)
Lemon Peel Uses: સામાન્ય રીતે લીંબુનો રસ કાઢીને લીંબુની છાલને ફેંકી દેવામાં આવે છે. પરંતુ તમને ખબર નહીં હોય કે લીંબુની છાલ તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. લીંબુની છાલનો ઉપયોગ તમે અલગ અલગ કામોમાં કરી શકો છો. લીંબુના રસની જેમ લીંબુની છાલમાં પણ એન્ટિ ઓક્સિડન્ટ, વિટામિન સી અને એન્ટિ બેક્ટેરિયલ ગુણ ભરપૂર માત્રામાં હોય છે. લીંબુની છાલને ફેંકવાની બદલે તમે તેનો ઉપયોગ આ રીતે કરી શકો છો.
નેચરલ ફ્રેશનર
લીંબુની છાલનો ઉપયોગ કરીને તમે ઘરે નેચરલ રૂમ ફ્રેશનર બનાવી શકો છો. આ ફ્રેશનરની ખુશ્બુ એકદમ તરોતાજા કરી દે તેવી હોય છે. તેના માટે લીંબુની છાલને તડકામાં સુકવી તેનો પાવડર બનાવી લો અને તેમાં બેકિંગ સોડા મિક્સ કરી નાનકડી વાટકીમાં ભરીને રાખી દો. આ પાવડરની સુગંધ આખા ઘરમાં ફેલાયેલી રહેશે. તમે લીંબુની છાલને પાણીમાં ઉકાળીને તેનો સ્પ્રે પણ બનાવી શકો છો. લીંબુની છાલની સુગંધથી જીવજંતુઓ પણ દુર થઈ જશે.
કિચન અને બાથરૂમની સફાઈ
લીંબુ નેચરલ ક્લીનર તરીકે કામ કરે છે. લીંબુની છાલનો ઉપયોગ કરીને તમે રસોડાની અને બાથરૂમની સફાઈ પણ કરી શકો છો. લીંબુની છાલમાં સિટ્રિક એસિડ હોય છે જે જીદ્દી ડાઘને દૂર કરવામાં મદદ કરી શકે છે. રસોડાની ટાઇલ્સ પર ડાઘ પડી ગયા હોય કે બાથરૂમની ટાઇલ્સ પર ડાઘ હોય તો તેને છોડાવવા માટે લીંબુની છાલ તેના પર ઘસો. તેનાથી જીદ્દી ડાઘ પણ સરળતાથી નીકળી જશે.
સ્કિન માટે
લીંબુની છાલનો ઉપયોગ સ્કીન કેરમાં પણ કરી શકાય છે. લીંબુની છાલમાં વિટામિન સી હોય છે જે સ્કીનમાં નિખાર લાવવામાં મદદ કરે છે. લીંબુની છાલને એકઠી કરી તેને તડકામાં સૂકવી પાવડર બનાવી લેવો. આ પાવડરને એર ટાઈટ કન્ટેનરમાં ભરી સ્ટોર કરી લો. ત્યાર પછી જ્યારે પણ ફેસપેક બનાવો તો તેમાં લીંબુની છાલનો પાઉડર ઉમેરી દેવો. આ ફેસપેકનો ઉપયોગ કરવાથી ડેડ સ્કીન દૂર થાય છે અને ડાઘ પણ ઓછા થઈ શકે છે સાથે જ ત્વચા ચમકદાર બને છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)