ટ લઈ તેમાં ગોળ ઉમેરી ધીમા તાપે હલાવો. ગોળ ઓગળે એટલે દાળમાં 1 ચમચી ઘી ઉમેરો અને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી ચણાની દાળનું મિશ્રણ સાઈડથી છુટુ પડવા લાગે.જ્યારે દાળનું મિશ્રણ સાઈડ છોડવા લાગે ત્યારે તેમાં એલચી પાવડર ઉમેરો અને ગેસ બંધ કરી પુરણને ઠંડુ થવા દો. પુરણ ઠંડુ થઈ જાય પછી જ તેમાંથી પુરણ પોળી બનાવવી. પુરણ થોડું પણ ગરમ હશે તો પણ પુરણ પોળી ફાટી જશે.
તૈયાર કરેલા લોટમાંથી મોટો લુઓ લઈ તેને હથેળીમાં ફેલાવી તેમાં પુરણ મુકી સારી રીતે કવર કરી લો. પુરણ પોળીના લુઆને હળવા હાથે થેપી લેવું અને પછી ધીરે ધીરે તેને વણો. પુરણ પોળી તૈયાર થઈ જાય એટલે ગરમ તવા પર તેને શેકી ઉપરથી ઘી લગાડી સર્વ કરો.