Refreshing Rose Drink: ગરમીમાં હવે દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આ ગરમીથી શરીરને રાહત આપે તેવું ગુલાબનું શરબત બનાવવાની રીત જાણી લો. સાકર અને ગુલાબના પાનનું આ શરબત ગરમીમાં પીધાની સાથે પેટમાં ટાઢક થઈ જશે. તો ફટાફટ જાણી લો શરબત બનાવવાની રીત અને તેના ફાયદા વિશે.

Refreshing Rose Drink: ધીરે ધીરે તાપમાનનો પારો વધી રહ્યો છે. જેમ જેમ ગરમી વધે તેમ લોકો ગરમીથી બચવાના ઉપાય શોધવા લાગે છે. ગરમી વધી જાય એટલે લોકો એવી વસ્તુ ખાવા પીવાનું પસંદ કરે છે જેનાથી શરીરના ગરમીથી રાહત મળે અને ગરમીના કારણે તબિયત પણ ન બગડે. ઉનાળામાં શરીરને ઠંડક કરે અને ગરમીના કારણે થતી તકલીફોને દૂર કરવામાં મદદ કરે તેવી વસ્તુઓ એક છે ગુલાબનું શરબત.
ગુલાબનું શરબત ઉનાળા દરમિયાન વધારે પીવાતું હોય છે. ગુલાબનું શરબત પાણી અને દૂધ બંને સાથે પીવામાં આવે છે. પરંતુ મોટાભાગે માર્કેટમાં મળતું રેડી રોઝ સીરપ લાવી તેમાંથી જ શરબત બનાવવામાં આવે છે. જો તમારે માર્કેટમાં મળતું ખાંડ વાળું શરબત ઉપયોગમાં ન લેવું હોય તો ઘરે ખાંડ વિનાનું ગુલાબ શરબત તૈયાર કરી શકો છો. ગુલાબનું શરબત ઘરે બનાવવું એકદમ ઈઝી છે. તેના માટે તમારે બજારમાંથી થોડા ગુલાબના પાન અને સાકર ખરીદવી પડશે. બસ આ 2 વસ્તુઓની મદદથી ઘરે સરળતાથી ગુલાબનું શરબત બનાવી શકો છો. ઘરે બનાવેલું ગુલાબનું શરબત પીવાથી શરીરને ફાયદા પણ થશે.
ઘરે બનાવેલું ગુલાબનું શરબત પીવાના ફાયદા
- ગુલાબનું ઘરે બનાવેલું શરબત શરીરને ઠંડક આપે છે અને ગરમી ઓછી કરવામાં મદદ કરે છે.
- ઉનાળામાં તેલ મસાલા વાળું ખાધા પછી થતી એસિડિટી સહિતની સમસ્યાથી રાહત આપવામાં ગુલાબનું શરબત મદદ કરે છે.
- ગુલાબનું શરબત પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે.
- ગુલાબનું શરબત પીવાથી સ્કીનને પણ ફાયદો થાય છે.
ગુલાબનું શરબત બનાવવાની રીત
ગુલાબનું શરબત બનાવવા માટે ગુલાબની પાંદડી, સાકર, એલચી પાવડર અને પાણીની જરૂર પડશે. શરબત બનાવવા માટે બજારમાંથી ફ્રેશ ગુલાબ ખરીદી લાવો અને પછી તેના પાન અલગ કરી પાણીથી સારી રીતે ધોઈ લો. ગુલાબના પાન એક કપ જેટલા હોય તો અડધો કપ સાકર લેવી.
શરબત બનાવવા માટે એક મોટા તપેલામાં પાંચ કપ પાણી ઉકાળો. પાણી ગરમ થઇ જાય એટલે તેમાં ગુલાબના પાન ઉમેરી દો અને ધીમા તાપે પાણીને 15 મિનિટ ઉકળવા દો. જ્યારે પાણીનો રંગ બદલી જાય ત્યારે ગેસ બંધ કરો અને ગુલાબના પાણીને થોડીવાર ઠંડુ થવા દો. પાણી ઠંડુ થઈ જાય એટલે કપડાં વડે પાણીને ગાળો અને ગુલાબના પાન અલગ કરી દો.
હવે ગુલાબનું જે પાણી તૈયાર થયું છે તેને ફરીથી ગેસ પર ગરમ કરવા મુકો. આ વખતે ગુલાબના પાણીમાં સાકર અને એલચી પાવડર પણ મિક્સ કરી દો. પાણીમાં સાકર બરાબર ઓગળે અને થોડી ઘટ્ટ ચાસણી બને એટલે ગેસ બંધ કરી દો. જો તમે ઈચ્છો તો આ સ્ટેજ પર ગુલાબનું એસેન્સ ઉમેરી શકો છો. ગુલાબની ચાસણી ઠંડી થઈ જાય એટલે તેને કાચની બોટલમાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરો.
હવે જ્યારે પણ ગુલાબનું શરબત બનાવવું હોય ત્યારે તૈયાર કરેલી ચાસણી બે થી ત્રણ ચમચી જેટલી લઈ તેમાં થોડું મીઠું ઉમેરી ઠંડુ પાણી એડ કરો. શરીરને ફાયદો કરે તેવું નેચરલ ગુલાબનું શરબત ઠંડુ ઠંડુ સર્વ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)