)
Moong Dal Recipe: સવારે અને સાંજે ચા નો સમય થાય એટલે ચા ની સાથે કંઈક નમકીન ખાવાની ઈચ્છા પણ થાય છે. ઘણા લોકો તૈયાર નમકીન ખાઈ લેતા હોય છે. બજારમાં જે રેડીમેટ નમકીન મળે છે તે સ્વાદિષ્ટ તો હોય છે પરંતુ તેને બનાવવા માટે જે તેલ વપરાયું હોય તેની ગુણવત્તા કેવી હશે તેની કોઈ ગેરંટી હોતી નથી. આ સ્થિતિમાં જો તમે ચા સાથે કંઈક કરકરું અને નમકીન ખાવા માંગતા હોય તો મગની દાળ બનાવીને સ્ટોર કરી શકો છો.
બજારમાં પેકેટમાં મળતી કરકરી મગની દાળ ઘરે પણ સરળતાથી બની જાય છે. બસ જરૂરી છે કે તમને નમકીન મગની દાળ બનાવવાની રીત ખબર હોય. તો આજે તમને જણાવી દઈએ કે મગની નમકીન દાળ કેવી રીતે તૈયાર કરવાની હોય છે.
મગની નમકીન દાળ બનાવવા માટેની સામગ્રી
પીળી મગની દાળ
તેલ
મીઠું
સંચળ
હળદર
હિંગ
કાળા મરીનો પાવડર
નમકીન મગની દાળ બનાવવાની રીત
બજારમાં મળે તેવી જ નમકીન મગની દાળ ઘરે બનાવી હોય તો સૌથી પહેલા મગની ફોતરા વિનાની પીળી દાળને પાણીમાં ચારથી પાંચ કલાક માટે પલાળી દો. પાંચ કલાક પછી પાણીમાંથી મગની દાળને કાઢી કપડા પર પાથરી તો જેથી તેમાંથી વધારાનું પાણી નીકળી જાય. પાણીમાંથી કાઢ્યા પછી મગની દાળને એક કલાક સુધી કપડા પર કોરી કરી લેવી.
ત્યાર પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થઈ જાય પછી ધીમા તાપે પલાળેલી મગની દાળને કરકરી થાય ત્યાં સુધી તળી લેવી. મગની દાળ તળાઈ જાય પછી તેને ટીસ્યુ પેપર પર કાઢી લો જેથી તેનું વધારાનું તેલ ટીસ્યૂ પેપરમાં નીકળી જાય.
મગની દાળ હુંફાળી ગરમ હોય ત્યારે તેમાં મીઠું, સંચળ, હળદર અને કાળા મરીનો પાવડર મિક્સ કરી દેવો. દાળને મસાલામાં સારી રીતે મિક્સ કરી લેવી અને પછી ઠંડી થાય એટલે એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી લેવી.