)
માનવ શરીરમાં કિડની મહત્વના અંગોમાં સામેલ છે. જો તે બગડે તો આખા શરીરનું સ્વાસ્થ્ય દાવ પર લાગે છે. અમેરિકાના નેશનલ કિડની ફાઉન્ડેશન(NKF) ના એક રિપોર્ટ મુજબ કિડનીના સ્વાસ્થ્યને ખુબ ગંભીરતાથી લેવું જોઈએ. ખાસ કરીને જો તમને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ હોય, કિડની ફેલિયરની ફેમિલી હિસ્ટ્રી હોય કે પછી તમારી ઉંમર 60 વર્ષ કરતા વધુ હોય તો આ કારણોસર તમને કિડનીની બીમારી થવાનું જોખમ વધુ રહેતું હોય છે. આવા લોકોએ દર વર્ષે પોતાની કિડનીનો ટેસ્ટ કરાવવો જોઈએ.
કિડની ખરાબ થાય તો શું સંકેત મળે
NKF ના ચીફ મેડિકલ ઓફિસર ડો. જોસેફ વાસાલોટીએ રિપોર્ટમાં જણાવ્યું કે કિડનીની બીમારીના કેટલાક લક્ષણો હોય છે. પરંતુ ક્યારેકક્યારેક લોકો તેને બીજી બીમારીઓ સાથે જોડી બેસે છે. આ ઉપરાંત કિડનીની બીમારીમાં સામાન્ય રીતે લક્ષણો પણ પછીના સ્ટેજ સુધી મહેસૂસ થતા નથી. એટલે સુધી કે કિડની ફેલ ન થાય કે જ્યાં સુધી યુરિનમાં વધુ પડતું પ્રોટીન રિલીઝ થવા ન લાગે ત્યાં સુધી ખબર નથી પડતી.
વધુ પડતું યુરિન આવવું
જો તમને વારંવાર પેશાબ જવાની જરૂર મહેસૂસ થતી હોય ખાસ કરીને રાતે તો તે કિડનીની બીમારીનો સંકેત હોઈ શકે છે. જ્યારે કિડનીના ફિલ્ટર ખરાબ થઈ જાય તો યુરિન વારંવાર જવાનું મહેસૂસ થાય છે. ક્યારેક પુરુષોમાં તે યુરિનરી ઈન્ફેક્શન કે વધેલા પ્રોસ્ટેટનો સંકેત પણ હોઈ શકે છે. પરંતુ આમ છતાં તમારે તરત ડોક્ટર પાસે જઈને તપાસ કરાવવી જોઈએ.
યુરિનમાં લોહી
સ્વસ્થ કિડની સામાન્ય રીતે લોહીમાંથી ગંદકીને ફિલ્ટર કરીને યુરિન બનાવવા માટે બ્લડ સેલ્સને શરીરમાં રાખે છે પરંતુ જ્યારે કિડનીના ફિલ્ટર ખરાબ થાય તો બ્લડ સેલ્સ પેશાબમાં લીક થવા લાગે છે અને યુરિનમાં લોહી જાય છે. કિડનીની બીમારીનો સંકેત આપવા ઉપરાંત પેશાબમાં લોહી ટ્યૂમર, કિડની સ્ટોન કે ઈન્ફેક્શનનો પણ સંકેત હોઈ શકે છે.
યુરિનમાં ફીણ
પેશાબમાં જો વધુ પડતું ફીણ જોવા મળે તો તે પ્રોટીનનો સંકેત હોઈ શકે છે. આ ફીણ બિલકુલ એવા ફીણ જેવું લાગે જે તમે ઈંડુ ફેંટો ત્યારે જોવા મળે છે કારણ કે યુરિનમાં મળી આવતું પ્રોટીન એલ્બ્યુમિન એ જ પ્રોટીન છે જે ઈંડામાં મળી આવે છે. આથી તેને ગંભીરતાથી લો અને તરત કિડનીના ડોક્ટર પાસે જઈને તપાસ કરાવો.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ મીડિયા રિપોર્ટ અને ઉપલબ્ધ જાણકારીઓના આધારે લખાયો છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.